Advertisement
Author: નોબત સમાચાર

કાનુડાને આવકારવા દ્વારકાનગરીમાં થનગનાટઃ જગત મંદિરમાં રોશનીનો ઝળહળાટ

રેલવે-એસ.ટી.ની સ્પેશ્યલ ટ્રીપ દોડશેઃ સાંસ્કૃતિક કાર્યક્રમોઃ સ્વચ્છતા-ટ્રાફિક-સુરક્ષા વ્યવસ્થાઓ સુદૃઢઃ દર્શન વ્યવસ્થા ગોઠવાઈ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪: યાત્રાધામ દ્વારકામાં કાનુડાના જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, અને જગતમંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. વિવિધ ઉત્સવો ઉજવાઈ રહ્યા છે અને વિવિધ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.

યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૧૬ ઓગસ્ટ ને શનિવારના ભગવાન શ્રીકૃષ્ણના પરપર માં જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સવ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે, અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમીની ગ્રુપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે.

દ્વારકા ઉત્સવઃ ર૦રપ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. ૧૬ મી એ રાત્રે ૮ કલાકથી પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં હાથી ગેઈટ બાજુના નગરપલિકા પાર્કિંગ હાઉસમાં દ્વારકા ઉત્સવ ર૦રપ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુખદેવ ગઢવી, માલદે આહિર જેવા નામાંકીત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

રેલવે દ્વારા વિશેષ ટ્રેનઃ એસટી દ્વારા વધુ બસ દોડાવાશે

જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવિકો દ્વારકા આવતા હોય, આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામમાં પધારે તેવી સંભાવના જોતા રેલવે વિભાગ દ્વારા યાત્રિકોના ધસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પશ્યલ ટ્રેનો પણ દડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોક્કસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.

નગરપાલિકા ફૂડ શાખા

દ્વારા ચેકીંગઃ સ્વચ્છતાલક્ષી પગલાંઓ લેવાયા

જગતમંદિરને સાંકળતા પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને સાફસફાઈ સહિત યાત્રિકોની સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા સ્વચ્છતાલક્ષી પગલાંઓ લેવા ઉપરાંત આ ઉપરાંત નગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પણ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત યાત્રિકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે.

શહેરમાં ટ્રાફિક

વ્યવસ્થા સુદૃઢ બનાવાઈ

યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રિકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પંડિયાની સૂચના અને માર્ગદર્શનથી ઠેર ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે, જ્યાં દ્વારકા તરફ આવતા વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફિક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાના જવાનો ચૂસ્તતાપૂર્ણ કામગીરી દાખવી રહ્યા છે. યાત્રિકોને સરળતાથી દર્શન માટે જગતમંદિરે દર્શન માટે કીર્તિસ્તંભ થઈ છપ્પન સીડીથી પ્રવેશ કરી દર્શન પછી મોટા દ્વારેથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

દ્વારકામાં ૧૬૦૦ પોલીસકર્મીઓનો સઘન બંદોબસ્ત

જન્માષ્ટમી પર્વ યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકાના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે, જેમાં એસપી, ડીવાયએસપી પીઆઈ, પીએસઆઈ સહિત ૮પ અધિકારીગણ તેમજ જીઆરડી, એસઆરબીના જવાનો સહિત કુલ ૧૬૦૦ જેટલા પોલીસકર્મી ફરજ નિભાવશે. એસ.પી. નિતેશકુમાર પંડયાના માર્ગદર્શનમાં ડીવાયએસપી સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

હોટલ-ગેસ્ટહાઉસમાં વ્યાપક બુકીંગ

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતા ભાવિકોમાં વ્યાપર વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ, ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહ્યું છે. સારો વરસાદ થતા જેની અસર ભાવિકોના ધસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલમાલિકો તથા વેપારીવર્ગ રાખી રહ્યો છે.

દ્વારકા દર્શન સર્કિટઃ શિવરાજપુર બીચે વધશે ટ્રાફિક

દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટદ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકૂઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફિક વધશે તેવું જણાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh