Advertisement
Author: નોબત સમાચાર

જંગલેશ્વર મહાદેવ મંદિરના સ્થળાંતર પ્રકરણની પ્રજામાં રોષપૂર્ણ ચર્ચા

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં પાછલા તળાવના ભાગેથી નવો રસ્તો બનાવવાના 'વિકાસ' કામ માટે વર્ષો જુના જંગલેશ્વર મહાદેવ મંદિરને હટાવી તેનું સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મંદિરના ડિમોલીશન પૂર્વે મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ કરવામાં આવી હતી. નવું મંદિર બનશે તેવી ખાતરી મળતા ટ્રસ્ટીઓએ સંમતિ આપી હતી.

આ મંદિરના ડિમોલીશનનું મુહૂર્ત કોઈએ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસનું જ કાઢ્યું, અને શિવ આરાધનાના પાવન મહિનાના પ્રથમ દિવસે જ મહાદેવના મંદિર પર તંત્રનું બુલડોઝર ફરી વળતા શિવભક્તોમાં, ધર્મપ્રેમીઓમાં તથા આ મંદિરે નિત્ય પૂજા-પાઠ-દર્શન કરવા આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

આ સ્થિતિને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનરે પત્રકારો સમક્ષ એવી જાહેરાત કરી કે બાજુમાં જ મંદિર બની ગયું છે, ત્યાં શિવલિંગની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિ સાથે થઈ ગઈ છે અને રાબેતામુજબ મંદિરમાં પૂજા-પાઠ-દર્શન શરૂ થઈ ગયા છે. આ સમયે ખાસ ઉપસ્થિત રાખવામાં આવેલા મંદિરના કોઈ ટ્રસ્ટીએ પણ તેમાં સૂર પૂરાવ્યો હતો.

પણ... ખરેખર વાસ્તવિક્તા કંઈ અલગ હતી. જંગલેશ્વર મહાદેવ મંદિરનું ડિમોલીશન થયું ત્યારે બાજુમાં નવું મંદિર હજી પૂરેપૂરૃં બન્યું પણ નથી. એટલું જ નહીં, શાસ્ત્રોક્ત વિધિ તો ઠીક પણ શિવલિંગને પણ મંદિરની મધ્યમાં યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યું નથી. પૂજા-પાઠ-દર્શનની વાત તો બાજુમાં રહી.

આ ઉપરાંત જો મંદિરનું સ્થળાંતર જ કરવાનું નક્કી હતું, ટ્રસ્ટીઓની સંમતિ હતી, તો પછી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ શા માટે ડિમોલીશન કરવામાં આવ્યું, નવો રસ્તો બનાવાનું બાકીનું તમામ કામ પૂરૃં થાય ત્યાં સુધી અથવા શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા અથવા શ્રાવણ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી કેમ રાહ જોવામાં આવી નહીં.

આ અંગે ચર્ચાઈ રહેલી વિગતો મુજબ અડધા પ્રદર્શન મેદાનમાં શ્રાવણ મહિનાના જન્માષ્ટમી સહિતના ૧પ દિવસો સુધી લોકોમેળાનું આયોજન કરવાનો પડકાર હોવાથી તંત્રએ વૈકલ્પિક માર્ગોને તાબડતોબ બનાવવાની કવાયત શરૂ કરી છે, પણ આ વૈકલ્પિક માર્ગોથી લોકમેળામાં લોકોના પ્રવાહ કે વાહનો-એસ.ટી. બસોના ટ્રાફિકને શું અનુકૂળતા થશે તે તો આવનારો સમય જ જણાવશે.

લોકમેળાના આયોજનને ગમે તે ભોગે સફળતાપૂર્વક પાર પાડવાના પડકારને ઝીલીને અત્યારે તો સમગ્ર તંત્ર ઉંધા માથે છે. હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડના કારણે વાહનોની અવરજવરના રૂટ નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. તેમાં વળી કોઈ જાગૃત નાગરિકે મેળાના આયોજનને અદાલતમાં પડકારતા તેની સુનાવણી ૭ મી ઓગસ્ટે છે, જેમાં મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓને જવાબ આપવા જણાવાયું છે.

આમ લોકમેળાના આયોજનમાં સુપ્રસિદ્ધ, વર્ષો જુના શિવમંદિરનું ખરા ટાણે જ સ્થળાંતર થયું તે બાબત પણ રોષપૂર્વક ચર્ચાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh