Advertisement
Author: નોબત સમાચાર

દહેરાદૂન-મંડીમાં વાદળો ફાટતા તારાજીઃ અનેક ઈમારતો ડૂબી, વાહનો તણાયા

સહસ્ત્ર ધારા- માલદેવતા- ટપકેશ્વર મંદિર જળમગ્નઃ એકનું મૃત્યુઃ કેટલાક લોકો ગૂમઃ મોડી રાત્રે નાસભાગ-રાહત-બચાવ કાર્ય શરૃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬ઃ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશથી તબાહીના અહેવાલો આવ્યા પછી તંત્રો એલર્ટ પર મૂકાયા અને રાહત-બચાવની ટીમો દોડતી થઈ હતી. દહેરાદૂનના સહસ્ત્ર ધારા અને હિમાચલના મંડીમાં વાદળો ફાટતા અનેક ઈમારતો ડુબી ગઈ છે. અને વાહનો તણાયા છે.

હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે ફરી તબાહી મચાવી છે. ગઈકાલે રાત્રે (૧૫ સપ્ટેમ્બર) મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું. રાજ્યની રાજધાની શિમલા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયાના અહેવાલો છે.

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે ૫ વાગ્યે વાદળ ફાટવાથી અનેક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને. બે લોકો ગુમ હોવાના અહેવાલ મળ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૃ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રીએ ફોન પર મુખ્યમંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે.

ગઈકાલે રાત્રે હિમાચલ પ્રદેશના ધરમપુરમાં વરસાદે એટલી તબાહી મચાવી હતી કે આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને બસો સહિત અનેક વાહનો તણાઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે અહીં વહેતી સોન ખાડ નદીનું પાણીનું સ્તર પણ ઘણું વધી ગયું છે. પાણીનું સ્તર વધવાને કારણે બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. લોકોએ ઘરોની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે રાત્રે જ બચાવ કામગીરી હાથ ધરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સોમવારે વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પડ્યા હતા, જેના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૪૯૩ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહૃાા હતા. સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં, જોગીન્દરનગરમાં ૫૬ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે પાલમપુરમાં ૪૮ મીમી, પાંડોહમાં ૪૦ મીમી અને કાંગડામાં ૩૪.૨ મીમી વરસાદ પડ્યો હતો. દરમિયાન, નાગરોટા સુરિયનમાં ૩૦ મીમી, મંડીમાં ૨૭.૫ મીમી, સરાહનમાં ૧૮.૫ મીમી, મુરારી દેવીમાં ૧૮.૨ મીમી, ભરેરીમાં ૧૭.૬ મીમી અને કારસોગમાં ૧૭ મીમી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે કાંગડા, જોટ, સુંદરનગર અને પાલમપુરમાં વાવાઝોડા પડ્યા હતા, જ્યારે રેકોંગ પીઓ અને સીઓબાગમાં ભારે પવન ફૂંકાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર  અનુસાર, નેશનલ હાઇવે-૩ ના અટારી-લેહ સેક્શન, એનએચ-૩૦૫ ના ઓટ-સૈંજ સેક્શન અને એનએચ-૫૦૩ ના અમૃતસર-ભોટા સેક્શન એવા ૪૯૩ રસ્તાઓમાં સામેલ હતા જે વાહનોની અવરજવર માટે બંધ રહૃાા હતા. કેન્દ્રએ જણાવ્યું હતું કે ૩૫૨ પાવર ટ્રાન્સફોર્મર અને ૧૬૩ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.

૨૦ જૂને રાજ્યમાં ચોમાસાની શરૃઆત થઈ ત્યારથી વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં કુલ ૪૦૯ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાંથી ૧૮૦ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યને ૪,૫૦૪ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં ૧ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન સરેરાશ ૯૯૧.૧ મીમી વરસાદ પડ્યો હતો, જે ૬૮૯.૬ મીમીના સામાન્ય વરસાદ કરતા ૪૪ ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે ચોમાસું ૨૦ થી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે હિમાચલ પ્રદેશથી વિદાય લે છે.

ઉત્તરાખંડને ફરી એકવાર કુદરતનો માર સહન કરવો પડી રહૃાો છે. સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી લોકો ગભરાઈ ગયા હતા. વાદળ ફાટવાથી ૨-૩ મોટી હોટલોને નુકસાન થયું છે, જ્યારે બજારમાં બનેલી ૭-૮ દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. લગભગ ૧૦૦ જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૃ કરી દીધી હતી. વાદળ ફાટવાની જગ્યાની નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહૃાા છે. એસડીઆરએફ, એનડીઆરએફ, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૃ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, 'દહેરાદૂનના સહસ્ત્રધાર અને માલ દેવતા તેમજ મસૂરીથી પણ નુકસાનના અહેવાલો મળી રહૃાા છે. દહેરાદૂનમાં બે થી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે. મસૂરીમાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે, જેની પુષ્ટિ થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે, જ્યારે ૩૦૦ થી ૪૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.'

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, 'મોડી રાત્રે દહેરાદૂનના સહસ્ત્રધારામાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત તેમજ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું આ સંદર્ભે સતત સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છું અને પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહૃાો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી અને કહૃાું કે આ આફતની ઘડીમાં કેન્દ્ર સરકાર રાજ્યની સાથે મજબૂતીથી ઉભી છે.

દહેરાદૂનમાં આ દુર્ઘટના બાદ, જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ૈંઇજી સિસ્ટમ સાથે જોડાયેલા વિભાગો પણ સક્રિય થઈ ગયા છે. મંગળવારે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૃ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહૃાું છે. બીજી બાજુ, મસૂરીમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે, મસૂરી દેહરાદૂન પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ થઈ ગયો છે.

દહેરાદૂનનાં માલદેવતા નજીક સોંગ નદીનું વિકરાળ સ્વરૃપ જોવા મળી રહૃાું છે. નદી બેકાબૂ ગતિએ વહી રહી છે, પુલ તૂટી પડ્યા છે. હવામાનને  ધ્યાનમાં રાખીને, આજે ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીની બધી શાળાઓ બંધ કરવામાં આવી છે. આ સિવાય ઋષિકેશમાં પણ ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું છે. પાણી હાઇવે સુધી પહોંચી ગયું છે. ઘણા વાહનો અને લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા છે. એસડીઆરએફ ટીમે ચંદ્રભાગા નદીમાંથી ત્રણ લોકોને બચાવ્યા છે.

ટપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ૧-૨ ફૂટ કાટમાળ જમા થયો હતો. મંદિર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. આઈટી પાર્ક દેહરાદૂન પાસે રસ્તાઓ પર વાહનો રમકડાંની જેમ તરતા જોવા મળ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh