Advertisement
Author: નોબત સમાચાર

જસ્ટ વેઈટ એન્ડ વોચ... ફાઈનલ હજુ બાકી છે !...

                                                                                                                                                                                                      

એશિયા કપમાં પાકિસ્તાને બાંગલાદેશને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે, ભારત-શ્રીલંકા વચ્ચેની આજની ટી-૨૦ મેચ ઔપચારિકતા જેવી હશે, કારણ કે ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે, તેથી ફાઈનલ મુકબલામાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક રસાકસી જોવા મળશે. તેમ જણાય છે. બીજી તરફ બીસીસીઆઈએ પાકિસ્તાનના ખેલાડીઓ સામે આઈસીસીમાં ફરિયાદ નોંધાવી હતી અને પીસીબીએ સૂર્યકુમાર યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી, તેની સુનાવણી પછી આઈસીસીના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી હોવાથી બહાર પણ એક અલગ જ જંગ રમાઈ રહ્યો હોય, તેવું લાગે છે. એશિયા કપની આ ટૂર્નામેન્ટ પર ભારત-પાકિસ્તાન વચ્ચે કથળેલા સંબંધોની છાપ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓની મેદાન પરની હરકતો તથા લાઈવ મેચ દરમ્યાન વિવાદાસ્પદ શબ્દપ્રયોગો તથા હાવભાવ જોતાં પાકિસ્તાનની પ્રકૃતિ જ હવે ગુનાખોર અને આતંકવાદી માનસિકતાવાળી થઈ ગઈ હોવાનું પૂરવાર થાય છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદ પર પ્રહાર કરતી વખતે આ કારણે જ કદાચ એવું સ્પષ્ટપણે જાહેર કરી દીધું હતું કે હવે ભારત આતંકવાદીઓ અને તેને પોષણ આપતી પાક.ની સિસ્ટમ વચ્ચે કોઈ ભેદભાવ નહીં રાખે. પાકિસ્તાનની સિસ્ટમમાં ત્યાંની સરકાર, આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો અને ખાસ કરીને ત્યાંની સેના સામેલ છે, જે ભારત વિરોધી કાવતરાં કરતી રહે છે.

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હૂમલો કરનાર ઓસામા બિન લાદેનને વર્ષો સુધી સુરક્ષિત રીતે છુપાવી રાખનાર પાકિસ્તાનના વડાપ્રધાનને હવે અત્યારના અમેરિકાના રાષ્ટ્રપતિ "મહાન નેતા" બતાવે છે અને ફરીથી શાહબાજ શરીફ સાથે પાકિસ્તાનના સેનાધ્યક્ષ મુનિરની પણ મૂક્તકંઠે પ્રશંસા કરે છે, તે જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા કરતાયે ભારત પર વધુ ખફા હોય, તેવી આશંકાઓ જાગે તેવા નિર્ણયો ફટાફટ લઈ રહ્યા છે અને ભારતના દુશ્મનોને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે, તે જોતાં અમેરિકાના હિતો પર ટ્રમ્પની પર્સનલ ભાવનાઓ કે ધંધાકીય લાલચ ભારે પડી રહી હોય તેમ જણાય છે. એવું કહેવાય છે કે બિટકોઈન્સના વૈશ્વિક "ધંધા" અથવા ગોરખધંધામાં ટ્રમ્પના પરિવાર સાથે મુનિરની પાર્ટનરશીપ હોવાથી ટ્રમ્પ પાકિસ્તાનની ગોદમાં બેસી ગયા છે !!

આ તરફ ભારત સરકારની પાકિસ્તાનને લઈને વિદેશીનીતિ તથા અમેરિકા સાથે પણ વણસેલા સંબંધો પાછળ મોદી-ટ્રમ્પની અંગત દોસ્તી અથવા "મીઠી" દુશ્મની અંગે પણ ટિકા-ટિપ્પણીઓ થઈ રહી છે. એક તરફ લોહી અને પાણી એક સાથે વહી ન શકે, તેમ કહીને પાકિસ્તાન સાથેના કેટલાક સંબંધો કાપી નાખવા, સિંધુ જળ સમજૂતિ રદ્દ કરવી અને વેપાર-વ્યવહારો બંધ કરી દેવા, અને બીજી તરફ પાક.ની નાપાક, નિર્લજ્જ અને નપાવટ હરકતો કરતા ખેલાડીઓ  ધરાવતી ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રમવું, એ વિરોધાભાસી નીતિ-રીતિની પણ આલોચના થઈ રહી છે. તેની સામે પાકિસ્તાનનો બહિષ્કાર કરીને ભારતીય ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમી જ ન હોત, તો પાક.ની ટીમ લડયા વિના જ જીતી જાય અને એશિયાકપ ખુંચવી લેત, તેવી દલીલ પણ થઈ રહી છે, જો કે, ફાઈનલ હજુ બાકી છે !

એશિયાકપની ટૂર્નામેન્ટમાં જેવી રીતે ફાઈનલ ટી-૨૦ ક્રિકેટમેચ રમવાની બાકી છે તેવી જ રીતે ઓપરેશન સિંદૂર પણ હજુ પૂરૃં થયેલું ઘોષિત કરાયું નથી, તેથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ, આતંકીઓ તથા તેને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાની ભારતીય સેનાની ફાઈનલ પણ હજુ બાકી છે, તેવો હુંકાર પણ ભારત તરફથી કરાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ અધુરા ઉદૃેશ્ય ઉપરાંત પીઓકે પાછું મેળવવાના ઉદૃેશ્ય સાથે જ સીડીએસનો કાર્યકાળ લંબાવાયો છે.

જો કે, ભારતે પરંપરાગત બિનજૂથવાદી વિદેશનીતિ આઝાદી પછી સતત જાળવી રાખી હતી, પરંતુ ભારતને ટ્રમ્પ સાથેની પહેલી ટર્મની દોસ્તી આજે ભારે પડી રહી છે અને બીજી તરફ બાંગલાદેશ પણ ભારત સામે આંખો દેખાડવા લાગ્યું છે, તેથી ભારત ચારે બાજુથી ઘેરાઈ રહ્યું હોય તેમ જણાય છે.

બાંગલાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ન્યૂયોર્કથી મોદી સરકાર પર જે રીતે પ્રહારો કર્યા અને યુનોમાં ભાષણ દરમ્યાન ભારત સામે ઝેર ઓક્યું, તે જોતા ભારત આઝાદ થયું, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન હતા, તેવી જ સ્થિતિ ઉત્પન્ન થઈ રહેલી જણાય છે.

એવો વિચાર પણ વ્યક્ત થઈ રહ્યો છે કે શાહબાઝ અને મુનિરની જાહેરમાં તરફદારી કરીને તથા ભારે ટેરિફ ઉપરાંત એચ-૧ની ફી વધારીને જે રીતે ટ્રમ્પ વર્તી રહ્યા છે, તે જોતાં ભારતે હિંમતપૂર્વક ટ્રમ્પનો જ બહિષ્કાર કરી દેવો જોઈએ, અને આઝાદી પછીના ભારતે જાળવી રાખેલી બિનજૂથવાદી વિદેશનીતિનો પરચો આપી દેવો જોઈએ. આવું ભૂતકાળમાં ઈંદિરા ગાંધી અને અટલબિહારી વાજપેયીએ કર્યું જ હતું ને ?

અત્યારે જ્યારે આપણો દેશ ચોતરફથી દુશ્મનો તથા હિતશત્રુઓથી ઘેરાઈ રહ્યો છે ત્યારે દેશમાં જ "આઈ લવ મહંમદ" કે "આઈ લવ મહાદેવ" જેવા વિવાદો કે ભાષાવાદ, પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ કે પછાત-બિનપછાત જેવા મુદ્દે અંદરો-અંદર લડવાના બદલે દુશ્મનો તથા આંતરિક-બાહ્ય હિતશત્રુઓની સામે એકજૂથ થવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા રાજકીય પક્ષો તથા જાહેર જીવનમાં રહેલા તમામ લોકોએ સત્તા પ્રાપ્ત કરવા, વર્ચસ્વ વધારવા કે વ્યક્તિગત સંસ્થાકીય લાભો, મતો મેળવવા માટે દેશને નુકસાન થાય કે દુશ્મનો ફાવી જાય, તેવી રાજનીતિ ન કરવી જોઈએ. ખાસ કરીને કેન્દ્ર સરકારે પણ પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને રાજ્ય સરકારો સાથે મળીને દુશ્મનોના દાંત ખાટા કરવા દેશને તૈયાર કરવો જોઈએ, અને કહેવું જોઈએ કે, "જસ્ટ વેઈટ એન્ડ વોચ...ફાઈનલ હજુ બાકી છે" !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh