Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રૂા. ૪.૫૭ કરોડના ખર્ચે નિર્મિત
જામનગર તા. ૩૦: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રૂા. ૪.૫૭ કરોડના ખર્ચે નિર્મિત જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ આરોગ્ય કેન્દ્રની સુવિધા મળતા જાંબુડા સહિત આસપાસના ૨૦ ગામોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠતમ આરોગ્ય સુવિધાઓ મળશે.
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના જાંબુડામાં રૂા. ૪.૫૭ કરોડના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરનો ભવ્ય્ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ આરોગ્ય સુવિધાઓ જાંબુડા સહિત આસપાસના ૨૦ ગામોના અંદાજે એક લાખ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓનો લાભ પૂરો પાડશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, જાંબુડા સાંસદ આદર્શ ગ્રામ હોવાથી આરોગ્ય કેન્દ્રની મંજુરી સરળતાથી શક્ય બની. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત' સૂત્રને યાદ કરીને સગર્ભાઓ, પ્રસૂતાઓ, વૃદ્ધો અને બાળકો સહિત તમામના આરોગ્યની કાળજી માટે સરકારના ઝીણવટભર્યા આયોજનની સરાહના કરી અને ઉમેર્યું કે, સરકારના આ પ્રયાસોના કારણે બાળ અને માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 'સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા'ની ભાવના સાકાર થઈ છે. મંત્રીએ કુપોષણ દૂર કરવાના સરકારી પ્રયાસો અને પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ મળતી વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પર પણ પ્રકાશ પાડયો. અને જણાવ્યું કે, આર્થિક સ્થિતિને કારણે એક પણ નાગરિક રોગનો ભોગ ન બને તેની સરકાર સંપૂર્ણ કાળજી લઈ રહી છે. ભવિષ્યમાં તાલુકા કક્ષાએ પણ કિમોથેરાપી અને ડાયાલિસિસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર આયોજન કરી રહી છે.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, જાંબુડાને સાંસદ આદર્શ ગામ તરીકે સ્વીકાર્યા પછી ગામનો સર્વાંગી વિકાસ તેમની પ્રાથમિકતા રહી છે. જાંબુડા ગામ જામનગરની ઓળખમાં વિશેષ ઉમેરો કરે છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામડાઓમાં પાયાની સુવિધાઓ સતત વધે અને દરેક ગ્રામજન સુખી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના સહયોગથી આ વિસ્તારના ગ્રામ્ય કક્ષાના અનેક કામો સરળતાથી મંજૂર થતા સમગ્ર જામનગર જિલ્લો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સિંચાઈ, આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓ આજે ગામેગામ ઉપલબ્ધ થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ભવિષ્યની પેઢીના સંઘર્ષો ઓછા થાય અને સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જામનગરને મળેલો દૂરંતો, હમસફર, વંદે ભારત, જામનગર-અમૃતસર નેશનલ હાઈવે સહિતના વિકાસ કાર્યો અને આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભો વિશે ઉપસ્થિત નાગરિકોને માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે રૂ.૪.૩૧ કરોડના ખર્ચે જાંબુડામાં નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૦ બેડની સુવિધા સાથે જનરલ ઓપીડી, એક્સ-રે રૂમ, સોનોગ્રાફી રૂમ, ડ્રેસિંગ રૂમ, લેબર રૂમ, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, મેલ વોર્ડ રૂમ, ફીમેલ વોર્ડ રૂમ, પોસ્ટ ઓપરેશન રૂમ, આઈસોલેશન રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન કણજારિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ, અગ્રણી ડો. વિનુભાઈ ભંડેરી, અભિષેકભાઈ પટવા, કુમારપાલસિંહ રાણા, સૂર્યકાંતભાઈ મઢવી તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત બહોળી સંખ્યામાં જાંબુડા તથા આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial