Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને અમદાવાદીઃ બપોર પછી વિધિવત બિનહરિફ ઘોષિત થશે
ગાંધીનગર તા. ૩: આજે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતીય જનતા પક્ષના નવા પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ ઉમેદવારી નોંધાવી છે. એકમાત્ર ફોર્મ ભરાયું હોવાથી બપોર પછી વિધિવત્ જાહેર થશે જગદીશ પંચાલને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. મુખ્યમંત્રી પછી હવે પ્રદેશ ભાજપ પ્રમુખ પણ અમદાવાદના છે, અને ઓબીસીના દિગ્ગજ નેતા પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
ગુજરાત ભાજપને જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહૃાા છે. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. જોકે હજુ સુધી પક્ષ તરફથી કોઈ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીતવાની વિધિવત જાહેરાત બપોર પછી થઈ જશે.
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઇ રહૃાો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
જગદીશ પંચાલ ટેક્સટાઈલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે ૧૯૯૮ માં બુથ ઈન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની ૨૦૨૧ની ચૂંટણી જીત્યો હતો.
આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી હોય તેમ જણાય છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.
ગઈકાલે ૨ ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો હતો. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે.
આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા, અને બપોર પછી તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને ૧૧મા પ્રમુખ મળશે. ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના ૨૯૨ સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ ૨૯૨ સભ્ય રાષ્ટ્રીય પરિષદના ૨૯ સભ્યની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial