Advertisement
Author: નોબત સમાચાર

જીવનનો અંતિમ તબક્કો પોતાની મરજી મુજબ જીવી શકાય ખરો?

પાછલી જિંદગીમાં સુખી થવા..૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!

                                                                                                                                                                                                      

૧૨ વર્ષ પહેલાં ગુજરાતી ગાયક દેવાગ પટેલનું ગીત આવ્યું હતું..

'દુનિયા જાય તેલ લેવા, તું જલસા કર બાપુ જલસા કર' તે સમયે બહુ ચાલ્યું. પછી ભુલાઈ ગયું! તંદુરસ્ત રહેવાની આ જડીબુટ્ટી હતી.

જલસા ક્ષણીક બન્યા અને મગજ મારી કાયમી ઘર કરી ગઈ.

જીવનનો મધ્યમ તબક્કો બહુ કપરો હોય છે. ભણતર પૂરૃં થયા પછી નોકરી અને રૂપિયા શાંતિ ખાઈ જાય છે. લગભગ ૩૦ થી ૫૫ વર્ષ વચ્ચેના સમયમાં રૂપિયાના પ્રમાણમાં ચિંતા અને રોગ વધુ પ્રમાણમાં આવે છે. ક્રિકેટ મેચમાં ચોગા છગ્ગા ઉપર કિકિયારી કરતા દર્શકોની હાલત ઘરમાં બહુ કફોડી હોય શકે છે!

આપણે આજે આવો નિર્ણય કરી શકીએ ખરા?.. કે

જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજીથી જીવીશ.

જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજી અનુસાર જીવવા માગું છું.

જીવનનો અંતિમ તબક્કો કોને ગણવો તે 'તુંડે તુંડે મતિ ભિન્ના' હોય શકે છે. અગ્રેજોની વિચારધારાને માનીયે તો ૫૮ વર્ષ નિવૃત્તિની વય છે. કેન્દ્ર સરકાર ૬૦ ને અને શિક્ષણ વિભાગ ૬૨ને નિવૃત્તિની વય માને છે. અંબાણી, અદાણી, ટાટા કે ધંધાદારી લોકો માટે નિવૃત્તિની વય નક્કી નથી. આર્થિક લાચાર લોકોએ પણ જીવનના છેલ્લા દિવસો સુધી ભાર વેંઢારવો પડે છે.

ધનિકો અને ગરીબો... બન્ને માટે નિવૃત્તિ નથી.

કરોડો લોકો નિવૃત્તિ માણવા માટે માનસિકતા કેળવી શકતા નથી. પારકાનો ભાર વેંઢારવાનું તેના લમણે લખાયું હોય છે. કુદરતના નિયમ અનુસાર વૃક્ષ પણ પાનખરમાં બધું ખંખેરી નાખે છે. સાપ કાંચળી ઉતારી નાખે છે. વૃક્ષ ઉપરથી પાકેલા ફળ આપમેળે ખરી પડે છે. આપણા વિચારો, માન્યતા કે આવશ્યકતા કેમ આપોઆપ શૂન્ય થતા નથી? શ્વાસ બંધ થાય ત્યારે જ વિચારો કે ઈચ્છા બંધ થાય છે! જીવ શૂન્ય થાય ત્યારે જ જરૂરિયાતો શૂન્ય થાય છે!

જીવનના અંતિમ તબક્કામાં મનપસંદ પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં કરવી જોઈએ, રમત ગમત હોય કે ધર્મ ધ્યાન હોય, ગમે તે જ કરવાનું.

ભાર

જીવનના ભારની વ્યાખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. 'ભાર વગરનું ભણતર' છે, તેમ 'ભાર વગરનું વૃદ્ધત્વ' કેમ ન હોઈ શકે? અમેરિકા અને બ્રિટન માટે એમ કહેવાય છે કે, ત્યાં સંતાન પુખ્ત એટલે કે ૧૮ વર્ષનું થાય એટલે માં બાપને છોડી પોતાના રસ્તે ચાલ્યું જાય છે. પશુપક્ષીમાં પણ પાંખ આવે એટલે ઊડી જાય છે. અર્થ એ કે, સમય અનુસાર ભાર હળવો કરી નાખવો જોઈએ. ભારનું બીજું નામ જવાબદારી પણ છે. પશુ પંખીની જેમ આપણે સંતાનોને પડતાં મૂકી શકતા નથી. પૌત્ર, પૌત્રીની જવાબદારી પણ છોડી શાકતા નથી.

વૃદ્ધાવસ્થાની સામાજિક સમસ્યાઓ વૃદ્ધની સુખાકારી અને જીવનની ગુણવત્તાને અસર કરે છે. જે મુખ્ય નીચે મુજબ છે.

એકલતાઃ ઘણાં વૃદ્ધ વયસ્કો નિવૃત્તિ, મિત્રો અથવા પરિવાર ગુમાવવાને કારણે સામાજિક એકલતા અનુભવે છે. એકલતા ડિપ્રેશન જેવા ઊંચા જોખમો સાથે જોડાયેલી છે. અભ્યાસો સૂચવે છે કે વિકસિત દેશોમાં ૨૦-૩૦% વૃદ્ધ વયસ્કો એકલતા અનુભવે છે, નબળા સમુદાયમાં આ દર વધુ છે.

વય ભેદભાવઃ આને આપણે જનરેશન ગેપ પણ કહીએ છીએ. વયવાદ આત્મસન્માન ઘટાડી શકે છે અને તકોને મર્યાદિત કરી શકે છે, સર્વેક્ષણો દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ૫૦% જેટલા વૃદ્ધ વય-આધારિત પૂર્વગ્રહનો અનુભવ કરે છે.

મર્યાદિત હલચલઃ નાણાકીય અસલામતી ઘણા વૃદ્ધ વ્યક્તિઓને ગંભીર અસર કરે છે, ખાસ કરીને જેઓ નિશ્ચિત પેન્શન પર આધાર રાખે છે અથવા બચત વિના છે. અમેરિકામાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૧૦% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. પરિવહન, ટેકનોલોજી અથવા સમુદાય સેવાઓનો તે લાભ લઈ શકતા નથી. તે તેમને સમાજથી વધુ અલગ કરે છે.

સંભાળ અને નિર્ભરતાઃ વૃદ્ધ વયના લોકો ઘણીવાર પરતંત્રતા જેવા પડકારોનો સામનો કરે છે. કૌટુંબિક સંભાળ રાખનારાઓ કામમાં વ્યસ્ત હોય અથવા વધુ પડતા બોજ હેઠળ દબાયેલા હોઈ શકે છે. વૈશ્વિક સ્તરે, લગભગ ૧૫% વૃદ્ધ વયના લોકોને દૈનિક પ્રવૃત્તિઓમાં સહાયની જરૂર પડે છે, જેના કારણે સામાજિક અને પારિવારિક જીવન ઉપર તાણ આવે છે.

આરોગ્ય સમસ્યાઃ વૃદ્ધ વયના લોકો આરોગ્યની સમસ્યાઓ અથવા અપૂરતી વૃદ્ધાવસ્થા સંભાળને કારણે સુખી અને સંતોષજનક  જીવન જીવવા માટે સંઘર્ષ કરી શકે છે. સંધિવા, ઉન્માદ, પેરાલીસીસ  જેવી બીમારી આ લોકોને અસર કરે છે,

ડિજિટલ અજ્ઞાનઃ સંદેશાવ્યવહાર, બેંકિંગ અને સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપી પરિવર્તન આવી રહૃાા છે. ટેકનોલોજીથી અજાણ ઘણાં વૃદ્ધ વયના લોકો લઘુતાગ્રંથિ અનુભવે છે. યુવા વર્ગથી અલગ થઈ ગયાનો અહેસાસ કરે છે. તેની જાણ બહાર કૌટુંબિક પ્રવૃત્તિ ચાલતી હોવાનું દુઃખ અનુભવે છે. આર્થિક વ્યવહારો પણ મુશ્કેલ બને છે. વય આધારિત નબળાઈ કારણે બેન્ક જઈ શકતા નથી. આંખ નબળી હોવાથી મોબાઈલ ઑપરેટ કરવામાં તકલીફ પડે છે.  શ્રવણ શક્તિ નબળી પડવાથી પણ મુશ્કેલી રહે છે.

સામાજિક નુકસાનઃ નિવૃત્તિ અથવા જીવનસાથીનું મૃત્યુ સામાજિક સક્રિયતા છીનવી શકે છે, આ સમસ્યાઓને ઉકેલવા માટે સમુદાય જોડાણ, સમજ સુધારા જેવા નીતિગત હસ્તક્ષેપો અને વયવાદ સામે લડવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે પહેલની જરૂર છે.

વૃદ્ધોએ જાત ચાલે ત્યાં સુધી સક્રિય રહેવું જોઈએ.

અપેક્ષા

ઉમર વધવાની સાથે વ્યક્તિગત અપેક્ષા ઓછી કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશેનું સૂત્ર અપનાવી લેવું જોઈએ. નાની વયમાં જે કરતાં તે હવે ન કરવું જોઈએ. એક વ્યક્તિએ પૂછ્યું.. ૬૦ વર્ષ પછી સુખે થી જીવવું હોય તો શું કરવું?

જવાબ મળ્યો.. ૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!

ઈચ્છા

ઈચ્છાઓને મારવી અશક્ય છે. અમીબાની જેમ જેટલી કાપો તેમાંથી નવી નવી જન્મતી જ રહે. ઈચ્છા કદિ મરતી નથી... તે છે ઈચ્છા અનુસાર જીવવું. જવાબદારીઓના પોટલાં વધતાં જ જાય છે. મનને ખંખેરી શકાતું નથી. આમ કરવાની આપણી દાનત પણ નથી. વૃદ્ધત્વ જીવનનો અંતિમ પડાવ છે. આ સમજવા છતાં આપણે નવા નવા ભાર વેંઢારીને હિમાલય ગમન માટે કુચે મરીએ છીએ.

સમાજ પણ ઘણો જ ક્રુર છે! ૬૫ વર્ષના વૃદ્ધને બધા પુછે રાખે છે કે, શું કરો છો આજકાલ?

મારો જ દાખલો લો. અનેક લોકો મળે ત્યારે પૂછે કે, સમય કેમ પસાર કરો છો? મારી પાસે જવાબ સ્પષ્ટ હોતો નથી. એટલે કહું કે, ઘડિયાળ રાખતો નથી એટલે ખબર નથી!

નિવૃત્તિ

નિવૃત્તિની પ્રવૃત્તિઓ બાબતે ફિલોસોફી ઝાડતા તજજ્ઞો હજાર રસ્તાઓ બતાવશે. સલાહના પોટલાં ખોલશે. તે બીજા દિવસે ફરી નવા વિષય ઉપર લેક્ચર ફાડી નાખશે.

જીવનના અંતિમ તબકકામાં શાંતિ બહુ જ મહત્ત્વની છે. ઘણી વખત શાંતિ મેળવવા માટેના પ્રયાસોમાં જ અશાંતિ સર્જાય છે. સંબંધોમાં પણ આંટીઘૂંટી અસ્થિરતા સર્જે છે.

હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો છે. સંતાનો ભણીગણીને મોટા શહેરોમાં કે વિદેશ ઉડી જાય છે. એક મિત્ર તો સંતાનો સાથે સુખ માણવા વિદેશ ગયા. થોડા સમયમાં લીલા તોરણે પાછા ફર્યા. મને કહે કે, ત્યાં મોટેથી હસવાનું નહીં, ફોન ઉપર જોર જોરથી વાતો કરવાની નહીં, રોટલી ઉપર ઘી ચોપડવાનું નહીં, સંતાનોના મિત્રો આવે ત્યારે આપણે બેડરૂમમાં પુરાઈ જવાનું!! જાણે કે, સાદી કેદની સજા!

કેટલાક કિસ્સાઓમાં તો વહુ આવે એટલે વૃદ્ધો 'આઉટ ઓફ ડેટ' થઈ જાય. પુજા કરતા સમયે ઘંટડી જોરથી નહીં વગાડવાની... મેડમની ઊંઘમાં ખલેલ પડે! ટીવી જોરથી નહીં રાખવું, બાળકોને ભણવામાં નડે છે.

શરીર

જીવનભર જેણે સાથ આપ્યો તે.. આપણું શરીર જ સહકાર નથી આપતું! ડાયાબિટીસ, બ્લડપ્રેસર, લકવો, હદય રોગ જેવા રોગો ઘેરી વળે છે. પ્રવાસનો શોખીન જીવ પથારી પણ છોડી શકતો નથી. ૫૬ ભોગ જમતો માણસ ખાખરા ખાઈ જીવે. જીવનના અંતિમ તબક્કામાં અશક્તિ જ મારી નાખે છે. લાચારી ચરમસીમાએ હોય છે. ૭૦ વર્ષની વય સુધી જો શરીર સારૃં ચાલે તો ભગવાનનો આભાર માનવો. ૭૦ પછી પણ ચાલતા રહો તો નશીબદાર માનવું.

એક તબીબને બીમાર વૃદ્ધએ પૂછ્યું કે, પથારીવસ થઈ જાય તો શું કરવું? તબીબે કહૃાું કે, પંખો જોવાનો!

શરીર મજબૂત હોય ત્યાં સુધી જ દુનિયા માણવા લાયક છે. યુવાન વયે અભિમાન ન કરવું. શરીર અને શક્તિ તકલાદી છે. છેલ્લા શ્વાસ સુધી ટેકો આપે તો નસીબ.

સારાંશ

વૃદ્ધાવસ્થા બહુ કપરી છે. ૬૦ કે ૬૫ વર્ષ પછી નોકરી કે વ્યવસાય હો તો તેનાથી અલિપ્ત થવું. પરિવારને સમય આપવો. શેઠ પૈસા આપસે.. પરિવાર હુંફ દેશે. આર્થિક લાચારી ન હોય તો નોકરી કે ધંધો ન કરવો. હકારાત્મક વિચારો રાખવા. નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે મોરારિબાપુ જેવા બહુ ઓછા નસીબદાર હોય છે. જે જતી જિંદગીએ પણ ઊડાઊડ કરતા હોય!

'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને જીવનનો અંતિમ તબક્કો સુખમય નિવડે તેવી શુભકામના.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh