Advertisement
Author: નોબત સમાચાર

એ...સાદ સાંભળજો... થોરાયા છે તળાવો... ગૂમ થયા છે ચેકડેમ... માહિતી આપનારને એક લાખનું ઈનામ !

                                                                                                                                                                                                      

જૂના જમાનામાં ગામડાઓમાં લોકોને રાજાઓનો સંદેશ પહોંચાડવા માટે ઢોલ વગાડીને ચોરે-ચૌટે ફરીને ઘોષણાઓ કરાતી કે આદેશો અપાતા, જેને સૌરાષ્ટ્રની ભાતીગળ ભાષામાં સાદ પાડવો, તેવું કહે છે. આ સાદ સાંભળવા લોકો ઘરની બહાર નીકળીને ઠેર-ઠેર એકઠા થઈ જતા અને તે પછી તેની વ્યાપક ચર્ચાઓ સાથે અમલ પણ કરવામાં આવતો. આજે પણ ઘણાં ગામોમાં આ પ્રકારની પ્રથા અમલમાં છે, અને ગ્રામ પંચાયતો, સંસ્થાઓ કે ખાનગી કાર્યક્રમો-પ્રસંગોના આયોજકો તરફથી આ પ્રકારે "સાદ" પાડવામાં આવે છે, અને તેના દ્વારા સૂચના, ચેતવણી, આમંત્રણ કે જરૂરી સલાહ સાથે ઘણી વખત સ્થાનિક નિર્દેશો પણ અપાતા હોય છે.

એ... સાદ સાંભળજો જેવા શબ્દો વાપરીને મોટા સાદે આ પ્રકારની સૂચના એક ચોકમાં આપીને ઢોલી બીજા ચોકમાં ઢોલ વગાડતો વગાડતો જાય અને ત્યાં આ "સાદ" દોહરાવે, તે પછી ત્રીજા ચોકમાં જાય અને આખા ગામમાં તબક્કાવાર "સાદ" પાડે...

મધ્યપ્રદેશના ગામડાઓમાં આજે પણ આ પ્રથા ઘણાં સ્થળે મોજુદ છે અને કેટલાક ગામોમાં તાજેતરમાં પાડેલો "સાદ" ટોક ઓફ ધ નેશન બન્યો છે. કેટલાક અખબારોમાં આ વ્યંગાત્મક અહેવાલો પ્રસિદ્ધ તથ થયા છે, અને મીડિયા તથા સોશ્યલ મીડિયામાં આ અહેવાલોને સાંકળીને ત્યાંની ભાજપ સરકાર અને કથિત રીતે ભાજપના સ્થાનિક નેતાગીરી પર ચોરીના આરોપો લગાવીને કટાક્ષમય આક્રોશ પણ વ્યક્ત થઈ રહ્યા છે. આ ઘટનાક્રમ રમુજ કે મજાક નહીં, પરંતુ ભ્રષ્ટાચારના ભયાનક ભરડાની ગવાહી પૂરે છે.

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના બે ગામોમાં આવી રીતે સાદ પડયો કે, "સાંભળો...સાંભળો...સાંભળો...આપણી પંચાયત અને પડોશની પંચાયત (ગામ) ના અમૃત સરોવર બંધ (ચેકડેમ) સહિત ખેત તલાવડી અને અન્ય નાના મોટા તળાવો સતત ચોરાઈ રહ્યા છે, હવે આપણે તળાવોની તપાસ કરવી પડશે.."

અન્ય એક ગામમાં સાદ પડયો કે "આપણાં ગામમાં રૂ. ૨૫ લાખ જેટલા ખર્ચે એક તળાવ ચોરાયું છે, જેનો પત્તો કે માહિતી આપનારને એક લાખનું ઈનામ અપાશે..."

હકીકતે રીવા જિલ્લાના ચાકઘાટમાં એક આરટીઆઈ કાર્યકરે માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતી મુજબ ગામમાં કઠૌલી વિસ્તારમાં રૂ. ૨૪.૯૪ લાખના ખર્ચે અમૃત સરોવર યોજના અંતર્ગત એક તળાવ સરકારી રેકર્ડ મુજબ જે સર્વે નંબર પર બનાવાયુ હોવાનું જણાવ્યું હતું, ત્યાં કોઈ તળાવ હતું જ નહીં !

એવો પર્દાફાશ થયો કે હકીકતે અન્ય નજીકની ખાનગી જમીન પર સરપંચે નાનું એવું નાળુ અવરોધીને પાળો બાંધી દીધો હતો અને તેને તળાવ ગણાવીને રૂ. ૨૪.૯૪ લાખની માતબર રકમ સરકારી ખજાનામાંથી ઉપાડી લીધી હતી.

વાત  આટલેથી અટકી નહીં, આ પ્રકારનો પર્દાફાશ થયા પછી એ સરપંચે પોતાની ખાનગી જમીનનો નાનો સરખો હિસ્સો સરકારને દાનમાં આપીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો, પરંતુ "અબ પછતાને સે ક્યા ફાયદા...જબ ચીડિયા ચુભ ગઈ ખેત..."

આ મામલો એટલો ઉછળ્યો કે પોલીસ ફરિયાદ થઈ અને કલેકટરે તપાસના આદેશ આપ્યા. પોલીસના ચોપડે તળાવ ચોરાયું હોય, તેવી પ્રથમ ફરિયાદ હોવાથી કઈ કલમ લગાડવી તેની મુંઝવણ થઈ હશે, પરંતુ ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મેળવીને ગેરરીતિની ફરિયાદ નોંધાઈ. આ મામલો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને છેક દિલ્હી સુધી પડઘાયો. એવું કહેવાય છે કે તળાવચોરનો આક્ષેપ લાગ્યો છે તે સરપંચ ભાજપના રાયપુર મંડલના ઉપપ્રમુખ પણ છે !

આ મુદ્દે રાજ્યવ્યાપી ચર્ચાઓ થઈ અને અન્ય કેટલાક ગામડાઓમાં માત્ર કાગળ પર બનેલા તવાળો, ચેકડેમો અને ગ્રામ્યમાર્ગો પણ "ગાયબ" થઈ ગયા હોવાની આશંકાઓ ઉઠવા લાગી છે.

પૂર્વા મનીરામ પંચાયતમાં થયેલા આ કારનામા પછી અમિલિધા પંચાયતના ક્ષેત્રમાં પણ બે નાની ખેત-તલાવડી ગાયબ થઈ હોવાની ફરિયાદ સ્થાનિકોએ વ્યંગાત્મક શબ્દપ્રયોગ કરીને નોંધાવ્યા પછી હવે મધ્યપ્રદેશમાં ગામે ગામ આ પ્રકારની ચોરી પકડવા આરટીઆઈ હેઠળ માહિતી માંગવાની ઝુંબેશ (કદાચ વિપક્ષ) ચલાવશે, તેવી વાતો પણ વહેતી થઈ છે.

જો કે, સંબંધિત ગામોના સરપંચ અને અન્ય અગ્રણીઓએ એવો બચાવ પણ કર્યો છે કે હકીકતે તળાવ બનાવાયુ હતું, પરંતુ વર્ષ ૨૦૨૩માં બનાવાયેલું આ તળાવ સુકાઈ ગયુ હતું, એક પાળો (ચેકડેમ) ભારે વરસાદમાં આવેલ પૂર ના કારણે તૂટી ગયો હતો, વગેરે....

જે હોય તે ખરૃં, આ અંગે ઉંડી તપાસ થયા પછી વાસ્તવિકતા બહાર આવશે. પરંતુ આ પ્રકારની વિચિત્ર ચોરીની ફરિયાદો આપણા દેશમાં વ્યાપક ભ્રષ્ટાચારના ભયાનક ભરડાને ઉજાગર કરે છે અને "ત્રિપલ એન્જિન" ધરાવતા શાસનની ટોપ ટુ બોટમ પોલ પણ ખોલે છે.

આ અહેવાલો તથા તેની ચર્ચાઓ જોરશોરથી થયા પછી હાલાર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોઈ તળાવ, ચેકડેમ, માર્ગો, બ્રિજ કે આખેઆખી સરકારી ઈમારતો તો "ચોરાઈ" ગઈ નથી ને ? તેની ચળવળ પણ વિપક્ષો સહિત જાગૃત નાગરિકો તથા આરટીઆઈ એક્ટિવિટીઓ દ્વારા શરૂ થઈ શકે છે, અને તેવું નહીં થાય તો એ પણ પૂરવાર થઈ જશે "લંગડા ઘોડા" કોણ છે ?

વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાટી બનવાની લ્હાયમાં ભાજપમાં ભ્રષ્ટાચારીઓની વ્યાપક ભરતીતો પ્રાથમિક અને સક્રિય સભ્ય પદે થઈ ગઈ નથી ને ? તેનું સંશોધન કરવાના આદેશો કદાચ "ઉપરથી છૂટે" તો નવાઈ જેવું નહીં હોય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh