Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં બપોર સુધીમાં ૪૫ ટકા મતદાનઃ ૧૩૧૪ ઉમેદવારો મેદાનમાં

વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં નીતિશ સરકારના ૧૬ મંત્રીઓનુ ભાવિ નક્કી થશેઃ બન્ને ગઠબંધનોના વિજયના દાવાઃ કેટલાક સ્થળે લાંબી લાઈનો

                                                                                                                                                                                                      

પટણા તા. ૯: બિહાર વિધાન સભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયુ. ત્યારે કેટલાક સ્થળે લાંબી કતારો જોવા મળી હતી. આજે ૧૩૧૪ ઉમેદવારોનુ ભાવિ નકકી થશે. કેટલાક સ્થળે ઈવીએમ બગડવાની રાવ ઉઠી છે, તો બન્ને ગઠબંધનોએ વિજયના દાવા કર્યા છે. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે ૪૫ ટકા મતદાન થયું છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબકકાનું મતદાન ચાલી રહ્યું છે, અને બપોર સુધીમાં ૪૫ ટકા મતદાન થયુ છે. મતદાન દરમિયાન કેટલાક સ્થળે હોબાળા સર્જાયા હોવાના અહેવાલો છે. ઘણાં સ્થળે આચાર સંહિતા ભંગની ફરિયાદો નોંધાઈ છે.

 બિહાર વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(૬ નવેમ્બર) સવારે શરૂ થઈ ગયું છે.. ૧૨૧ બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં ૩.૭૫ કરોડ મતદારો ૧૩૧૪ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે ૧૬ મંત્રીઓનું ભાવિ દાવ પર છે. બન્ને ગઠબંધનોએ વિજયના દાવાઓ કર્યા છે.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે ૨૦૧૦માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

બિહારમાં પ્રથમ તબકકાના મતદાન વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા લાલુ પ્રસાદ યાદવે લોકોને સોશિયલ મીડિયા દ્વારા વોટ અપીલ કરતા કહ્યું કે તવા પર રોટી પલટાવી રહેવી જોઈએ નહીંતર તે બળી જશે. ૨૦ વર્ષ લાંબો સમય કહેવાય ! હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક બની ગઈ છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહૃાું, *લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહૃાો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!*

બિહારના શરીફમાં મતદાન વખતે જ સ્લિપ વહેંચવાના આરોપમાં ભાજપના ચાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે કહૃાું કે આ લોકો મતદારોને સ્લિપની વહેંચણી કરી રહૃાા હતા.

માહિતી અનુસાર મુજફ્ફરપુરમાં મતદારો બગડ્યા હતા. તેમણે ઓવર બ્રિજ અને રસ્તો બનાવવા મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. લગભગ ત્રણ જેટલા બૂથ પર આવી સ્થિતિ જોવા મળી હતી.

અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાવા અને વોટર્સની નારાજગીના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ૯ વાગ્યા સુધીમાં બિહારમાં ૧૩.૧૩ ટકા જેટલું મતદાન થઈ ચૂકયું છે. ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઈવીએમ મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર ૩૩૪ અને ૩૩૫ પર ઈફસ્ ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ *વોટ ચોર* ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર ૧૫૩, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર ૧૯૬ પર પણ ઈફસ્ માં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી ૧ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકો પર મતદાન થશે. જેમાંથી દિઘા (પટણા)માં સૌથી વધુ ૪.૫૮ લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા ૨.૩૨ લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ ૨૦ ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત ૫-૫ ઉમેદવારો છે. કુલ ૪૫,૩૪૧ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૬,૭૩૩ ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી ૧૦.૭૨ લાખ નવા મતદારો છે, જ્યારે ૧૮-૧૯ વય જૂથના મતદારોની સંખ્યા ૭.૩૮ લાખ છે.

પ્રથમ તબક્કા માટે, ૧૨૧ જનરલ, ૧૮ પોલીસ અને ૩૩ ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં કુલ ૩ કરોડ ૭૫ લાખ ૧૩ હજાર ૩૦૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં ૧ કરોડ ૯૮ લાખ ૩૫ હજાર ૩૨૫ પુરુષ, ૧ કરોડ ૭૬ લાખ ૭૭ હજાર ૨૧૯ મહિલા અને ૭૫૮ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૪૫,૩૪૧ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં ૪૫,૩૨૪ મુખ્ય બૂથ અને ૧૭ સહાયક બૂથનો સમાવેશ થાય છે.

બે તબક્કામાં મતદાનઃ તારીખ ૧૪ નવેમ્બરે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પ્રથમ તબક્કા માટે આજે ૧૮ જિલ્લાઓની ૧૨૧ બેઠકો માટે સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલશે. આજે ચૂંટણીમાં ૧૦૪ બેઠકો પર સીધો મુકાબલો છે, જયારે ૧૭ બેઠકો પર ત્રિકોણીય સ્પર્ધા છે. બિહારની ૨૪૩ બેઠકો પર ૨ તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh