Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નજીક બાયપાસ પર ખુંટીયા સાથે મોટર ટકરાઈ પડતા ગઢકા ગામના બે યુવાનના મૃત્યુ

રાત્રિના અંધકારમાં રોડ પર બેસેલો ખુંટીયો ન દેખાતા કરૂણાંતિકા સર્જાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયાને દ્વારકા સાથે જોડતા ખંભાળિયા પાસેના બાયપાસ પર ગઈરાત્રે અઢી વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં ગઢકા ગામના બે રાજપૂત યુવાનોએ મહામૂલી જિંદગી ગૂમાવી છે. મોડીરાત્રે તેઓની ગઢકા તરફ દોડી જતી ઈનોવા મોટર રોડ પર બેસેલા કાળા ખુંટીયા સાથે ટકરાયા પછી રોંગ સાઈડમાં કૂદી જઈ સામેથી આવતા ટ્રક સાથે ટકરાઈ પડતા બંને યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. આ બનાવે ગમગીની પ્રસરાવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે પ્રશ્નાર્થ સર્જયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના વતની પ્રીતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૨) તથા તેમના મિત્ર પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૩) પોતાના કામ માટે જીજે-૩૭-એબી ૫૪૮૧ નંબરની ઈનોવા લઈને રાજકોટ ગયા હતા.

ત્યાંથી ગઈરાત્રે આ યુવાનો પરત ફરતા હતા ત્યારે અંદાજે અઢી વાગ્યે તેઓની મોટર જ્યારે ખંભાળિયાના સર્કીટ હાઉસથી દ્વારકા બાયપાસ તરફ આગળ ધપતી હતી ત્યારે વ્યાસ પરોઠા હાઉસ અને અશોક પેટ્રોલપંપ વચ્ચે કાળા રંગનો એક ખુંટીયો રસ્તા પર બેઠો હતો. રાત્રિના અંધકારમાં ખુંટીયો ન દેખાતા ઈનોવા મોટર તેની સાથે ટકરાઈ પડી હતી.

સ્પીડમાં રહેલી મોટર ખુંટીયા સાથે અથડાયા પછી ડીવાઈડર ઠેંકીને રોંગસાઈડમાં કૂદી ગઈ હતી. ત્યારે જ સામેથી આવતો ટ્રક ઈનોવા સાથે ધડાકાભેર ટકરાઈ પડ્યો હતો અને ઈનોવાનંુ પડીકુ વળી ગયું હતું.

અકસ્માતગ્રસ્ત ઈનોવાનો આગળનો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. આગળ જ બેસેલા પ્રીતરાજસિંહ તથા પ્રતિપાલસિંહ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતના સ્થળેથી પસાર થતાં અન્ય વાહનો થંભવા માંડ્યા હતા. ત્યાં હાજર લોકોએ બંને યુવાનોને બહાર કાઢી નજીકમાં જ આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં બંનેના મૃત્યુ થયાનું જાહેર થયું છે.

આ બનાવની ગઢકા ગામમાં જાણ થતાં આ યુવાનોના પરિવારજનો અને અગ્રણીઓ દોડી આવ્યા હતા. બનાવની પોલીસને પણ જાણ કરાઈ હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક પ્રતિપાલસિંહના દોઢેક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને બે સપ્તાહ પર્વે જ તેઓને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ બાળકે પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. જ્યારે બીજા મૃતક પ્રીતરાજસિંહ હજુ અપરિણીત હતા.

વર્ષે-દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટીના સ્ટાફ દ્વારા ધોરીમાર્ગ પર રખડતા અને બેસતા ઢોરને ત્યાંથી કાઢવાની જવાબદારી હોવા છતાં આ ઓથોરિટી પોતાની જવાબદારી બજાવવામાં નિષ્ફળ જઈ રહી છે. આ પ્રકારના અકસ્માતો રાજ્યભરમાં સર્જાઈ રહ્યા છે ત્યારે ગઈરાત્રે પણ આ બેદરકારીના કારણે બે યુવાનોએ જિંદગી ગૂમાવી છે.

બંને યુવાનોએ આ જ મોટર સાથે સુદર્શન સેતુ પર પાડેલો ફોટો બન્યો સ્મરણ...

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને રાજપૂત યુવાનો ખાસ મિત્ર હતા. મોટાભાગે સાથે જોવા મળતા પ્રીતરાજસિંહ તથા પ્રતિપાલસિંહ થોડા સમય પહેલાં જ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પાસે ગયા હતા જ્યાં તેઓએ આ જ ઈનોવા મોટર સાથે ફોટો પાડ્યો હતો, આ ફોટો હવે સ્મરણ બની ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh