Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મહેકમની મારામારી, મહેકમ વધ્યું કે ઘટયું ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: સમગ્ર રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૧ જુલાઈની સ્થિતિએ શાળામાં વિદ્યાર્થીઓની નોંધાયેલી સંખ્યાના પ્રમાણમા જે તે શાળામાં શિક્ષકોની સંખ્યા નિયત કરવામાં આવે છે. આ પ્રમાણે શહેરની સરકારી પ્રાથમિક શાળાઓની વડી કચેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તા. ૨૨-૮-૨૦૨૫ના શાળા દીઠ શિક્ષકો મહેકમની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી મુજબ ગુજરાતી માધ્યમમાં નિમ્ન પ્રાથમિક એટલે કે બાળવાટિકાથી ધોરણ ૫ માં ૩૬૯, ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ ૬ થી ૮ માં ૧૬૫ અને આ વર્ષે જ નવી શરૂ કરેલ બે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નિમ્ન પ્રાથમિકમાં ૭ એમ કુલ મળીને કુલ ૪૪૧ શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે.

આ સામે વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં નિમ્ન પ્રાથમિકમાં ૨૫૭ અને ઉચ્ચ પ્રાથમિકમાં ૧૭૧ એમ કુલ મળીને ૪૨૮ શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. આ આંકડાઓને જોઈને પ્રાથમિક દૃષ્ટિએ સમિતિની શાળાઓમાં શિક્ષકોની સંખ્યા વધી હોય અને એટલે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હોય તેવો ભાસ થાય પરંતુ છેલ્લા બંને વર્ષના મહેકમનો ઊંડાણથી અભ્યાસ કરતાં પ્રાથમિક દૃષ્ટિએ જણાતી હકીકત કરતાં વિપરીત સ્થિતિ હોવાની શક્યતા રહેલી છે.

 વર્ષ ૨૦૨૪ -૨૫ની સરખામણીમાં નિમ્ન પ્રાથમિક સંવર્ગમાં ચાર શાળામાં એક-એક શિક્ષકનું સેટઅપ આ વર્ષે વધ્યું છે જ્યારે  છ શાળાઓમાં સાત શિક્ષકોનું સેટઅપ ઘટ્યું છે. આમ એકંદરે નિમ્ન પ્રાથમિક સંવર્ગમાં કુલ ત્રણ શિક્ષકોનું સેટઅપ ઘટ્યું હોવાનું જણાય છે.

તેની સામે ઉચ્ચ પ્રાથમિક સંવર્ગમાં એકપણ શાળામાં ગત વર્ષની સરખામણીમાં સેટઅપ વધ્યું નથી પરંતુ કુલ દસ શાળાઓમાં બાર શિક્ષકોનું મહેકમ ઘટ્યું છે.

આ રીતે કુલ મળીને ૧૪ શાળાઓમાં બંને સંવર્ગમાં ૧૭ શિક્ષકોનું મહેકમ ઘટ્યું અને ચાર શાળામાં ચાર શિક્ષકોનું મહેકમ વધ્યું એમ એકંદરે સમિતિમાં ૧૫ શિક્ષકોનું મહેકમ ઘટ્યું ગણાય. ૧૫ શિક્ષકોનું મહેકમ ઘટ્યું એટલે તે શાળાઓમાં ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોય. આમ સમિતિમાં ગત વર્ષની સરખામણી ગત વર્ષે હયાત શાળાઓમાં એકંદરે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાનું ફલિત થાય છે ત્યારે સરકાર દ્વારા પ્રવેશોત્સવ, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ, એસ એસ એ તરફથી ફાળવવામાં આવતી વસ્તુઓ અને ગ્રાન્ટ છતાં પરિણામ નહીં  મળ્યાની ચોંકાવનારી હકીકત ઉજાગર થઈ છે. આમ જૂની શાળાઓમાં એકંદરે શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વધુમાં સમિતિની ગુજરાતી માધ્યમની કુલ ૪૫  શાળાઓમાંથી દસ શાળાઓ  એવી  છે જેમાં નિમ્ન પ્રાથમિકમાં પાંચ કરતાં ઓછા શિક્ષક મળે છે. આ સ્થિતિમાં ધોરણ ૧ થી ૫ માં ધોરણદીઠ એક શિક્ષક મળી શકે નહીં જેના કારણે કાયમી ધોરણે ઓછામાં ઓછા બે ધોરણને એકીસાથે એક શિક્ષકને ભણાવવાની ફરજ પડે જેની સીધી અસર શિક્ષણ પર પડવાથી આવી શાળાઓમાં ક્રમશઃ સંખ્યા ઝડપથી ઘટે. જેની અસર આવનાર સમયમાં જોવા મળશે. નિમ્ન પ્રાથમિક સંવર્ગમાં પાંચથી ઓછા શિક્ષકનું મહેકમ હોય ત્યારે ઓછામાં ઓછા બે ધોરણ એકીસાથે એક વર્ગમાં એક જ શિક્ષકે ભણાવવા પડે પણ તેમાં પણ જો તે શાળામાં કુલ સંખ્યા ૧૫૦ થી ઓછી હોય તો આવી શાળાને એચ ટાટ આચાર્ય મળવાપાત્ર થતાં નથી આવી સ્થિતિમાં શિક્ષક સંવર્ગના જ કોઈ એક શિક્ષકે આચાર્યની જવાબદારી સંભાળવાની રહે આ સ્થિતિમાં પછી તે શાળામાં કોઈપણ સુધારો કરવો અત્યંત મુશ્કેલ બની જાય. આ સંભાવનાને ધ્યાનમાં લઈને પણ ધોરણદીઠ એક શિક્ષક મળે તે દિશામાં સમિતિએ આયોજન બધ્ધ કાર્ય કરવું જોઈતું હતું.

 જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અથવા સરખામણીમાં વધુ ઘટી રહી છે તેવી કેટલીક શાળાઓ વર્ષોથી ગુણોત્સવ સહિત શાળાને સબંધિત તમામ બાબતોમાં લાલ નિશાન બતાવતી રહી હોવા છતાં આવી શાળાઓમાં પરિણામલક્ષી સુધારાઓ માટે કોઈ નક્કર આયોજન કે કાર્યવાહી થઈ નથી જેના પરિણામ સ્વરૂપ અમુક શાળાઓનું સ્તર ચિંતાજનક સ્તરે નબળું છે પરંતુ તે ચિંતા સમિતિને સ્પર્શતી નથી તેવું લાગે છે.  શાળા નંબર ૩૧ અને શાળા નંબર ૫૭ એક જ બિલ્ડિંગમાં બેસે છે. શાળા નંબર ૩૧ માં ૧૪ શિક્ષકોનું મહેકમ છે. આ બિલ્ડીંગ અને વિસ્તારને તંત્રએ અંગ્રેજી માધ્યમની આદર્શ શાળા માટે પસંદ કરી છે ત્યારે સમિતિની એકમાત્ર શાળાને ઉચ્ચ પ્રાથમિક નહીં આપવાનું કોઈ દેખીતું કારણ નથી. અહી બિલ્ડીંગ છે, સંખ્યા છે છતાં કોના ફાયદા માટે કોણ ગરીબ વિદ્યાર્થીઓને સુવિધાથી  વંચિત રાખે છે તે લોકોની સમજ બહાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh