Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં જાણે અત્યારથી જ દિવાળી ઉજવાઈ રહી હોય તેમ ગઈકાલે રાતભર ક્રિકેટ ટી-૨૦ના એશિયા કપમાં ભારતીય ટીમની જીતનો જુસ્સેદાર દેશવ્યાપી જશ્ન મનાવાયો, ફટાકડા ફૂટ્યા, આતશબાજીઓ થઈ, મીઠાઈઓ વહેંચાઈ અને મેટ્રોસિટીઝ સહિત ઠેર-ઠેર વિજયોત્સવ મનાવવા મહેફિલો જામી, એશિયા કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની તેનો સ્વાભાવિક ઉત્સાહ હોય જ, પરંતુ ગઈરાતની ઉજવણી કાંઈક અલગ જ હતી. ગઈકાલે જે ઉજવણી થઈ, તે એશિયા કપના ફાઈનલના વિજય કરતાં અનેકગણી વધુ જુસ્સા સાથે અને ગૌરવ સાથે થઈ હતી, કારણકે તેમાં દેશભાવનાઓ જોડાઈ ગઈ હતી. ભારતે પાકિસ્તાનની ટીમને પાંચ વિકેટે હરાવી દીધી, તેનો તે ઉન્માદભર્યો ઉત્સાહ હતો. આ વિજયના કારણે ક્રિકેટ ટીમની તો વાહવાહી થઈ જ રહી છે, પરંતુ ઓપરેશન સિંદૂરમાં ભારતના વિજયની સીધી અસર પણ આ ઉજવણી પર પડી રહી હતી અને પાકિસ્તાનને હરાવવા ની ખૂશી ગઈકાલે પરાકાષ્ટાએ પહોંચી ગઈ હતી, અને આ સ્વાભાવિક જનપ્રતિક્રિયા હતી.
આમ, તો ભારત-પાકિસ્તાનની ટીમો સામસામે હોય ત્યારે અલગ જ પ્રકારનો જુસ્સો બંને દેશોના ખેલાડીઓ ટીમો તથા જનતામાં જોવા મળતો હોય છે, પરંતુ ગઈકાલેે ચાર દાયકા પછી પણ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવવાની ખુશી કાંઈક અલગ જ જણાતી હતી અને આ ખુશીમાં તમામ ભારતીયોની દેશભાવના પણ સ્પષ્ટપણે ઉભરાઈ રહેલી જોવા મળી રહી છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથેના મોટાભાગના સંબંધો કાપી નાખ્યા હોવા છતાં ક્રિકેટની મેચો રમવા અંગે પ્રશ્નો ઉઠતા આપણાં દેશમાંથી જ વિરોધના સૂર પણ ઉઠ્યા હતા અને આ માટે બીસીસીઆઈને મંજુરી આપવા બદલ સરકારની ટીકા પણ થઈ હતી, જેની સામે એવી દલીલો પણ થઈ હતી કે એવું કરવાથી પાકિસ્તાનની ટીમને જ ફાયદો થશે અને ભારત નહીં રમે તો પાક.ને મળેલા મફતના પોઈન્ટના આધારે જ તે ચેમ્પિયન પણ બની શકે છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદા તથા આઈસીસીના વૈશ્વિક ટાઈમટેબલોને અનુસરવું પણ ફરજિયાત હોવાથી આ કારણે નિર્ણય લેવો પડે તો તેમાં કાંઈ ખોટું નથી. ઓપરેશન સિંદૂર માં ઘોર પરાજય છતાં હજુ પણ તૂંડમિજાજી ટ્રમ્પના ભરોસે હેકડી મારી રહેલા તથા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને વિજયી પરાક્રમો કર્યા હોવાની મનઘડંત ડંફાસો મારી રહેલી પાકિસ્તાનની નેતાગીરીને ક્રિકેટના મેદાનમાં પણ તમતમતો તમાચો પડ્યો હોવાના જે જુસ્સાભર્યા પ્રતિભાવો આવી રહ્યા છે, તે ગરિમામય છે. વડાપ્રધાને પણ ગઈકાલે થયેલા વિજયને ઓપરેશન વિજય સાથે સાંકળીને ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે "અહીં પણ ભારત જીત્યું !"
ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અને કોઈપણ રમતમાં હાર-જીત તો થયા જ કરતી હોય છે. કોઈપણ ફાઈનલ સ્પર્ધા કે મેચમાં કોઈપણ એક ટીમનો વિજય અને બીજી ટીમનો પરાજય નક્કી જ હોય છે. ઘણી વખત અસાધારણ સંજોગોમાં બંને ટીમ સમાન ગણવી પડતી હોય છે, પરંતુ રમતના કે જંગના મેદાનમાં પોતાની તમામ તાકાત રેડી દેવી એ ખેલાડીઓ અને જવાનોનું પરમ કર્તવ્ય હોય છે. તેથી ગઈકાલની ફાઈનલ મેચમાં બંને ટીમોના પ્રત્યેક ખેલાડીએ પોતાની ક્ષમતા મુજબ તમામ તાકાત કામે લગાડી દીધી હતી, તેની નોંધ પણ લેવી જ પડે. પાકિસ્તાનની ટીમ એક સમયે તો જીતી જશે, તેવું લાગ્યું હતું પણ ભારતીય ટીમ સામે પ્રતિસ્પર્ધી ટીમ વામણી પૂરવાર થઈ હતી.
આમ પણ જે ટીમ જીતે તેની વાહવાહી થાય અને જે ટીમ હારે તેને "હાર-જીત તો ચાલ્યા કરે, પણ ફાઈટ તો આપી ને ?" તેવા પ્રકારનું આશ્વાસન અપાતું જ હોય છે. જો ગઈકાલની મેચમાં ઉલટું પરિણામ આવ્યું હોત તો આપણે પણ કદાચ એ આશ્વાસનવાળી ફિલોસોફી જ અપનાવતા હોત ને ?
એક હકીકત એ પણ છે કે ટીમ ઈન્ડિયા કોઈપણ ખેલના મેદાનમાં પૂરેપૂરી ક્ષમતા ઉપરાંત પૂરેપૂરી ખેલદિલીની ભાવનાથી મેદાનમાં ઉતરતી હોય છે, પરંતુ ગઈકાલે એશિયા કપમાં પહેલી બે ટી-૨૦ મેચોમાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓની હરકતોમાં ક્યાંય ખેલદિલી નહોતી અને તેમાંથી જ આ નાપાક દેશની ઉદ્ધતાઈ, આડોડાઈ અને હલકાઈ પણ પ્રગટતી હતી. આ કારણે સુકા ભેગું લીલું બળે, તેમ ભારતના ખેલાડીઓ સામે પણ આંગળી ચિંધવામાં આવી, પરંતુ પાક.ના ખેલાડીઓની હરકતો તથા પાક.ની નેતાગીરીની હળાહળ જૂઠી વાહિયાત અને બેબુનિયાદ ડંફાસોએ પણ પૂરવાર કરી દીધું કે આ નપાવટ અને નમાલો દેશ બરબાદ થઈ જશે, પણ કયારેય સુધરશે નહીં...
એક હકીકત એ પણ છે કે બીસીસીઆઈ સ્વતંત્ર બોડી છે, અને તેના તરફથી આંતરરાષ્ટ્રીય મેચો રમવા જતી ભારતીય ટીમની મહેનતથી આ પ્રકારનો વિજય મળ્યો હોય ત્યારે તેને રાજકીય રીતે "અંકે" કરવાના પ્રયાસો થાય તો પણ તે યોગ્ય નથી.
ફાઈનલમાં વિજય પછીના પ્રેઝન્ટેશનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રીના હાથે ભારતીય ટીમે ટ્રોફી નહીં સ્વીકારીને પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહિત કરવા તથા ઓપરેશન સિંદૂરના સંદર્ભે બંને દેશો વચ્ચે કથળેલા સંબંધોને અનુરૂપ સાંકેતિક વિરોધ દર્શાવ્યો તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા છે, પરંતુ પાક.ના ગૃહમંત્રી માટે તો આ સ્થિતિ ક્ષોભજનક અને શરમજનક જ નિવડી હતી., અને એ કહેવત યાદ આવી ગઈ હતી કે, "ચોરની માં કોઠીમાં મોઢું ઘાલીને રડે !"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial