Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું અને તે પછી વારંવાર કમોસમી વરસાદ પડતો રહ્યો, જેના કારણે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યોમાં નગરો-મહાનગરોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્યના ધોરીમાર્ગો, ગ્રામ્ય માર્ગો અને નેશનલ હાઈ-વેમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા, તે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં પોલાણવાળી જમીન પર બનેલી સડકોમાં ભૂવા (ઊંડા ખાડા) પડી ગયા. આ સ્થિતિમાં કેટલાક અન્ય વિકાસકામો તથા બાંધકામો અને મૂળભૂત જરૂરિયાતના ચાલી રહેલા કામો પણ અટવાઈ પડ્યા હતા. અવરિત વરસાદને કારણે જામનગર પણ ખાડાનગર બની ગયું અને ભૂગર્ભ ગટર તથા ફ્લાયઓવર બ્રિજના ચાલી રહેલા કામોના કારણે છેલ્લા પાંચ-છ મહિનાથી જુદા જુદા સ્થળે થતા ખોદકામોના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ગઈ અને નગરજનો પરેશાન થતા રહ્યા હતા.
હાલારમાં યાત્રાધામ દ્વારકા અને સંલગ્ન યાત્રા-પ્રવાસધામોમાં પણ માર્ગોની દૂર્દશા થઈ અને નગરોના આંતરિક માર્ગો તૂટી-ફૂટી ગયા છે, ત્યારે હવે કમોસમી વરસાદ બંધ થયો છે અને શિયાળો શરૂ થયો છે, ત્યારે તમામ માર્ગોના નવીનીકરણની જરૂર છે. માત્ર થીંગડા મારીને નહીં ચાલે, પરંતુ પાક્કા માર્ગો બનાવવા પડે તેમ છે. આંકડાઓ જાહેર કરીને આયોજનોની પબ્લિસિટી કરીને જ નહીં ચાલે, પરંતુ જમીન પર વાસ્તવિક કામો પણ થવા અત્યંત જરૂરી છે.
શિયાળાની ઋતુમાં બાંધકામો માટે અનુકૂળ વાતાવરણ હોવાથી યાત્રાધામ દ્વારકા, હર્ષદ, બેટ દ્વારકા, વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજીઓ, ગોપ, ભાણવડ, હાથલા, કાલાવડ, જામજોધપુર, સીદસર, કેશોદ, બેરાજા, આસોટા, રાણ, ગોરીંજા, જોડીયા, ખીજડીયા, ખીમરાણા, ફલ્લા, શીંગડા વગેરે આસ્થા અને પ્રવાસનને સંયુક્ત રીતે જોડતા અનેક માર્ગોની તત્કાળ મરામત કરવી જરૂરી છે, જ્યારે હાલારની તમામ નગરપાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાના તમામ આંતરિક માર્ગો, શેરી-ગલીઓ અને સોસાયટી વિસ્તારોમાં માર્ગોને થયેલા નુકસાનનો ડીપ સર્વે કરીને તત્કાળ તેની પ્રાથમિક મરામત ઉપરાંત જરૂરી પ્રક્રિયા તત્કાળ સંપન્ન કરીને પાક્કા માર્ગો ફરીથી બની જાય, તેવું નવીનીકરણ તથા વિસ્તૃતિકરણ તત્કાળ કરવું જોઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લો જાહેર થયો, અને ખંભાળીયા તેનું મુખ્યમથક બનાવાયું, પરંતુ ખંભાળીયાની ખાડાનગરી તરીકેની છાપ ભૂંસાઈ શકી નથી. એકાદ વર્ષથી મંજુર થયેલું ઓવરબ્રિજનું કામ અટવાઈ જવું, રિવરફ્રન્ટનું કામ ગાંધીનગરના સચિવાલયમાં ગોટે ચડી જવું, વર્ષો સુધી ભૂગર્ભ ગટરના કામો ટીંગાતા રહેવા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પછી પણ નગરમાં ઠેર-ઠેર માર્ગો પર ગંદા પાણી વહેતા રહેવા જેવા પ્રશ્નો આજે પણ એવાને એવા જ છે. આ સ્થિતિમાં કમોસમી વરસાદે દુષ્કાળમાં અધિક માસની જેમ આ સમસ્યાઓને વધુ વકરાવી દીધી છે. આ કારણે ભૂતકાળમાં પ્રવર્તમાન શાસકોની વાહવાહી કરતા ઘણાં લોકો પણ હવે ટીકાકાર બની ગયા છે !
હાલારની અન્ય નગરપાલિકાઓમાંથી પણ આ જ પ્રકારની રાવ ઉઠી રહે છે. ઓખા નગરપાલિકામાં તો સુરજકરાડી, આરંભડા, બેટ દ્વારકા, ઓખા સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોવાથી ત્યાંની સ્થિતિ "ઓખો જગથી નોખો" જેવી છે, જ્યારે યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વરને સંલગ્ન માર્ગો-ધોરીમાર્ગોની સ્થિતિ પણ ચોમાસા પછી નવીનીકરણ માંગે છે. દ્વારકા નગરપાલિકાએ નગરના આંતરિક માર્ગો તથા નગરમાંથી પસાર થતા ધોરીમાર્ગ માટે પ્રશાસનિક અને રાજકીય સંકલન બેસાડીને તત્કાળ કેટલીક તૂટેલી-ફૂટેલી સડકોની તત્કાળ મરામત હાથ ધરવી જ પડે તેમ છે.
રાવલ નગરપાલિકામાં તો શાસકીય અને પ્રશાસનિક અસ્થિરતાની કાયમી સમસ્યા રહી છે અને તેના કારણે જ મૂળ નગરની બજારની એકમાત્ર જાહેર મૂતરડી પણ બંધ કરાયા પછી પુનઃ શરૂ થઈ શકી નથી. રાવલમાં કોઈપણ એક પેનલનું શાસન સતત રહેતું નથી એન ચીફ ઓફિસરો પણ સતત બદલતા રહે છે, તેથી લોકોને નાના નાના દાખલા કઢાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ જ પ્રકારે સલાયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ વગેરે નગરપાલિકાઓ તથા ભાટીયા, લાલપુર, ભાડથર, વાડીનાર જેવા મોટા ગ્રામ્ય મથકોમાં માર્ગોની હાલત પણ કાંઈક એવી જ છે.
ચોમાસા અને કમોસમી વરસાદ દરમ્યાન પણ રાજ્યમાં કેટલાક સ્થળે મરામતના અનિવાર્ય પ્રકારના કામો, ડાયવર્ઝન અને થીંગડા મારવાના કામો થયા, પરંતુ અવાર-નવાર કમોસમી વરસાદ થતો રહ્યો હોવાથી ફરી ધોવાતા રહ્યા. હવે જ્યારે વાતાવરણ ચોખ્ખું થયું છે, ત્યારે વાતોના વડા કરવાના બદલે જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ ત્યાગીને શાસકો, પ્રશાસકોએ ઝડપભેર માર્ગોનું પુનઃ ઉચ્ચ ગુણવત્તા સાથે નવીનીકરણ અને જરૂર હોય ત્યાં વિસ્તૃતિકરણ કરવું જ જોઈએ, ખરૃં ને ?
જામનગરમાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પડેલા ખાડા અને ચીરોડાઓમાં થીગડાં મારવાનું બંધ કરીને હવે પાક્કા અને પહોળા માર્ગો માટે નવેસરથી નિર્માણ થાય તથા વિસ્તૃતિકરણ થાય, તે જરૂરી છે. ફ્લાય ઓવર બ્રિજ અને તેના સર્વિસ રોડના કામોની સાથે સાથે લાંબા ચોમાસા અને કમોસમી વરસાદના કારણે બિસ્માર થયેલા શેરી-ગલીઓ-સોસાયટીઓ સહિતના માર્ગોનું તત્કાળ નવીનીકરણ અને આધુનિકરણ થવું જરૂરી છે. આ કાર્યવાહી દરમ્યાન સંબંધિત સડકો કેટલા વર્ષ પહેલા બની છે, તેની હિસ્ટ્રીને અનુરૂપ આયોજનો થવા જોઈએ.
જો કે, જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીએ કેટલાક આંતરિક માર્ગોની મરામતના કામોને મંજુરી આપી છે, અને કેટલાક સી.સી.રોડના કામો બહાલ કરાયા છે, જેમાં હાપા, ઢીંચડા સહિત મહાનગરની ચોતરફ વિસ્તરેલી કેટલીક સોસાયટીઓને પણ આવરી લેવામાં આવી છે. તે પૈકી રવિપાર્ક અને તિરૂપતિ સોસાયટીના મુખ્ય માર્ગોમાં સી.સી.રોડ બનાવવાનો સમાવેશ કરાયો છે, પરંતુ શેરીઓ તથા પેટા ભાગોનો ઉલ્લેખ નથી અને મંજુર કરાયેલી રકમ પણ પર્યાપ્ત જણાતી નથી. જો કે, પ્રશાસકિય મર્યાદાઓના કારણે કદાચ ટૂકડે-ટૂકડે મંજુરીઓ અપાતી હોઈ શકે છે, તેથી નગરજનો માત્ર ગુણવત્તાયુક્ત અને ઝડપી કામો સાકાર થાય, તેવું જ ઈચ્છે છે. લોકોને "ટપ ટપ" થી નહીં, રોટલાથી મતલબ છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial