પવિત્ર અમરનાથની કથા

                                                                                                                                                                                                      

એક વખત દેવાધિદેવ શિવજીએ માતા પાર્વતીજી સમક્ષ પોતે રૂંઢમાળા શા માટે ગળામાં ધારણ કરે છે તેનું રહસ્ય પ્રગટ કરતા જણાવ્યું કે, 'તમારા દરેક અવતાર બાદ તમારો દેહવિલય થાય ત્યારે તે સમયે તમારી ખોપરીને હું મારી આ રૂંઢમાળામાં પોરવી દઉં છું. કારણ કે, તમે મને અત્યંત પ્રિય છો.'

આ સમયે શિવજી અજર-અમર છે અને પોતાને વારંવાર અવતાર લેવા પડે છે એ વાત માતા પાર્વતીજીએ જાણી ત્યારે પોતે પણ અમર થવા માટેની જીદ્દ પકડી ત્યારે મહાદેવજીએ માતા પાર્વતીજીને જણાવ્યું કે, ' અમર થવા માટે અમર કથા સાંભળવી પડે. આ કથા કોઈ એકાંત પ્રદેશમાં જ થઈ શકે.'

માતા પાર્વતીજી એકાંત પ્રદેશમાં અમર કથા સાંભળવા તૈયાર થયા. ત્યારે શિવજી અને પાર્વતીજી કૈલાસથી નીચે નિર્જન પહાડીઓમાં આવ્યા. કાલાગ્ની રૂદ્રને શિવજીએ આજ્ઞા આપી કે આ પહાડોની આસપાસ કોઈ જીવ, જંતુ, પશુ-પક્ષી કે વૃક્ષ-ઝાડ-પાન ન રહેવા જોઈએ.

કાલાગ્ની રૂદ્રએ તે બધાયને બાળી નાખ્યા. પછી પહાડોમાં એક ગુફામાં બેસી અને શિવજીએ માતા પાર્વતીને કહ્યુ, 'હુ હવે અમર કથાનો પ્રારંભ કરું છું. તમે હોંકારો ભણતા રહેજો. કારણ કે, આ અમરકથા હું સમાધિ અવસ્થામાં તમને કહીશ. તમને મુક્તિની પ્રાપ્તિ થાય તેવું જ્ઞાન હું તમને આપીશ.'

આમ કહી શિવજી તો સમાધિ લગાડીને બેસી ગયા. તેમના મુખમાંથી અમરવાણીનું જ્ઞાન વહેલા લાગ્યું. પાર્વતીજી કથા સાંભળતાં સાંભળતાં હોંકારો દેવા લાગ્યા. પરંતુ આ કથા સાંભળતા પાર્વતીજીને તો ઝોંકુ આવી ગયું તેઓ નિદ્રાધિન થઈ ગયા.

જ્યારે અમરકથા પૂરી થઈ તો શિવજીએ આંખો ખોલીને જોયું તો માતા પાર્વતીજી તો ઘસઘમાટ નિદ્રામાં હતા ત્યારે શિવજીને પ્રશ્ન થયો કે, તો પછી પાર્વતીજીના બદલે હોંકારો કોણ દેતું હતું? તેમણે ગુફામાં ઉપર દૃષ્ટિ કરી તો તે કબુતરના બચ્ચાં દેખાયા. તે બોલ્યા, ' પ્રભુ, અમે આ માળામાં ઈંડા ના સ્વરૂપમાં હતા. આપે જ્યારે ગુફામાંથી પ્રાણવાયુ સમેટી લીધેલો ત્યારે અમારી માં અમને ઈંડા સ્વરૂપે મૂકી અને ઉડી ગઈ હતી. ત્યાર પછી ઈંડામાંથી અમે બહાર નીકળ્યા અને આપની અમરવાણી સાંભળી અમે જ હોંકારો દેતા હતા.

ત્યારે દેવાધિદેવ મહાદેવે કહ્યુ, ' અમર કથા સાંભળી તમે અમર થઈ ગયા પરંતુ પાર્વતીજી અમર ન થઈ શક્યા.' આજે પણ અમર થયેલા તે કબુતરના અમરનાથજીની ગુફામાં દર્શન થાય છે.

આ અમરનાથજીની ગુફામાં સ્વયંભુ બરફનું શિવલીંગ થાય છે. જે એકમના નાનું થઈ જાય છે અને પૂનમના પરિપૂર્ણ થાય છે. ત્યાં બરફના સુતેલી સ્થિતિમાં પાર્વતી માતા અને ગણેશજી પણ બિરાજે છે. અષાઢ સુદ પૂર્ણિમાથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી અહીં દર વર્ષે મેળો ભરાય છે. આ અમરનાથજીની યાત્રા કરી ભાવિકો ધન્યતાનો અનુભવ કરે છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

રૃંઢમાળાની કથા

                                                                                                                                                                                                      

એક વાર પ્રસન્નચિત્ત બેઠેલા શિવજીને માતા પાર્વતીજીએ પ્રશ્ન પુછ્યો, હે નાથ તમે રૃંઢમાળા એટલે કે ખોપરીઓની માળા ધારણ કરો છો જ્યારે અન્ય દેવો હીરા-મોતી જેવા કિંમતી ઝવેરાતો અને સુવર્ણના ઘરેણા ધારણ કરે છે. તમને આ ખોપરીઓની માળા કેમ આટલી બધી પ્રિય છે ? તેનું રહસ્ય મને જણાવો.

દેવાધિદેવ શિવજી માતા પાર્વતીજીના મુખેથી આ અચાનક પુછાયેલા પ્રશ્નને સાંભળીને ખડખડાટ હસી પડાયું. શિવજી બોલ્યા, દેવી એ જાણવાની તમારે શી જરૂર છે?

મને તે અત્યંત પ્રિય છે તેથી તેને હું ધારણ કરૂ છું. તમે તો મારા અર્ધાંગિની છો. તમારે મને આવા પ્રશ્નો ન પુછવા જોઈએ.

ત્યારે પાર્વતી માતા એક ના બે ન થયા.  તેમણે રીતસરની હઠ પકડી આજે તો તમે મને એ જણાવો જ કે તમે હાડકાંના હારડા શા માટે ધારણ કરો છો?

શિવજી સમજી ગયા કે નક્કી આ આગ નારદજી જ લગાડી ગયા લાગે છે. તેમણે પાર્વતી માતાને પ્રશ્ન પુછ્યો, આજે હું વન વિહાર કરવા ગયો ત્યારે અહીં કોઈ આવ્યું હતુ ?

માતા પાર્વતીએ જવાબ આપ્યો,' હા, મહર્ષિ નારદજી આવ્યા હતા. તેમણે જ આ પ્રશ્ન મને પુછ્યો. તેઓ એ બધા દેવોને આ રહસ્ય પુછ્યુ. પરંતુ કોઈનેય તેનો ઉત્તર ન મળ્યો. તેથી પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન નારદજીએ મને પુછ્યો. ત્યારે મેં પણ અન્ય દેવોની જેમ જણાવ્યું કે, ' આ રહસ્ય વિશે તો મને પણ કંઈ જાણ નથી.'

ત્યારે મને નારદજીએ કહ્યું, ' તમે તેમના અર્ધાંગિની છો ને તમેય તે રહસ્ય ને નથી જાણતા?'  આમ કહી માતા પાર્વતી એ ઝડપથી આ રહસ્યને પ્રગટ કરવા શિવજીને વિનંતી કરી.

આખરે સ્ત્રી હઠ પાસે ઝુકી ગયેલા દેવાધિદેવ મહાદેવે તેનું રહસ્ય જણાવતા કહ્યું, 'દેવી' આ જેટલી ખોપરીઓ છે તેટલા તમારા અવતાર થયા છે. તમારા દરેક અવતારની ખોપરી ને મેં મારા આ રૃંઢમાળામાં પોરવી દીધી છે. તમારા થી વધારે આ જગતમાં મને બીજુ કંઈ નથી. તમે મારા હૃદયેશ્વરી છો. તમારા દરેક અવતારના દેહવિલય બાદ તેની ખોપરી હું લઈ મારા આ હારમાં પોરવતો આવ્યો છું. તેના વડે જ મને હૃદયની સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.'

શિવજીના મુખેથી આ રહસ્ય સાંભળી અને સતી પાર્વતી તો વ્યથિત થઈ ગયા. તેમણે મહાદેવજીને કહ્યું, ' તમે અજરઅમર છો અને મારે અવતાર ધારણ કરવા પડે છે ? હું પણ તમારી જેમ જ અમર કેમ ન બનું ? હું તમારી અર્ધાંગિની છું. મારે પણ આ જન્મજન્માંતરના ફેરામાંથી છુટવું છે.'

ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ' તમે તો માયાનું જ સ્વરૂપ છો. માયા ક્યારેય પણ અમર રહેતી નથી. જો તમારે અમર બનવું હોય તો અમર કથા સાંભળવી પડે. તે અમર કથા કોઈ એકાંત સ્થાનમાં જ સંભળાવી શકાય. અને પાર્વતી અમર કથા સાંભળવા તત્પર થયા.

આમ, શિવજીએ રૃંઢમાળા ધારણ કરવા પાછળનું રહસ્ય માતા પાર્વતીજીની સામે પ્રગટ કર્યું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh