Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનાના ઠોરીયા, મગમાળા, રોકડ મળી રૂપિયા અડધા લાખની મત્તા લૂંટાઈઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા તાલુકાના માંઝા ગામની સીમમાં વસવાટ કરતા અને એકલવાયુ જીવન જીવતા એક વૃદ્ધા ગુરૂવારની રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન થયા હતા ત્યારે બેએક વાગ્યે તેમના મકાનમાં ઘૂસી ગયેલા ચાર અજાણ્યા શખ્સે તેઓને ઢીકાપાટુનો માર માર્યા પછી દબોચી લઈ કાનમાંથી સોનાના ઠોરીયા, ગળામાંથી ચાંદીની મગમાાળા, રૂ.૪ હજાર રોકડા મળી કુલ રૂ.૪૯ હજારની મત્તાની લૂંટ કરી છે. ધસી આવેલા પોલીસ કાફલાએ જુદી જુદી ટીમમાં વેચાઈ જઈ લૂંટારૂઓના સગડ દબાવ્યા છે. લૂંટમાં જાણભેદુનો હાથ હોવાની પોલીસે આશંકા સેવી છે.
ખંભાળિયા તાલુકાના માંઝા ગામમાં રહેતા મૂળ ભાડથર ગામના વતની આલુબેન જેઠાભાઈ ભોજાણી નામના પાંસઠ વર્ષના વૃદ્ધા ગુરૂવારની રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા.
તે દરમિયાન અંદાજે બેએક વાગ્યે ચાર જેટલા અજાણ્યા શખ્સ તેમના મકાનમાં ઘૂસી ગયા હતા. આ શખ્સોએ ઘસઘસાટ ઉંઘી રહેલા આલુબેનને દબોચી લીધા હતા, એક શખ્સે તેઓને મોઢે મુંગો દઈ દીધો હતો. જ્યારે અન્ય બે શખ્સે તેઓના હાથ-પગ દબાવી દીધા હતા અને ચોથા શખ્સે આલુબેનના કાનમાં પહેરેલા અડધા તોલા વજનના સોનાના ઠોરીયા ઝૂંટવવા ઉપરાંત ગળામાંથી ચાંદીની મગમાળા કાઢી લીધી હતી. તે ઉપરાંત ચાંદીનું કાંબીયુ અને રૂ.૪ હજાર રોકડા લૂંટી લેવાયા હતા.
આટલેથી ન અટકેલા આ શખ્સોએ આલુબેનને ઢીકાપાટુથી માર પણ માર્યાે હતો. હેબતાઈ ગયેલા મહિલાને મૂકી ચારેય લૂંટારા ગણતરીની મિનિટોમાં પોબારા ભણી ગયા હતા. ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરાતા ખંભાળિયાના પીઆઈ સરવૈયા તેમજ ડીવાયએસપી વિસ્મય માનસેતા, એલસીબી, એસઓજીનો સ્ટાફ ધસી આવ્યો હતો.
પોલીસે આલુબેનની ફરિયાદ નોંધ્યા પછી શરૂ કરેલા તપાસના ધમધમાટમાં પોલીસની જુદી જુદી ટૂકડીઓ બનાવી તપાસમાં લગાડવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આલુબેનના લગ્ન અગાઉ ભાડથર થયા હતા. તે પછી નિઃસંતાન રહેલા આ વૃદ્ધા માંઝા ગામમાં રહેતા હતા તેઓ ગામથી વસ્તીથી થોડે દુર મકાન ધરાવે છે. બનાવની રાત્રે ગામમાં સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ બનાવમાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની આશંકા પણ પોલીસે સેવી તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. તે ઉપરાંત પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે જેમાં ચારેક શખ્સની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial