Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી આર્થિક પરિસ્થિતિના કારણે બે વ્યક્તિએ કરી આત્મહત્યાઃ
જામનગર તા. ૨૯: ધ્રોલના એક વૃદ્ધે પોતાના પુત્રોના લગ્ન થતાં ન હોવાથી તેની ચિંતામાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. ભાવાભી ખીજડિયા ગામના વૃદ્ધે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે. ધ્રોલના માણેકપરમાં શ્રમિક યુવાને પોતાના તરૂણ વયના ભાઈનેે કામ તથા ગરબી જોવા બાબતે ઠપકો આપતા આ તરૂણીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. ઉપરાંત દ્વારકાના પ્રૌઢે આર્થિક ભીંસથી અને સગારકાના યુવાને નબળી પરિસ્થિતિના કારણે કંટાળી જઈ આત્મહત્યા વ્હોરી લીધી છે.
ધ્રોલ શહેરમાં વાછરા દાદાના મંદિરવાળી શેરીમાં રહેતા હર્ષદરાય ધીરજલાલ વલેરા નામના ૭૫ વર્ષના વૃદ્ધે શનિવારે સાંજે ઘરે કોઈ ન હતું ત્યારે મકાનના ઉપરના ભાગમાં આવેલા હોલમાં જઈ ત્યાં છતમાં રહેલા પંખામાં દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં તેમના પરિવારજનોએ આ વૃદ્ધને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજયું છે. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસે મૃતકના પુત્ર સંદીપભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતા હર્ષદરાય પોતાના બંને પુત્રના લગ્ન થતાં ન હોવાના કારણે સતત માનસિક તાણ અનુભવતા હતા અને તેના કારણે થોડા દિવસોથી ગૂમસૂમ રહેતા હતા ત્યાર પછી શનિવારે સાંજે તેઓએ આ પગલું ભરી લીધું છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં વસવાટ કરતા બટુકભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬ર) નામના વૃદ્ધે શનિવારે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં ખસેડ્યા પછી મોડીરાત્રે મૃત્યુ થયું છે. પોલીસે તેમના પત્ની હંસાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ બટુકભાઈ કેન્સરથી પીડાતા હતા. તેના કારણે આ વૃદ્ધે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
ધ્રોલ તાલુકાના માણેકપર ગામની સીમમાં બેચરભાઈ રાઘવજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના વતની પગલીયાભાઈ તેરસિંગ ગોહત્રીયા નામના શ્રમિકના સત્તર વર્ષના ભાઈ ધીર્યાને ગઈકાલે તેઓએ કામ બાબતે તથા ગરબી જોવા બાબતે ઠપકો આપતા આ તરૂણ ગુસ્સે ભરાયો હતો. તેણે પોતાને શોધવા ન આવતા તેમ કહી આ ખેતરેથી જતા રહ્યા પછી તેના શેઢે પહોંચી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. તેના ભાઈ પગલીયાભાઈએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર વસવાટ કરતા અશ્વિનભાઈ શંકરલાલ ગોકાણી (ઉ.વ.૪૬) નામના પ્રૌઢે શુક્રવારે રાત્રે એક વાગ્યાથી સવારના નવ વાગ્યા દરમિયાન પોતાના ઘરના એક ઓરડામાં ઓઢણી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ સવારે પરિવારજનોને થતાં અશ્વિનભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
મૃતકના પુત્ર ક્રિતાર્થ ગોકાણીએ પોલીસને જાણ કરી છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ખૂબ મહેનત કરવા છતાં અશ્વિનભાઈને નસીબ સાથ આપતું નથી તેમ લાગ્યા કરતું હતું અને થોડા વખતથી ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નબળી બની ગઈ હોવાથી અશ્વિનભાઈ ચિંતા કરતા હતા તેના કારણે શુક્રવારની રાત્રે એક વાગ્યા પછી તેઓએ ગળાટૂંપો ખાઈ લીધો છે.
ખંભાળિયા તાલુકાના સગરીયા ગામમાં રહેતા હેમતભાઈ કરશનભાઈ ભાટીયા નામના વેપારી હાલમાં ધંધામાં મંદી અનુભવતા હતા અને આર્થિક ભીંસના કારણે તેઓએ સગા-સંબંધીઓ પાસેથી હાથઉછીની રકમ પણ મેળવી હતી. તે રકમ પરત ચૂકવી શકાતી ન હોવાથી હેમતભાઈએ શુક્રવારે રાત્રે કારાભાઈ નામના ખેડૂતના ખેતરે જઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી શનિવરે રાત્રે તેમનુું મૃત્યુ થયું છે. મેરામણભાઈ ભાટીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial