Advertisement
Author: નોબત સમાચાર

આમાં ગણપતિ બાપા ક્યાંથી રીજે?

                                                                                                                                                                                                      

છેલ્લા ૧૫ દિવસથી ગણપતિ બાપ્પાને વધાવવાની તૈયારીઓ અમારા ફ્લેટમાં શરૂ થઈ ગઈ હતી.

જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી. મૂર્તિ પર્ચેસ કમિટી, ડેકોરેશન કમિટી, પ્રસાદ કમિટી, આરતી કમિટી, પ્રોગ્રામ કમિટી, જેમ જેમ કમિટીઓની રચના થતી ગઈ તેમ તેમ ગંભીર મુખમુદ્રા ધારણ કરી કમિટીના ચેરમેનો પોતાના સભ્યોને અલગ અલગ ખૂણામાં લઈ ચર્ચાઓ કરવા લાગ્યા.

જનરેશન ઝેડ જેને આપણે ઝેન ઝી કહીએ છીએ તે ખુન્નસ ખાઈ અને વડીલો સામે જોઈ રહૃાા હતા. મેં પરિસ્થિતિ પામી અને તેમની વચ્ચે જઈ અને પૂછ્યું, ''શું વાત છે કેમ તમે કોઈ મૂડમાં નથી દેખાતા?'' ઉપરવાસમાં ખૂબ વરસાદ થયો હોય અને ડેમ ઉપર સુધી ભરાઈ જાય પછી થોડોક દરવાજો ખોલે અને જે પાણીનો પ્રવાહ ચાલુ થાય કેમ એક સાથે ધાણી ફૂટ શબ્દો આવવા લાગ્યા. જામભાઈ જમાદાર નો નાનકો ચકુ ચતુર તરત જ બોલ્યો,

''તમને વડીલોને કોઈ આયોજન કરતા આવડતું નથી. મુખ્ય કમિટી તો તમે બનાવી જ નહીં.''

માથાભારે ગીતાબેન ગંભીરનો દીકરો મન્યો કૂદયો ''સોશિયલ મીડિયા કમિટી બનાવી? કેવું લાગશે જ્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ સ્ટોરીમાં કે સ્ટેટસમાં આપણા ગણપતિ દેખાશે નહીં?''

શાંતિલાલની ૧૨મુ નાપાસ જીગલીએ તાન છેડ્યો, ''વડીલોને તો કાંઈ ન હોય પરંતુ અમારી કોમ્યુનિટી અમને ક્યારેય માફ ન કરે. ગણપતિને લઈ અને એક પણ પોસ્ટ ન હોય તો તેટલું ઓકવર્ડ અને બેકવર્ડ ફિલ થાય?''

મેં તરત જ બધા વડીલોને બોલાવી અને કહૃાું કે ''આ છોકરાઓ આપણા ગણપતિના પ્રચાર અને પ્રસારની જવાબદારી લેશે. એટલે સોશિયલ મીડિયા કમિટી આ લોકોને સોંપીએ છીએ.''

અડધા સાંભળતા અને અડધા ન સાંભળતા વડીલોએ 'મેં કાંઈ કીધું છે તો વ્યવસ્થિત હશે' એમ માની અને હાથ ઊંચા કરી સંમતિ આપી દીધી.

નિકી, બબુ, ટોની, રાજુ, જીગલી, ચકુ, મન્યો, ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ મૂકવાની હોય અને જેટલી ગંભીરતાથી ચર્ચા થતી હોય તેટલી જ ગંભીરતાથી માંડ્યા ચર્ચા કરવા લાગ્યા.

સ્ટેડી શોટ કોણ લેશે?, ટ્રોલી શોટમાં કોની માસ્ટરી છે?, ગીમ્બલ શુટ કોણ કરશે? સૌ પોતપોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોતાનું વર્ક દેખાડી સારામાં સારૃં કામ દેખાડવાની ગેરંટી લેતા હતા.

વડીલોની કમિટીમાં મૂર્તિ કેવડી પસંદ કરીશું? કેટલા બજેટમાં જઈશું? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની મૂર્તિ લેવી?

બહેનોની કમિટીમાં ડેકોરેશન કેવું કરશું કોના ઘરે શું પડ્યું છે અને કઈ રીતે લગાડી શકાય તેની ચર્ચાઓ થવા લાગી વોટ્સએપ ગ્રુપ બની ગયા અને તેમાં શું સારૃં લાગશે શું નહીં ધડાધડ ફોટા મુકવા લાગ્યા.

લેડીઝુ કોણ પ્રસાદ બનાવશે તેની જવાબદારી એકબીજા પર નાખી રહી હતી.

જેન્ટસુ ભૂતકાળના પ્રશ્નોમાં કોણ નડતરરૂપ હતું તે પ્રમાણે ચોકઠા ગોઠવી વિરોધ કરી રહૃાા હતા.

તમામ કમિટીમાં વિવાદ ચાલી રહૃાો હતો. વાતાવરણ ધીમે ધીમે ઉગ્ર થતું ગયું. મારે વચ્ચે પડવું પડ્યું અને ''આવતીકાલે ગણપતિ બાપાને લઈ આવવાના છે બધું ઘી ના ઠામમાં ઘી પડી જશે તેવું સમજાવી બધાને ઘરે રવાના કર્યા.''

સૌ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયા હતા.

બહેનોએ સરસ મજાનું ડેકોરેશન કરી લીધું, પ્રસાદના થાળ આવી ગયા, ખાલી પંડાલથી માંડી અને ઉપસ્થિત ભક્ત સમુદાયની રીલ બનવા માંડી.

બહેનોમાં અને છોકરાઓમાં ઉત્સાહ હતો પરંતુ વડીલો મોટાભાગે એકબીજાને પીઠ દેખાડી બેઠા હતા. મોઢા ચડાવી મનમાં ગણગણતા હતા.

પોણા ૧૧નું મુરત છે બાપાનું સ્થાપન કરવા મેં વડીલોને કહૃાું કે ''ચાલો ગણપતિ બાપા ને વાજતે ગાજતે લઈ આવીએ.''

બધા એકબીજા સામે જોતા હતા કારણ કે મૂર્તિ કેટલા ફૂટની? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની? તેમાં એટલી ઉગ્ર ચર્ચા થઈ ગઈ કે એકબીજાને કહી દીધું 'તમારે જેમ કરવું હોય એમ કરો.' અને આ મગજમારીમાં કોઈએ કાંઈ કર્યું ન હતું.

બધી તૈયારી પછી ગણપતિબાપા જ ભૂલાઈ ગયા હતા. ખરેખર ગણપતિ ઉત્સવ છે તે રિદ્ધિ અને સિદ્ધિના ઓવારણા લેવાનો ઉત્સવ છે, વિધ્નહર્તા દેવ છે, અને એવા ઘરે જ રાજી ખુશીથી બાપા પધારે જ્યાં ખુલ્લા મને, રાગ દ્વેષ વગર, સંપૂર્ણ ભક્તિ ભાવથી તેમને આવકાર મળે. બાપાએ અમારા વડીલોને ચમત્કાર દેખાડી દીધો. બધાના મોઢા વિલા થઈ ગયા. એકબીજાની માફી મંગાઈ, બગીચામાં જઈ માટીનો પિંડો તૈયાર કર્યો અને એક જ કલાકમાં સરસ મજાના ગણપતિ બાપા તૈયાર કરી ભક્તિ ભાવથી સેવા પૂજા કરી તેમની સ્થાપના કરી.

વિચારવાયુઃ ગણપતિ બાપાઃ એ'લા તમે પણ ખરા છો. રિસાયેલા ફૂવાને મનાવવા એક મહિનો સાચવી શકો. અને હું બધી રીતે અનુકૂળ, સુખ સમૃદ્ધિ આપુ, છતાં દસ દિવસે મને પાછા ધકેલી દ્યો છો.' આવતા વર્ષે આવજો'

એ'લા આવ્યો છું તો રહેવા દે ને તને ક્યાં નડું છું?

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh