Advertisement
Author: નોબત સમાચાર

તા. ૨૯-૧૦-૨૦૨૫ના સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતી

                                                                                                                                                                                                      

ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના પૂજારી એવા અનેક મહાપુરૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.

માં રાજબાઈની કૂખે

એક રત્ન શો જલા થયો,

ધરી દેહ માનવનો પછી

સત્કર્મથી 'અલ્લા' થયો

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે. પૂ. મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે : મારું જીવન એ જ મારો સંદેશ છે. પૂ. શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.

એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈમાં સાથે લગ્ન કર્યા.

ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવાર  ના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.

ઉમટે હજારો લોક સૌ,

વીરપુર પાવન ધામમાં

શ્રદ્ધા ફળે સહુની સદાયે,

સંત જલારામમાં

જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રદ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.

તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

આર્યનારી વીરબાઈનું સમર્પણ અનેરૃં, અનોખું અને અદ્વિતીય હતું. સમર્પણની સાધના એ મહાન સિદ્ધિ છે. આ સિદ્ધિ દ્વારા વીરબાઈનું નામ આજે જગવિખ્યાત બન્યું છે.

હો ઠક્કર હુકુમત કો જલાબાપા... કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતાં. કયાંથી આવે છે ? ઈ તો ખબર નથી.. પણ સો થી દોઢસો ઘોડા હશે.. ફિંફોટા ઉડાડતાં આવી રહ્યા છે. ભંડારીજી જલા ભગતે બૂમ મારી અંદરથી વીરબાઈમાએ હુંકારો ભણ્યોને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે... ઈ બાપડા જણ ભૂખ્યા હશે. ! કૂણ જાણે કયારેય નિસર્યા હશે... જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય, તો હું પાદરે જઈને એમને આપી આવું. ઘણુંય પડયું છે. પ્રભુ ! જાઓ, જલદી જાઓ. કેટાણા ના ઈ ભૂખ્યા હશે. રામ જાણે ! કહીને ભંડારીએ લાડવાને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાં સેવકને ઉપડાવ્યાને લઈને એ તો પાદરમાં આવીને ઊભા.. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આભ આખું ઢંકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો... ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, એ... ય, રામ..રામ... અસવારે ઘોડાનું ચોકડું ખેચ્યું. ઘોડો એકદમ થંભી ગયો. ઘોડાના ડિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ...રામ... અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું.. નીચે ઉતરો મારા રામ...! આ પરસાદ લેતા જાઓ... જલા ભગતે બે હાથ જોડીને કહ્યું કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી.. દોઢસો માણસ છીએ. બધાંને મારો ઠાકર મા રાજ આપી દેશે... આ ઘોડાને જરાક આરામ દયો અને તમેય નીચે ઉતરો તમે કુણ..બાપા...?

સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને જગત જલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવા અને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તે દિ જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ.

દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાય ને લાડવા ને ગાંઠીયા આપે છે. પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતાં. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જયારે વીરપુરમાં આવી, ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો... એક આંખ જરાક જીણી. સફેદ બાસ્તા જેવું કેડિયું. મોઢા માથે દેવતાઈ તેજના ફુવારા ઊડે. નિર્દોષ ચહેરો... બાપુ... ! ઠાકર મા રાજનો પરસાદ લેતા જાઓ... ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો..? બાપુ...! જે આખી દુનિયાનું પાલન કરે છે, ઈ ઠાકર રાજનને આટલી સવારીને હરિહર કરાવવામાં કયાં વાંધો આવવાનો છે...? એની ધજાને વિસામે હંધુય થઈ રે શે... બાપુ...! ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતાં. બે હાથ થોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું. ભગત.. માગો...માણો... ! તમે માગો તે આપુ. જલા ભગત હસ્યા. બાપુ... શું માગું..? ઠાકર મા રાજની મેર છે. હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે. બાપ... ! ધ્રાંગધ્રાના મહારાજાઆ વેણનો મરમ મારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય...? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું ભગત...! અમે ક્ષત્રિય લોક, અમે પરસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત, અમારે માથે ચડ્યું છે. ને અત્યારે તો અમારી સવારી તીરથયાત્રા કરવા નીકળી છે. બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે... ને ...? જલા ભગતે કહ્યું.. બાપુ ...! જો તમારા જીવને તાણ રેતી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો.. .જમીન નહીં જાગીર નહીં.. સોનું, રૂપું કે રૂપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે.. ! મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા... પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ. એ જ નિર્મળ સાદગીને શાંતિ. ભગત..! માંગી માંગીને પથરા માગ્યા ? તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાય ગયું બાપુ. ઠાકર માહરાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થતો નથી. દળણાં દળાવવા પડે છે. પણ નાની ઘુંટુલિયુમાં કેટલો લોટ દળાય...? જો સારા પથરાની મોટી ઘંટુડિયું હોય, તો વધુ લોટ ઉતરે.. મેં સાભળ્યું છે કે, ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બઉ સારા છે.. તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું.. પણ જમીન જાગીર માગો.. અરે, તમારા આ આશરા ધરમ માટે જોઈએ તો આઠ-દસ ગામ આપું. જલા ભગતે બે હાથ જોડ્યા.. બાપુ..! અમારા જેવા સાધુ-સંતોને ગામને ગરાસ કેવા..? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની ... - અમારાથી ધરણીના ધણી ન થવાય... બાપુ... ! અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટૂકડો સૌને દઈએ... પણ ભગત... મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધરમની ધજા બાંધો.. બાપુ હું કુણ ધજા બાંધવાવાળો.. આ તો ઠાકર મારાજની ધજા છે...ઈ ની મરજી હશે ઈ યા લગી ફરકતી રેશે બાપુ..! ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટિયું બનાવી બળદથી ચાલે એવી વિશાળ ઘંટિયંુમાં રોજ આઠ દસ મણ દળણું દળાવા લાગ્યું એ સમયે રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું આજે આ ધામ વિશાળ વટ વૃક્ષ બની આજે હજારો દર્શાર્થીઓને તૃપ્ત કરે છે.

જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતાં. શ્રી રામ અને હનુમાનજીમાં શ્રદ્ધા રાખનાર જલાનું અન્ન કદી ખૂટયું જ નથી તેઓ ચમત્કારી સંત હતાં. ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય. ભગવાન પાસે આ રસોઈ ધરાવાય, પછી ઘી નો દીવો કરે, ભોજન ઉપર એક તુલસીપત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ તમારા તરફથી બનેલું ભોજન હું સહુ ભક્તોને પીરસું છું ખૂટે-વધે એ તમારે જોવાનું પછી બીજા ભક્તોને કહે, બાપલા, તમ તમારે હવે પીરસવા માંડો, ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે. જ્યારે પચ્ચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાં રસોઈ વધી પડતી. સંતશ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાનની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી, આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામોમાં તથા ગુજરાત-મહારાષ્ટ્ર દેશ-વિદેશમાં ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલુ છે. અને હજ્જારો સાધુ-સંતો અને ગરીબો-જલારામ ભક્તો આ પવિત્ર સેવાનો લાભ લઈ રહ્યાં છે. જલારામ બાપાએ રઘુવંશી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે.

સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ...

સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતીક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.

આજે આપણે સૌ તેમની ર૨૬મી જન્મ જયંતી ઉજવી રહ્યાં છીએ ત્યારે તેમને કોટિ કોટિ વંદન...

જલારામ જયંતી નિમિત્તે સર્વે જલારામ ભક્તોને જય જલારામ.

છેલ્લા... ૨૬ વર્ષથી જલારામ મંદિર વીર૫ુરમાં દાન-ભેટ-સોગાદ-ફંડ વગર અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે તે એક વિશ્વ રેકોર્ડ સમાન છે. કોટિ કોટિ વંદન...

નગરમાં જલારામ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો

જલારામ જયંતી મહોત્સવ અંતર્ગત તા. ૨૯-૧૦-૨૫ને બુધવારે સવારે ૭ કલાકે ગૌમાતાને ઘાસ વિતરણ કાર્યક્રમ પાંજરાપોળ, લીમડાલાઈન પાસે રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત થેલેસેમીયા પરીક્ષણ કેમ્પ સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ સવારે ૧૦:૩૦ કલાકે, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન (માસ્તાન) સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી યોજાશે. ત્યારબાદ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત) સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી જલારામ નગર, પ્રણામી સંપ્રદાયનું મેદાન, પ્રણામી સ્કૂલની બાજુમાં, નવાનગર બેંકની સામે, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર.

દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ...

મહાઆરતી તથા પ્રસાદ

તા. ૨૯-૧૦-૨૦૨૫ને બુધવારના હાપા જલારામ મંદિર તથા સાધના કોલોની જલારામ મંદિરે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ત્યારપછી જલારામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

રમેશ એલ. રૂપારેલ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh