Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસકાઓથી વસવાટ કરતા લોકોનું રૂદનઃ ઘણાં લોકોએ સ્વૈચ્છિક ખાલી કર્યા મકાનોઃ ચૂસ્ત બંદોબસ્તઃ જાયન્ટ વાહનો કામે લગાડાયા
રાજકોટ તા. ર૩: રજકોટમાં આજ સુધીનું સૌથી મોટું ઓપરેશન ડિમોલીશન હાથ ધરાયું છે. ચૂસ્ત પોલીસબળ સાથે શાંતિપૂર્ણ ચાલી રહેલા ડિમોલીશન પછી ૮૭૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી થશે અને ગેરકાયદે બનેલા ૧૪૮૯ મકાનો દૂર થશે. ઘણાં લોકોનો દાયકાઓ જુનો આશરો ઝુટવાઈ જતા રૂદન સાથે ભાવુક દૃશ્યો પણ સર્જાયા છે.
રાજકોટ મહાનગર પાલિકા સોમવારે (ર૩ મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલીશન ઓપરેશન હાથ ધરાયું છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા ૧૪૮૯ મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-૧૬૩ લાગુ કરી દેવામાં આવી છે.
જો કે, જંગલેશ્વરના વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરીનો માહોલ દેખાયો હતો. અનેક લોકો દાયકાઓ જુના પોતાના આશ્રય સ્થાનો ગુમાવતા ચોધાર આંસુએ રડી રહ્યા હતાં, તો કેટલાક લોકો ક્યાં રહેવા જવું, એવો પ્રશ્ન પૂછી રહ્યા હતા, તંત્ર આવાસો આ પહેલા જ ફાળવી દેવાયા હોવાનો દાવો કરીને ફરીથી આવાસો ફાળવવા માટે અસમર્થતા દર્શાવી રહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ૧૪૮૯ જેટલા ગેરકાયદે મકાન-દુકાન અને અન્ય બાંધકામો તોડી પાડવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. ૧૧૩૦ થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે) ર૬૦ થી વધુ વાહનો જ ેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની પપ,૦૦૦ ચો.મી. અને ટી.પી. રોડની ૩ર,૦૦૦ ચો.મી. મળી કુલ ૮૭,૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાશે, જેની કિંમત રૂ।. ૩૧ર કરોડની અંદાજવામાં આવી છે.
વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. ર૩ મીથી રપ મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઊડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ર૬ મી ફેબ્રુઆરી સુધી શહેરમાં ૪ થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. રપ૦૦ થી વધુ પોલીસ જવાનોનો ચૂસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતાં, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી આ વખતે કોઈપણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજે ઘણાં પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતાં.
આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્ત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલીશન કામગીરી ચાલુ છે. કોઈ જ ઘટના બની નથી. લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી નાખ્યા છે. આજે જીસીબી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. ખોટી અફવામાં આવવું નહીં, શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલુ છે.
મીડિયા અહેવાલો મુજબ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સ્વૈચ્છિક રીતે ગેકાયદેસર દબાણો દૂર કરે. કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરવા ઈચ્છે, તો મનપા દ્વારા શક્ય હોય ત્યાં જરૂરી સાધન-સામગ્રી અને તકનિકી સહયોગ આપવામાં આવ્યો હતો. નાનું મશીનરી સાધન ઉપલબ્ધ કરાવવામાં સહાય, મલબા ઊઠાવવાની વ્યવસ્થા, માર્ગદર્શન માટે અધિકારીઓની હાજરી, સુરક્ષિત રીતે દૂર કરવા તકનિકી માર્ગદર્શન, આ સહયોગનો હેતુ નાગરિકોને સરળતા રહે અને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હતો.
આ કામગીરીથી નદીના કુદરતી વહેણમાં અવરોધ દૂર થશે, વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ટી.પી. રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે, નદી કાંઠા વિસ્તારને સુવ્યવસ્થિત રૂપ આપવામાં સહાય મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial