Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના તહેવારોમાં લાભપાંચમ વીતી ગઈ, પરંતુ હજુ દેવદિવાળી-તુલસીવિવાહ સુધીનો સમયગાળો તથા દિવાળી વેકેશનનો સંયોગ હોવાથી હજુ પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની નોંધપાત્ર અવર-જવર રહેવાની છે, અને બીજી તરફ કારતક મહિનામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક અને પારંપારિક પ્રસંગો-કાર્યક્રમોની શ્રૃંખલા પણ ચાલી રહી હોવાથી હજી પણ માહોલ ધમધમતો જ રહેવાનો છે.
નવું વર્ષ શરૂ થયું અને લાભપાંચમ સુધી રજાઓ ભોગવ્યા પછી બજારો અને માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમવા લાગ્યા. મીની વેકેશન માણીને વ્યાપારી વર્ગ તથા ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક લોકો પાછા પોતપોતાના કામે લાગ્યા.
જામનગરમાં પણ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહોના કારણે હજુ પણ એકાદશી અને દેવદિવાળી સુધી ધમધમાટ રહેવાનો છે, અને તેમાં પણ શરૂસેક્શન રોડ પર ચાલી રહેલી જિગ્નેશ દાદાની કથાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે, અને ત્યાં દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે.
નવા વર્ષ, નવી આશા, નવો ઉમંગ અને નવા સપના સાકાર કરવાની ઊર્જા આ પ્રકારના મંગલમય આયોજનોમાંથી પણ મળતી હોય છે. બીજી તરફ ખેતીવાડીની મહત્ત્વપૂર્ણ સિઝન પણ શરૂ થતી હોય છે, જેમાં ખરીફ પાકો લણીને તેનું વેંચાણ કરવા માટે ખેડૂતો માર્કેટ સુધી પહોંચતા હોય છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેલ બગાડ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ કૃષિક્ષેત્રે કાંઈક આશાવાદી ચિત્ર પણ ઊભું થયું છે, જેમાં ખેડૂતોની માંગણી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની મર્યાદા વધારવામાં આવે, તો તે ખેડૂતો માટે નવા વર્ષનું બોનસ ગણાશે, જો કે આ માટે નવેસરથી મિકેનિઝમ કે પ્રક્રિયા કરવી પડે, તો પણ આપણી અદ્યતન બનેલી 'સિસ્ટમ' તે માટે સક્ષમ છે. બસ, વારંવાર સર્વ ડાઉન થવા ન જોઈએ કે પછી તેવા પ્રકારની બહાનાબાજી કરીને સરકારી કામો માટે લોકોને ધક્કા ખવડાવવાની માનસિક્તા નિરંકુશ બને નહિં, તેનો ખ્યાલ સરકારે રાખવો જરૂરી છે!!
ગુજરાત એકંદરે સમૃદ્ધ રાજ્ય ગણાય છે, અને ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રે મેગા આયોજનો કરીને તેને સફળ પણ કરતા હોય છે, અને ધાર્મિક, સામાજિક અને હેલ્થ સેક્ટર પાછળ એકસાથે જંગી ખર્ચવાળા આયોજનો પણ થતા હોય છે. આમ છતાં રાજ્યમાં બાળકોના આરોગ્ય ક્ષેત્રના એક ચિંતાજનક સમાચારે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
કેન્દ્રના સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન વિભાગ દ્વારા એક સ્ટડીના જે તારણો જાહેર કરાયા છે, તે ચોંકાવનારા છે. 'ચિલ્ડ્રન ઈન ઈન્ડિયા'ના વર્ષ ર૦રપ ના રિપોર્ટમાં વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૩ સુધીના આરોગ્ય, શિક્ષણ, પોષણ વિગેરેના આંકડાઓની સમીક્ષા કરીને જે તારણો નીકળ્યા, તેમાં ગુજરાતના બાળકોમાં મધૂપ્રમેહ માટે વધુ પડતા સંવેદનશીલ હોવાનું જણાવાયું છે.
આ તારણો મુજબ એ સમયગાળામાં ૧૦ થી ૧૯ વર્ષના વયજુથના લગભગ ત્રણ ટકા જેટલા બાળકો ડાયાબિટીસથી પીડાતા હતાં, જે આંકડો દેશના ડાયાબિટીસથી પીડાતા બાળકોની તે સમયની ૦.૬ ટકાનો સરેરાશ કરતા લગભગ પાંચ ગણો વધુ હતો.
આ વયજુથમાં પ્રિ-ડાયાબિટિક બાળકોની કેટેગરીમાં ગુજરાતના ર૦.૯ ટકા બાળકો હતાં, અને લગભગ એટલા જ એટલે કે ર૦.૮ ટકા પાંચથી નવ વર્ષની વયજુથના બાળકો પણ બોર્ડર પર હોય તેવા પ્રિ-ડાયાબિટિક જણાયા હતાં. આ ચોંકાવનારા આકંડાઓ જાહેર થયા પછી રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓના અંદાજ અને બાળકોમાં આ બીમારી વધવાના કારણોની ચર્ચા થાય, તે જરૂરી પણ છે અને સ્વાભાવિક પણ છે.
માત્ર ડાયાબિટીસ જ નહીં, અન્ય કેટલાક પરીક્ષણો પણ ચોંકાવનારા હતાં. ગુજરાતના બાળકોમાં ૬.૪ ટકા હાઈરટેન્શન, ૪.૪ બાળકોને હાઈ કોલેસ્ટ્રોલ, ૧૭.૪ ટકા બાળકોને હાઈ ટ્રાયગ્લિસરાઈડ્ઝ અને રપ.૪ ટકા બાળકોને હાઈ એચડીએસ જેવી જે સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ જણાઈ હતી, તે હૃદયરોગના દરવાજા ખખડાવનારી અને ચિંતાજનક જણાઈ હતી.
આ રિપોર્ટ વ્યાપક પરામર્શ, સંકલન, પરીક્ષણો તથા તેના તારણોના પરિણામોના આધારે હવે જ્યારે જાહેર થયો છે, ત્યારે રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્ય માટે શાળા બાળ આરોગ્ય તપાસણી અને સારવારના કાર્યક્રમો ઉપરાંત બાળ આરોગ્યના જતન માટે માતા-પિતા-વાલીઓ અને બાળકો માટે અલગ-અલગ જનજાગૃતિ કાર્યક્રમો તથા હેલ્થવર્કસ અને ખાસ કરીને ગ્રાસરૂટ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ-તબીબો-નર્સીંગ સ્ટાફ વિગેરે માટે વિશેષ તાલીમ આપતા વર્કશોપ પણ યોજવા પડે અથવા તેની ગતિ અને સંખ્યા તથા સંવેદનશીલતા વધારવાની જરૂર છે.
નવા વર્ષે જ્યારે વડીલો આશીર્વાદ આપે, કે પછી ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે પોતાના, પરિવાર અને સમાજના અને ઘણાં લોકો વિશ્વના કલ્યાણ અને સૌના સારા સ્વાસ્થ્ય, દીઘાર્યુષ્ય તથા સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત થતી હોય છે, ત્યારે આ વર્ષે નૂતન વર્ષે આપણે બધા સાથે મળીને બાળ-સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ તથા બાળમજૂરીની નાબુદી માટે સહિયારા પ્રયાસો કરીએ તે જરૂરી છે. બધી જ બાબતે માત્ર સરકાર અને તેના તંત્રો પર જ આધાર રાખવાના બદલે આપણે સ્વયં તથા સમાજો-સંસ્થાઓ પણ આ અંગે જાગૃત અને સહયોગી બને, તે અત્યંત જરૂરી છે, અને તેમા ખાસ કરીને ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને માતૃ-બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતા વિભાગો તથા સંસ્થાઓનું 'વાસ્તવિક' યોગદાન અને સંકલન થવું અત્યંત જરૂરી છે.
માત્ર બાળકો જ નહીં, તમામ વયુથના ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન જેવી 'કાયમી' બીમારીઓ વકરવા પાછળ અનિયમિત ભોજન, જંકફૂડનો અતિરેક, વ્યાયામ-શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આઉટડોર શારીરિક રમત-ગમતની સંસ્કૃતિમાં ઘટાડો, મોબાઈલ સેલફોનમાં ઓનલાઈન ગેઈમ કે અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પાછળ ગાંડપણ અને અંતર્મુખી બની રહેલું બાળપણ વિગેરે વધુને વધુ ખતરનાક બની રહેલા પરિબળો છે, અને જો અત્યારથી જ નહીં ચેતી જઈએ, તો આપણી આગામી પેઢી માયકાંગલી, બીમારીગ્રસ્ત અને લાચાર બની જશે, તેથી જાગ્યા ત્યારથી સવાર...
આમ તો માત્ર ગુજરાત જ નહી, દેશભરમાં બાળઆરોગ્ય, બાળપોષણ, બાળશિક્ષણ, બાળ સુરક્ષા અને બાળગુનાખોરીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. તેથી આ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ માત્ર પ્રચાર કરવાના બદલે સંવેદનશીલ ઢબે વધુ પ્રયાસો કરીને આ ગંભીર મુદ્દાઓ માટે પ્રયાસો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial