Advertisement
Author: નોબત સમાચાર

સુદાનમાં ભૂસ્ખલન થતા એક આખું ગામ દટાયુઃ ૧૦૦૦થી વધુ લોકોના મૃત્યુ

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપમાં મૃતાંક વધીને ૧૧૦૦ને આંબી ગયોઃ ૩૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત

                                                                                                                                                                                                      

કાબુલ/ખાર્તુમ તા.૨: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ તબાહ થયું છે અને ૧,૦૦૦થી વધુના મૃત્યુ થયા છે. ફકત એક જ વ્યકિત બચી છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં થયેલા ભૂકંપથી થયેલા મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે.

સુદાનમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા એક હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આ બધા લોકો એક જ ગામના રહેવાસી હતા. સુદાન લિબરેશન આર્મીએ સોમવારે જણાવ્યું હતું કે પશ્ચિમ સુદાનના મરા પર્વતીય પ્રદેશમાં એક ગામ ભૂસ્ખલનથી સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આનાથી ગામમાં રહેતા લગભગ એક હજાર લોકો માર્યા ગયા. આ અકસ્માત પછી, આખા ગામમાં ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી છે.

અબ્દેલવાહિદ મોહમ્મદ નૂરના નેતૃત્વ હેઠળના જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૩૧ ઓગસ્ટે ભારે વરસાદ પછી ભૂસ્ખલન થયું હતું. આનાથી ગામ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું છે. સુદાનમાં આ કુદરતી આફત અફઘાનિસ્તાનમાં ભૂકંપ પહેલા આવી હતી.

દારફુર ક્ષેત્રમાં સ્થિત આ વિસ્તારને નિયંત્રિત કરતી ચળવળે પીડિતોના મૃતદેહ મેળવવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓને મદદ માટે અપીલ કરી છે. માર્યા ગયેલાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ઉત્તર દારફુર રાજ્યમાં સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ભાગીને રહેવાસીઓએ મરા પર્વતીય પ્રદેશમાં આશરો લીધો છે. અહીં ખોરાક અને દવાઓના અભાવે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહૃાા છે.

સુદાનમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે, અડધાથી વધુ વસ્તી ભૂખમરાના સંકટનો સામનો કરી રહી છે. આ કારણે, લાખો લોકો તેમના ઘરમાંથી બેઘર થઈ ગયા છે. ઉત્તર દારફુર રાજ્યની રાજધાની અલ-ફાશીર પર પણ સતત ગોળીબાર થઈ રહૃાો છે.

વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહૃાો છે. દુનિયાના બે અલગ-અલગ દેશમાં તબાહી મચી છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે સુદાનના દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે એક આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. આ આફતોએ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કર્યું, પરંતુ જે વિસ્તારો પહેલેથી જ સંકટગ્રસ્ત હતા ત્યાં માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી ૨૭ કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું અને તેની ઊંડાઈ માત્ર ૧૦ કિલોમીટર હતી, જે તેને અત્યંત વિનાશક બનાવે છે. છીછરો ભૂકંપ હોવાથી, ભૂકંપની અસર સપાટી પર વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી. ભૂકંપને કારણે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. લોકોના ઘરો, શાળાઓ, મસ્જિદો અને અન્ય માળખાં કાટમાળમાં ફેરવાઈ ગયા છે.

સેંકડો લોકો બેઘર થઈ ગયા છે અને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  સ્થાનિક હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે અને તબીબી સંસાધનોની ભારે અછત છે. આ ગંભીર સંકટની ઘડીમાં, ભારતે માનવતાવાદી સહાય હેઠળ અફઘાનિસ્તાનને મદદની જાહેરાત કરી છે.

ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન સાથે ફોન પર વાત કરી અને શોક વ્યક્ત કર્યો અને શકય તેટલી મદદની ખાતરી આપી. ફગન મીડિયા એન્ડ રિસર્ચ સેન્ટરના વડા અબ્દુલ જબ્બાર બહિરે અલ અરબિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ ભૂકંપમાં ઓછામાં ઓછા ૧,૧૦૦ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૩,૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

મીડિયા અહેવાલો મુજબ, સૌથી વધુ મૃત્યુ કુનાર પ્રાંતમાં થયા છે. રવિવાર ઉપરાંત, સોમવારે પણ ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે જમીનથી ૬૫ કિમી નીચે હતો. અલ જઝીરા અનુસાર, તેના આંચકા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં પણ અનુભવાયા હતા. એટલું જ નહીં, આ આંચકા ભારતના ગુરુગ્રામમાં પણ અનુભવાયા હતા.

એ પહેલા પીએમ મોદીએ પણ ભૂકંપની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના એકસ હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે, અને અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ. ભારત અસરગ્રસ્ત લોકોને શકય તેટલી માનવતાવાદી સહાય અને રાહત આપવા તૈયાર છે.'

ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કર્યું કે તેમણે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તકી સાથે ફોન પર વાત કરી. તેમણે ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. એસ જયશંકરે કહૃાું કે ભારતે મદદ માટે તંબુ મોકલ્યા છે. ઉપરાંત, કાબુલથી કુનારમાં ૧૫ ટન ખાદ્ય પદાર્થો મોકલવામાં આવ્યા છે. આજે ભારત વધુ રાહત સામગ્રી મોકલશે.

અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપથી ગભરાટ ફેલાયો છે. દારાહ-એ-નૂર જિલ્લાના સતીન ગામમાં ભૂકંપથી વધુ વિનાશ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh