ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ...!!

તા. ૨૩-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે ટેરિફ - પ્રતિબંધોનું શસ્ત્ર ઉગામતા રહી હવે ઈરાનમાં ભારત દ્વારા વિકસાવાયેલા ચબહાર પોર્ટ સંબંધિત આર્થિક પ્રતિબંધોમાં અપાયેલી રાહત પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કરતાં અને ગત સપ્તાહના અંતે વ્હાઇટ હાઉસ ખાતે એચ-વનબી વિઝા માટે ૧ લાખ ડોલર અરજી ફીના આદેશ પર હસ્તાક્ષર કરતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.

વૈશ્વિક મોરચે ઈઝરાયેલના હમાસ પર છેલ્લા અત્યંત ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ યુરોપના દેશો દ્વારા રશિયા પર વધુ અંકુશો લગાવવાના પગલાંના અહેવાલ સામે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચાઈનાના પ્રમુખ જિનપિંગ વચ્ચે થનારી વાટાઘાટને લઈ અનિશ્ચિતતા વ્યાપ્ત રહેતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૯%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૪% અને નેસ્ડેક ૦.૭૦% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૦ અને વધનારની સંખ્યા ૧૫૭૪ રહી હતી, ૧૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર રિયલ્ટી, સર્વિસ, એફએમસીજી, યુટીલીટી, કોમોડીટીઝ, હેલ્થકેર અને મેટલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૧૨,૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૫૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૧૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૦૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૨,૫૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૩૩,૨૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૩,૭૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૩,૧૭૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૩૩,૪૮૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ગોદરેજ પ્રોપર્ટીઝ (૨૦૯૩) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૧૩ થી રૂ.૨૧૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૨૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિંદો ફાર્મા (૧૧૧૨) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એચડીએફસી બેન્ક (૯૬૦) : રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા ટેકનોલોજીસ (૬૯૯) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૩ થી રૂ.૭૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૮૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકા - રશિયા - ચાઈના વચ્ચેની ટ્રેડવોર અને જીઓપોલિટીકલ ટેન્શનના કારણે ભલે અનિશ્ચિતતા યથાવત હોય, પરંતુ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી તકો, મજબૂત આર્થિક વૃદ્ધિ દર અને સતત વધતા વિદેશી રોકાણના પ્રવાહે બજારનું સેન્ટીમેન્ટ મજબૂત બનાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિના કારણે અમેરિકા પોતે મોંઘવારીના દબાણનો સામનો કરી રહ્યું છે, જ્યારે ભારત પોતાના વેપાર સંબંધોમાં લવચીકતા દાખવીને નવા કરાર માટે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તા ઓઈલની આયાત અને સરકાર દ્વારા ચાલુ કરાયેલા સુધારાઓએ ભારતને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત પોઝિશન પર લાવી દીધું છ ે. આ પરિસ્થિતિમાં સ્થાનિક માંગ, કોર્પોરેટ કમાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચે ભારતીય શેરબજારમાં તેજી જાળવી રાખવા માટે મજબૂત આધાર પૂરું પાડ્યો છે.

બીજી તરફ, અમેરિકા સાથે ફરી શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટો અને ભારતના વાણિજ્ય પ્રધાનના અમેરિકી પ્રવાસના અહેવાલો ભારતીય બજારો માટે મહત્વના ટ્રિગર બની શકે છે. જો ભારત - અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ અંગે કોઈ સકારાત્મક વિકાસ થાય તો વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધુ મજબૂત થશે અને ડોલર સામે રૂપિયામાં સ્થિરતા આવશે. સાથે જ સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇકોનોમી, રિન્યૂએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળતો આધાર પણ શેરબજારમાં નવી તેજીનું કારણ બની શકે છે. તેથી, ટૂંકા ગાળામાં વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં મધ્યમ અને લાંબા ગાળે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની પૂરી શક્યતા છે.

close
Ank Bandh