Advertisement
Author: નોબત સમાચાર

ભૂતકાળમાં અત્યંત લોકપ્રિય ફિલ્મોની ટિકિટો માટે થતી કાળાબજારી હવે ક્રિકેટમાં પ્રવેશી!

જુના જમાનાના મનોરંજનના ઈન્ડોર અને આઉટ ડોર સાધનોથી આજની મલ્ટીપ્લેક્ષ થિયેટરો સુધીની સંક્ષિપ્ત સફર...

                                                                                                                                                                                                      

જુના જમાનામાં જ્યારે મનોરંજનના સીમિત સાધનો હતાં, ત્યારે નાટકો, સરકસ, ભવાઈ, મદારીના ખેલ, ઢાઢીલીલા, રામલીલા, બે સ્તંભ વચ્ચે દોરી બાંધીને તેના પર બેલેન્સ જાળવીને ચાલવાના કરતબો, અન્ય અંગ કસરતના કરતબો, લાંબો સમય સુધી દિવસ-રાત સાયકલ ગોળ-ગોળ ફેરવવાના કરતબો, જાદુના ખેલ, સ્ટેજ નૃત્યો અને સમૂહ નૃત્યો સાથે ગીત-સંગીતની સૂરાવલી જેવા વિવિધ કાર્યક્રમો લોકોનું સામૂહિક મનોરંજન કરતા હતાં, તો બાવનપત્તાની વિવિધ રમતો, કેરમ, ઈસ્ટો, નવકાંકરી, ટેનિસ, શતરંજ, ચોર-સિપાઈ આંબલી-પીપળી જેવી ઈન્ડોર અને નૌકા સ્પર્ધા, નારગોલ, ગિલ્લી-દંડો (મોઈદાંડિયા), મલ્લકુસ્તી, ઠેરી-ઠેરા, ખો-ખો, કબડ્ડી, હોકી, નાળિયેલી, રસ્સી કૂદ, તીર ફેંકવાની રમત, નિશાનબાજી, પતંગ ચગાવવા, થપ્પો-દાવ, ટપલીદાવ, ફૂટબોલ, શેરી ક્રિકેટ, ઘોડા રેસ, હાથીરેસ, ગાડા રેસ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, સંગીત ખુરશી જેવી અસંખ્ય આઉટડોર રમતો રમાતી હતી.

પરંતરાગત મનોરંજન અને રમતો

અત્યારે પચાસ વર્ષ વટાવી ચૂકેલા ઘણાં લોકોને યાદ હશે કે જુના જમાનામાં શેરીનાટકો, ભવાઈ, મદારીના ખેલ, અંગકસરતના કરતબો, કઠપુતલીના ખેલ, કુસ્તી, દોડ સ્પર્ધાઓ, સાયકલીંગ સાથે મનોરંજન, રંગભૂમિ પર મોટા નાટકો, સરકસ તથા વિવિધ પ્રકારની લીલાઓના મંચન જેવા મનોરંજન સાથે લોકનૃત્યો, ગીત-સંગીતનો સમન્વય થતો ત્યારે ટોળે વળીને, મોટા સમૂહમાં પાથારણા પાથરીને, બેસીને કે દેશી બેઠકની વ્યવસ્થાઓ ગોઠવીને લોકો મજા માણતા હતા અને હૂતાશણી, ધૂળેટી, શિવરાત્રિ જેવા તહેવારોમાં ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને અવનવી રમતો તથા ગીત-સંગીતના ભાતીગળ કાર્યક્રમો યોજાતા, ત્યારે અબાલવૃદ્ધ સૌ તેની સામૂહિક મજા માણતા હતાં.

ઈન્ટરનેટ યુગમાં પણ

જળવાયું અસ્તિત્વ

અત્યારે ઈન્ટરનેટ યુગમાં પણ બાહ્ય, (આઉટડોર) અને મેદાની રમતો, પર્વતારોહણ અને તરણસ્પર્ધા, શૂટિંગ, વિવિધ પ્રકારની રેસ, મેરેથોન દોડ, વાહનોની રેસ, દરિયાઈ પરાક્રમો, પેન્ટ બોલ, ખજાનાની શોધ, હવાઈ એડવેન્ચર્સ, પર્વતારોહણ, અંડર વોટર એડવેન્ચર્સ, પેરા ગ્લાઈડીંગ, આકાશી રમતો, પતંગોની ઊડાન, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટ્રેકિંગ, સ્કૂબા ડાઈવીંગ, બંજી જંપીંગ, નૌકા સ્પર્ધાઓ, કેમ્પિંગ, ગૂફ-જંગલ અને રણપ્રદેશ તથા પહાડી વિસ્તારોને લગતી અનેક પ્રકારની રમતો તથા એડવેન્ચર્સ પ્રચલીત છે. તો બીજી તરફ ઓનલાઈન ગેઈમ્સ, ઓનલાઈન ગેમ્બલીંગ અને વીડિયો ગેઈમ્સ જેવી અત્યાધુનિક રમતોએ આઉટડોર અને મેદાની રમતો સામે ઘણાં જ નવા પડકારો ઊભા કર્યા છે, તો કેટલીક ઓનલાઈન અને વીડિયો ગેઈમ્સ તો કૂમળા બાળકો, જેન-ઝી અને કેટલાક અંશે બુઝુર્ગો માટે પણ ખતરનાક બની રહી છે, જે નવી મનોરંજક પદ્ધતિઓના દુષ્પરિણામો છે.

આપણી સંસ્કૃતિને વિદેશી વાઘા

જાહેરમાં નિઃશુલ્ક કે ફંડફાળા કરીને યોજાતા આ પ્રકારના કાર્યક્રમો ઉપરાંત ધીમે ધીમે સ્ટેજ પ્રોગ્રામ, રંગભૂમિ અને પેઈડ કાર્યક્રમો પણ વિસ્તરવા લાગ્યા, અને ટિકિટ ખરીદીને રંગભૂમિ (નાટકો) તથા સરકસ જોવા બધા જતા હતાં, તે સમયે પણ અત્યારે યોજાતા કેટલાક અદ્યતન મનોરંજન કાર્યક્રમો દેશી પદ્ધતિથી ખૂબ જ અસરકારક રીતે યોજાતા ઘણાં જ લોકપ્રિય અને પ્રચલીત હતાં. એ જ ઘણી આપણી પરંપરાગત રમતો હવે વિદેશી વાઘા પહેરીને પ્રગટી છે!

ઘણાં ધાર્મિક તથા પ્રાસંગિક અને મંગલકાર્યોનું સ્વરૂપ પણ મનોરંજન, આનંદ અને ખુશી વ્યક્ત કરવાનું તથા ઉજવણી કરવાનું રહેતું હોવાથી મનોરંજન મોટાભાગે શિસ્તબદ્ધ, સુસંસ્કૃત, સૌજન્યશીલ અને સદાચારી રહેતું હતું, અને તેમાં બીભત્સતા, નકારાત્મક્તા, ખંડનાત્મક્તા કે દૂરાચારની પ્રસ્તુતિ ભૂલેચૂકેથી થઈ ન જાય તેની વિશેષ કાળજી લેવાતી હતી.

મુંગી અને શોર્ટ ફિલ્મો

તે પછી મુંગી ફિલ્મો આવી, અને ક્રમશઃ બોલતી ફિલ્મો પણ આવી. તે રંગભૂમિને આપણે નાટકો માટે ઓળખતા હતાં, અને મેદાનમાં કે સ્ટેજ પર એ નાટકો જ્યાં ભજવાતા હતાં, ત્યાં પડદા (સ્ક્રીન) લાગી ગયા અને રંગભૂમિ અને સિનેઘરોનું સ્થાન લીધુ. બીજી તરફ જંગલી પ્રાણીઓ પાસે જુદા જુદા કરતબો કરાવીને લોકોનું મનોરંજન કરતા તથા જોકર, અવનવા કરતબો તથા સાહસિક પ્રસ્તુતિ કરતા સરકસના લોકોનું સ્થાન શોર્ટ ફિલ્મોએ લીધુ. (જો કે, પ્રાણીઓ પાસે કરતબો કરાવવાની પ્રવૃત્તિઓ પર કાનૂની પ્રતિબંધો આવ્યા પછી સરકસોનું સ્વરૂપ બદલાયા પછી પણ આજે સરકસો તદ્ન બંધ થયા નથી, પરંતુ અત્યારે મૃતઃપ્રાય સ્થિતિમાં છે.  આવી જ સ્થિતિ મદારીઓ, કઠપૂતળીનો ખેલ તથા દોરડા પર બેલેન્સ જાળવવા જેવા કરતબો કરીને ગુજરાન ચલાવતા લોકોની છે)

ખુલ્લા મેદાનમાં માહિતીખાતુ

અને કંપનીઓ ફિલ્મો બતાવતી

તે પછી થિયેટરો (સિનેગૃહો) નો યુગ આવ્યો ત્યારે ઘણાં સ્થળે ઓપનએર થિયેટરો પણ હતાં અને ઘણાં સ્થળે ખુલ્લા મેદાનમાં નિઃશુલ્ક ફિલ્મો બતાવાતી. ઘણાં લોકોને ઔદ્યોગિક કંપનીઓ, રાજ્યસરકારનું માહિતી ખાતું તથા અન્ય કેટલીક સંસ્થાઓ દ્વરા ખુલ્લા મેદાનમાં બતાવાતી ફિલ્મો અને તેને જોવા માટે આ ગામ કે શહેરી વિસ્તારના કોઈ મહોલ્લા-સાર્વજનિક પ્લોટમાં ઉમટી પડતા દર્શકો યાદ હશે...

એક સમય એવો પણ હતો કે કેટલીક ફિલ્મો એટલી બધી લોકપ્રિય થઈ હતી કે તે મહિનાઓ સુધી થિયેટરોમાં ચાલતી અને નવા નવા રેકોર્ડ સ્થપાતા... એ લોકપ્રિય ફિલ્મો માટે ટિકિટો મેળવવા લોકો લાંબી લાઈનો લગાવતા અને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેતા.તે સમયે એક સ્ક્રીનવાળા તે સમયના આધુનિક ગણાતા થિયેટરો બન્યા અને નાટકોની વ્યવસ્થાથી વિપરીત નજીકની બેઠકો (ખુરસી કે બાંકડા અથવા દેશી બેઠક) માટે તદ્ન ઓછા ભાવ, તે પછી ઊંચા થતા જતા ઢાળ પર સુવિધાલાયક ખુરશીઓ માટે થોડા વધુ ભાવ અને તે પછી બાલ્કની, ફેમિલી બોક્સ વિગેરે વ્યવસ્થાઓ થઈ. એક જ સ્થળે વધુ સ્ક્રીન ઊભા કરીને બે-ત્રણ-ચાર થિયેટરોનો સમૂહ હોય તેવા મલ્ટીપ્લેક્સ થિયેટરો ઊભા થયા, જે પણ આજે ઈન્ટરનેટ યુગ અને હોમથિયેટરોના યુગમાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હોય તેમ જણાય છે.

ટિકિટોના કાળાબજાર

આજે જુના જમાનામાં ફિલ્મ નિહાળવા જવા માટે ટિકિટોના કાળાબજાર થતા હોય કે પછી આ ગુન્હો કરતા લોકોને પોલીસ પકડીને લઈ જતી હોય, તેવા દૃશ્યો લૂપ્ત થઈ રહ્યા છે, અને નહીંવત્ જ જોવા મળે છે, પરંતુ ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચો તથા ક્યારેક આઈપીએલની મહત્ત્વપૂર્ણ મેચોની ટિકિટના કાળાબજારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, અને તેમાં પણ ભારત-પાકિસ્તાનની મેચ ભારતની સેમિફાઈનલ કે ફાઈનલ મેચો તથા કેટલીક મહત્ત્વપૂર્ણ લીગ મેચોમાં કે વિક એન્ડની મેચો પણ ટિકિટોના કાળાબજાર થવાની થોડી-ઘણી ઘટનાઓ ઝડપાતી હોય છે.

અમદાવાદમાં ત્રણ હજારની ટિકિટ ૧૦ હજારમાં વેંચતા શખ્સો ઝડપાયા હતાં

ગયા રવિવારે ૮ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડની ક્રિકેટ મેચ પહેલા પણ કાળાબજાર થયા હતાં, અને ટી-ર૦ વર્લ્ડકપની આ ફાઈનલ મેચની રૂ।. ત્રણ હજારની ટિકિટ રૂ।. દસ હજારમાં વેંચતા બે શખ્સો ઝડપાયા હતાં. અમદાવાદમાં પોલીસે આ માટે 'વોચ' ગોઠવી હતી, જેમાં ગુજરાત વિદ્યાપીઠ નજીક ઉસ્માનપુરામાં શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને ઘેરી લઈને પોલીસે અંગજડતી લેતા તેની પાસેથી ફાઈનલ મેચની આઠ ટિકિટો મળી આવી હતી. તેઓની પૂછપરછ કરતા તેમણે અગાઉથી ઓનલાઈન ટિકિટો બૂક કરાવી હતી અને રૂપિયા ત્રણ હજારની ટિકિટો દસ હજારમાં વેંચતા ઝડપાયા હતાં. આ બે શખ્સો પૈકી એક રાજસ્થાન અને બીજો મધ્યપ્રદેશનો વતની નીકળ્યો હતો. તે ઉપરાંત પણ બીજા કેટલાક શખ્સો ઝડપાયા હતાં. ટૂંકમાં, કાળાબજારીનો મનોરંજનના ક્ષેત્રે ભૂતકાળમાં ધમધમતો કાળો કારોબાર આજે પણ અસ્તિત્વમાં હોવાનો આ પ્રત્યક્ષ પુરાવો છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh