Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાતાળ અને પૃથ્વીથી અંતરીક્ષ સુધીનું ઈન્ટરનેટનું નેટવર્ક
ઈઝરાયલ-ઈરાન-અમેરિકાના યુદ્ધમાં ક્યાંક ઈરાન હોર્મુઝના દરિયાના તળિયેથી પસાર થતા વિશાળકાય કેેબલ્સને નુક્સાન ન પહોચાડે, તેવી દહેશત ઊભી થઈ છે, તેનું કારણ ઈન્ટરનેટ વ્યવસ્થાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. એવું કહેવાય છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટના દરિયામાં બિછાયેલા કેેબલ નેટવર્કના આધારે ઈન્ટરનેશનલ ઈન્ટરનેટ વ્યવસ્થા ચાલી રહી છે અને જો આ કેબલ નેટવર્ક બરબાદ થાય તો ભારત સહિત અનેક દેશોની ઈન્ટરનેટ વ્યવસ્થા કાં તો તદ્ન ખોરવાઈ જાય, અથવા તો આંશિક રીતે પડી ભાંગે તેવી શક્યતા છે. જો એવું જ હોય તો ભારત સહિતના દેશોએ આ મુદ્દે બેકડોર સંદેશાઓની આપ-લે પણ કરી જ હશે.
પાતાળથી આકાશ સુધી
હકીકતે ઈન્ટરનેટ વ્યવસ્થામાં પાતાળ, પૃથ્વી અને આકાશ (અંતરીક્ષ) માં પરસ્પર ગુથાયેલું ટેકનોલોજિકલ સ્ટ્રક્ચર એવી રીતે ફેલાયેલું છે, જે દરિયાના તળિયે (પાતાળમાં) બિછાવાયેલા કેબલ્સથી માંડીને તથા ધરતી પર ઊભા કરેલા ટાવર્સ, સ્ટ્રક્ચર્સ, રિલે સ્ટેશનો, કેબલ્સ, ડિસ નેટવર્ક અને અન્ડર વોટર તથા ઓવર વોટર સિસ્ટમથી લઈને અંતરીક્ષમાં તરતા મૂકવામાં આવેલા સંખ્યાબંધ કૃત્રિમ ઉપગ્રહો સુધીનો વ્યાપ ધરાવે છે. આ વ્યવસ્થાઓ માટે ઘણી બધી આંતર રાષ્ટ્રીય, દ્વિપક્ષિય અને બહુપક્ષિય સમજુતિઓ તથા યુનો તથા અન્ય વૈશ્વિક સંગઠનોના માધ્યમથી કેટલાક વૈશ્વિક નિયમો પણ બન્યા છે, તેમ છતાં કોઈ શક્તિશાળી દેશ કે પછી તદન હારી રહેલા દેશ દ્વારા જો તેનો ભંગ થાય, તો દુનિયામાં તેની વિપરીત અસરો થવાનો ખતરો કાયમ મંડરાયેલો રહે છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવાયેલી અન્ડર સી ઈન્ટરનેટ કેબલ સિસ્ટમને થોડુંઘણું પણ નુક્સાન થાય તો ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય કે ઈન્ટરનેટ ખોરવાઈ જાય, લેટેન્સી વધી જાય, તેથી ડિજિટલ નેટવર્કને માઠી અસર પહોંચે. ભારતનો પશ્ચિમના દેશો તરફનો લગભગ ૧/૩ ઈન્ટરનેટ ટ્રાફિક આ ક્ષેત્રમાંથી પસાર થાય છે, તેથી ઈન્ટરનેટની કનેક્ટિવિટિ ધીમી પડી શકે છે. યુદ્ધ ચાલુ હોય ત્યારે કોઈપણ કારણે આ કેબલ નેટવર્કમાં નુક્સાન પહોંચે અને મરામત કરવી પડે તેમ હોય, પરંતુ ચાલુ યુદ્ધમાં મરામત થઈ શકે નહીં, તેવા કારણે પણ વૈશ્વિક ઈનટરનેટ વ્યવહારો ખોરવાઈ શકે છે. આ કારણે લાંબો સમય ઈન્ટરનેટ જ ખોરવાઈ જાય, તો ઈન્ટરનેટ આધારીત તમામ સેવાઓ ખોરવાઈ જાય કે ઠપ્પ થઈ જાય, તો કેવી જટિલ સ્થિતિ ઊભી થાય, તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કેબલ્સ
વિવિધ સંદર્ભોમાંથી ઉપલ્બધ થતી માહિતીના આધારે યૂ-ટ્યુબર્સ, મીડિયા ડિબેટર્સ અને અદ્યતન ટેકનોલોજીના જાણકાર વૈશ્વિક ઓથર્સ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કેબલ નેટવર્કસનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેમાં ગલ્ફ બ્રિજ, ઈન્ટરનેશનલ કેબલ સિસ્ટમ, ટાટા ટીજીએન ગલ્ફ, ફેલ્કોન, એએઈ-વન જેવી મુખ્ય સિસ્ટમો છે, જેની સાથે વિશ્વના અનેક દેશોની સંચાર અને ઈન્ટરનેટ વ્યવસ્થાઓ જોડાયેલી છે. આ વ્ય્વસ્થાઓ થોડીક ધીમી પડી જાય, તો પણ દુનિયાભરમાંથી ઈન્ટરનેટ આધારીત તમામ વ્યવસ્થાઓ જ ખોરવાઈ જાય તેમ છે. આ કારણે દુનિયાભરના દેશો આ યુદ્ધની અસર ઈન્ટરનેટ નેટવર્ક પર ન પડે, તે માટે બેકડોર ચેનલ્સ દ્વારા પ્રયાસો કરી રહ્યા હોવાનું કહેવાય છે.
ઈન્ટરનેટ તદ્ન બંધ નહીં થાય, પણ..
જો હોર્મુઝ સ્ટ્રેટના તળિયે બિછાવેલી સિસ્ટમો ખોરવાઈ જાય તો ઈન્ટરનેટ તદ્ન બંધ નહીં થાય, અને અન્ય કેબલ નેટવર્કસ, ભૂમિગત નેટવર્કસ તથા સેટેલાઈટ આધારિત નેટવર્કસ તો ચાલુ જ રહે, પરંતુ તેમ છતાં ઈન્ટરનેટનું જાળું વૈશ્વિક કક્ષાએ પરસ્પર જોડાયેલું હોવાથી તથા સંચાર વ્યવસ્થાઓ તથા જીવનજરૂરી કેટલીક ઈન્ટરનેટ આધારિત સેવાઓ પણ પરપસ્પર સાંકળાયેલી હોવાથી ઈન્ટરનેટ થોડું ધીમું પડી જાય તો પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો અલ્પ કે અધિક પ્રમાણમાં દુનિયાને થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી આ મુદ્દે યુદ્ધગ્રસ્ત દેશો સહિત આખી દુનિયાના દેશો ચિંતાગ્રસ્ત છે, જેમાં પોતાની તમામ વ્યવસ્થાઓ અલાયદી વિકસિત કરનાર ચીન જેવા દેશો પણ સામેલ છે.
દરિયાઈ વિસ્ફોટકોની અસર
ઈન્ટરનેશનલ મીડિયા, અખબારો તથા સોશિયલ મીડિયામાં થતી ચર્ચા મુજબ ઈરાને દરિયામાં માઈન્સ બિછાવીને હોર્મુઝ સ્ટ્રેટ્સ વિસ્ફોટો કર્યા પછી દરિયાના તળિયે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સની સુરક્ષાના મુદ્દે ચિંતા વધી હતી. કેપેસિટી કેબલ્સને ટાંકીને જણાવાઈ રહ્યું છે કે માત્ર લાલ સાગરમાંથી ૧૭ જેટલી સબમરીન કેબલ્સ પસાર થાય છે, જેના દ્વારા એશિયા, આફ્રિકા અને યુરોપનું ઈન્ટરનેટ કનેક્ટ થાય છે. આ નેટવર્ક સાથે ગુગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોનના ખાડી દેશોમાં સ્થાપિત ડેટા સેન્ટરો પણ જોડાયેલા છે.
પદ્વિષયક નિષ્ણાતોના અંદાજો મુજબ જો એક પણ કેબલ તૂટે કે તેને નુક્સાન થાય, તો ઘણી બધી સેવાઓ ઠપ્પ થઈ શકે છે. હોર્મુઝના એક સાંકડા પોઈંટમાં તો દરિયાઈની ઊંડાઈ માત્ર ર૦૦ ફૂટ જ છે, અને ત્યાં જો ઈન્ટરનેટને નિશાન બનાવીને ક્ષતિ પહોંચાડવામાં આવે, તો તેની મરામત કરવી ઘણી જ અઘરી બની જાય તેમ છે. દરિયાઈ ઈન્ટરનેટ કેબલોની મરામત માટે પણ વિશેષ જહાજો મોકલાતા હોય છે, પરંતુ યુદ્ધની સ્થિતિ તથા ઈરાન દ્વારા માઈન્સ બિછાવાઈ હોવાની આશંકાઓના કારણે રિપેરીંગ શીપ પણ ત્યાં તત્કાલ પહોંચી શકે નહીં. ઈરાન કદાચ મંજુરી આપે તો પણ ચાલુ યુદ્ધે મરામત કરવા જવાનું જોખમ ખેડવું પડે અને તેમાં રિપેરર શીપને પણ નુક્સાન થાય તો? તેવી આશંકા પણ રહે છે. આ કારણે ઈન્ટરનેટ તદ્ન ઠપ્પ ન થાય, તો પણ વિશ્વની અસંખ્યા સેવા ઠપ્પ થવાનો ખતરો તો રહેવાનો જ છે, તેવા મંતવ્યો તદ્વિષયક તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. આ કારણે અનેક દેશમાં બેન્કીંગ, પરિવહન, સંદેશા વ્યવહાર, હવાઈ-દરિયાઈ સેવાઓ, સૈન્ય પ્રેક્ટીસ, ખેલ જગત, ફિલ્મ નગરી અને ઉદ્યોગ વ્યાપાર ક્ષેત્રોને માઠી અસર પહોંચી શકે છે.
હૌથિકના હુમલાનું દૃષ્ટાંત
વર્ષ ર૦ર૪ માં હોથી વિદ્રોહીઓએ લાલસાગરના તળિયે બિછાવાયેલી કેટલીક કેબલોને નુક્સાન પહોંચાડ્યું હતું. ઈઝરાયલ-હમાસના યુદ્ધ દરમિયાન હમાસની તરફેણમાં મેદાનમાં ઉતરેલી હોથી વિદ્રોહીઓએ આ હરકત કર્યા પછી તે સમયે એશિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં ઈન્ટરનેટ અત્યંત ધીમુ પડી ગયું હતું, અને તે પછી પણ તેની મારમત મહિનાઓ સુધી ચાલી હતી. આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટના જાણકાર ડૌગ મૈડોસીએ પણ તદ્વિષયક કેટલીક ચેતવણીઓ જાહેર કરી હતી. અત્યારે આ કેબલોને કોઈએ નુક્સાન પહોંચાડ્યું છે કે નહીં, કે તેવી કોઈ સ્ટ્રેટેજી છે કે નહીં, તે કોઈ જાણતું નથી, પરંતુ વર્ષ ર૦ર૪ ના હોથી વિદ્રોહીના સંગઠન હૌથિક દ્વારા ઈન્ટરનેટ પર કરાયેલા સેમ્પલ (નાના) હુમલાનું દૃષ્ટાંત જોતા આ મુદ્દે એશિયા, યુરોપ અને આફ્રિકાના દેશોએ સાવધ રહેવા જેવું ખરૃં...
ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ દ્વારા બારૂદી સુરંગો (લેન્ડમાઈન્સ) નો છૂટથી ઉપયોગ?
યુદ્ધો અને શાંતિના સમયે લેન્ડમાઈન્સનો ઉપયોગ અટકાવવા ઉજવાય છે વિશ્વ લેન્ડ માઈન્સ દિવસ
દર વર્ષે ચોથી એપ્રિલે આંતર રાષ્ટ્રીય બારૂદી સુરંગ જાગૃતિ અને બારૂદી સુરંગો (લેન્ડમાઈન્સ) વિરોધી કાર્યવાહીમાં સહાયતા દિવસ ઉજવાય છે, જેમાં આ વર્ષ ર૦ર૬ નું થીમ છે. 'ઈન્ટરનેટ ઈન પીસ-ઈન્વેસ્ટ ઈન માઈન-એક્સન' રાખવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૮ મી ડિસેમ્બર-ર૦૦પ ના દિવસે ઘોષણા કર્યા પછી પ્રથમ વિશ્વ લેનડ માઈન્સ અવેરનેસ ડે ચોથી એપ્રિલ ર૦૦૬ ના દિવસે મનાવાયો હતો.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લેન્ડમાઈન્સથી માનવજીવન અને પ્રાણીસૃષ્ટિ તથા પર્યાવરણને નુક્સાન સામે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે. યુદ્ધો થયા પછી કે શાંતિના સમયે આતંકવાદી-નક્સલી પ્રવૃત્તિઓ વિગેરે દ્વારા બિછાવાતી બારૂદી સુરંગો વર્ષો સુધી જોખમી બની રહેતી હોવાથી માઈન એક્સન લેવાય છે, તેથી માઈન એક્સન માટે ભંડોળ તથા કાર્યવાહી માટે વિશ્વના દેશોમાં જાગૃતિ ફેલાવવા માટે સામે વિશ્વાસથી કરવામાં આવે છે.
જો કે, અત્યારે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ, ઈરાન, લેબેનોન, યમન, અમેરિકા, યુ.એ.ઈ. તથા ખાડીના દેશોમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે પણ સરહદી સંઘર્ષના કારણે યુદ્ધ જેવો માહોલ છે, ત્યારે આ યુદ્ધો દરમિયાન બિછાવાયેલી લેન્ડ માઈન્સ ભૂમિ અને દરિયામાં વર્ષો સુધી જોખમી બની રહેશે, તેવી ધારણા છે.
અત્યારે આ યુદ્ધોમાં લેન્ડમાઈન્સનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવેલી દરિયાઈ સુરંગો ખતરનાક બની રહી છે, ત્યારે આજના દિવસે યુદ્ધગ્રસ્ત દેશો તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે અત્યારનો દિવસ આ મુદ્દા પર વિશેષ લક્ષ્ય આપવાનો સંદેશ પણ આપે છે.
લેન્ડમાઈન્સનો યુદ્ધમાં ઉપયોગ થાય, તે રણનૈતિક સુરક્ષા માટે કે દુશ્મનને આવતો અટકાવવાના ઉદ્દેશ્ય માટે કદાચ સ્વીકૃત ગણાતો હશે, પરતુ આમાં દુનિયાને તકલીફ પડે, મોટો નસંહાર થાય કે લાંબા સમય સુધી ખતરો ઝળુંબતો રહે, તેવી રીતે ભૂમિગત કે દરિયાઈ સુરંગો બિછાવવી યોગ્ય જણાય નહીં, તેવા અભિપ્રાયો પણ આજે પડઘાઈ રહ્યા છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial