Advertisement
Author: નોબત સમાચાર

આજે રાષ્ટ્રીય એકતા દિવસ... સરદાર પટેલને કોટિ કોટિ વંદન...

                                                                                                                                                                                                      

આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતીએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ કેવડિયાના એકતાનગરમાં પહોંચ્યા છે અને ગઈકાલે રૂ. ૧૨૧૯ કરોડથી વધુ રકમના વિકાસ ર્પ્રોજેકટોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે સવારથી પ્રજાસત્તાક દિન ફેઈમ વિવિધ ઝાંખીઓ સાથે એકતા પરેડ યોજાયા પછી શ્રેણીબદ્ધ કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં દેશના સર્વોચ્ચ નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યા છે.

આજ થી દોઢ સદી પહેલા આ મહામાનવનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને બ્રિટિશ સલ્તનત સામે લગભગ બે સદી સુધી ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પછી મળેલી આઝાદી તોઓએ ભારતમાં રાજા-રજવાડા-કબીલાઓને ભારતમાં સામેલ કરીને એક અને અખંડ ભારતનું સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું સાકાર કર્યું હતું. તેથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી પણ ઉજવાઈ રહી છે, ત્યારે આપણે સૌ આ અખંડ ભારતના રચિયાતા અને દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ.

આજે એકતાનગરમાં ભારતીય વાયુસેનાના કરતબો, બીએસએફ દ્વારા ડોગ શો, સ્કૂલ બેન્ડ, બ્રાસ બેન્ડ, ઘોડા, ઊંટ અને શ્વાન દળોનું નિદર્શન, ડેર ડેવિલ રાઈડર્સ શો, મહિલાઓના માર્શલ આર્ટ સાથે પરેડ યોજાઈ અને વિવિધ સુરક્ષાદળો, અર્ધસૈન્ય દળો અને સેનાની પાંખો દ્વારા રજૂ થયેલા દેશભક્તિથી તરબતર અને ભારતની તાકાત દર્શાવતા વિવિધાસભર કાર્યક્રમોએ ગરિમામય આકર્ષણ જમાવ્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને અદ્ભુત રીતે રજૂ કરતા નાટક "લોહપુરૂષ"ની પ્રસ્તૂતિએ સૌને ગદ્ગદીત કરી દીધા હતા. દેશના વિવિધ રાજ્યોની વિવિધતાઓ, વિકાસ, સંસ્કૃતિ અને ઈતિહાસ વગેરેને સાંકળતુ એકઝીબિશન પણ અહીં ૧૫ દિવસ સુધી ખુલ્લું રહેશે. તેવું જાહેર કરાયું હતું. આ કાર્યક્રમોનું જિંવંત પ્રસારણ પણ રાજ્ય અને દેશભરમાં તથા મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોએ નિહાળ્યું હતું.

આજે વિવિધ પ્રકારના પડકારો અને કુદરતના બદલતા ઘટનાક્રમો વચ્ચે ભારતીયોએ સ્વાતંત્ર્ય ચળવળ સમયે હતી તેવી દેશભાવના સાથે ફરીથી એકજૂથ થઈ જવાની જરૂર છે, અને આઝાદી મળ્યા પછી પ્રારંભમાં ઉઠ્યા હતા તેવા ફરીથી ઉઠી રહેલા કેટલાક વાદ-વિવાદોને બાજુ પર મૂકીને નવા પડકારો સામે ટકી રહેવા એકજૂથ થવું પડે તેમ છે. ભાષાવાદ, જાતિવાદ, પ્રદેશવાદ, વર્ગવિગ્રહ, ધર્મ-સંપ્રદાય કે અન્ય ભાવનાત્મક વિવાદોને ટાળીને પરસ્પર સન્માન અને સદ્ભાવ સાથે સહ-અસ્તિત્વ ટકાવી રાખવા મથવું પડે તેમ છે. નફરતના સ્થાને પ્રેમ અને વિવાદના સ્થાને સંવાદ સાધવાની કવાયત હવે વધારવી જ પડે તેમ છે. લોકતંત્રને વધુ મજબૂત કરીને ભારતને એક અને અખંડ રાખવા ફરીથી સરદાર પટેલની વ્યૂહાત્મક રણનીતિ અપનાવવી પડે તેમ છે.

બંધારણને સર્વોપરી ગણીને તથા સત્તા, શક્તિ અને સંખ્યાલક્ષી લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં સહભાવ, સૌજન્યતા અને સંયમની જરૂર છે. ઘમંડ અને ગાલી-ગલોચની ભાષાના સ્થાને તાર્કિત અને તથ્યપૂર્ણ પ્રસ્તૂતિ સાથે પ્રશંસા કે ટીકાઓ અથવા સહમતિ અને અસહમતિના અધિકારોનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકતંત્રમાં સત્તાનો ઘમંડ સ્વીકાર્ય પણ નથી અને સારા પરિણામો પણ લાવતો હોતો નથી, તેવી જ રીતે બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદીનો દુરૂપયોગ કે સભ્યતા અને સુરૂચિનો ભંગ કરે તેવી હરકતો પણ સ્વીકાર્ય ગણાતી નથી. ચૂંટણી પ્રચાર સમયે તો સંયમ અને સૌજન્યતા સૌથી વધુ જરૂરી હોય છે, કારણ કે ભારતની ૭૫ વર્ષ ઓળંગી ગયેલી આઝાદી પછી દેશની જનતા હવે એટલું તો શિખી જ ગઈ છે કે ક્યારે, કોને, કેટલો જનાદેશ આપવો, ક્યારે અને કોને સત્તાના સિંહાસને બેસાડવા અને ક્યારે અને કોને સત્તા પરથી ફેંકી દેવા...

અત્યારે એક તરફ ટ્રમ્પ ટેરિફનો આતંક વધી રહ્યો છે, તો બીજી તરફ પડોશી આતંકવાદી દેશની હરકતો બદલતી નથી. ભારતની ફરતે ચીન, બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ઘેરાબંધી કરી રહ્યા છે, તો હવે અમેરિકા (ટ્રમ્પ) પણ આડુ ફાટ્યું છે. રશિયા જુનુ મિત્ર છે, એ ખરૃં, પરંતુ તેની ક્ષમતા અને ભૂમિકા પણ હવે વૈશ્વિક પ્રવાહો, યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથેના ઠંડા યુદ્ધના કારણે ડગમગી રહી છે, આ સંજોગોમાં આપણે હવે એક અને અતૂટ જ રહેવું પડે તેમ છે. ભારત આઝાદ થયા પછી અવરિત પ્રગતિ કરતું રહ્યું, તબક્કાવાર સ્વાવલંબી બનતું રહ્યું, વિકસતું રહ્યું, સમૃદ્ધ બનતું ગયું અને આજે વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં પહોંચ્યું છે, ત્યારે ભારતથી આગળની હાલની મહાસત્તાઓ અમેરિકા, ચીન વગેરેને તે ગમતું નહીં હોય, તેથી તેઓ પણ હવે ભારત સામે એકજૂથ થઈ રહ્યા છે અને ટ્રમ્પ-જીનપીંગે હાથ મિલાવ્યા છે, તેથી ભારતે હવે ચેતવા જેવું છે.

સ્વાતંત્ર્યની ચળવળ સમયે ગાંધીજીએ માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક આઝાદીની વાત પણ કરી હતી. ભારત આઝાદ ભલે થયું, પરંતુ હવે આબાદ કરવાનો પડકાર છે, તેવો સંદેશ પણ અપાયો હતો, ગાંધીજીની સ્વદેશીની ચળવળ આગળ વધારવાના બદલે આપણે ધીમે-ધીમે "મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિશ્તાની" જેવી ફિલ્મી પંક્તિઓમાં પડઘાતી આઝાદી પછીના દાયકાઓની સ્થિતિ મુજબ વિદેશી વસ્તુઓ અપનાવતા થઈ ગયા, તેના કારણે જ આજે આપણે ટ્રમ્પ જેવા તરંગી તિક્કડબાજના ટેરિફ સામે ઝઝુમવુ પડી રહ્યું છે અને ચીન જેવા દગાબાજ પડોશી દેશ સાથે પણ મોટા પાયે વ્યાપાર કરીને ત્યાંથી ઘણી વસ્તુઓની આયાત કરવી પડી રહી છે.

નહેરૂ, સરદાર પટેલ અને ગાંધીજી જેવા મહાપુરૂષો આઝાદી પછી તબક્કાવાર પહેલા પ્રેરણાના પાત્રો હતા તે ધીમે ધીમે રાજકીય પ્રચારના માધ્યમો બની ગયા અને ચૂંટણીઓ જીતવા માટેના ઓજારની જેમ તેઓનો ઉપયોગ થવા લાગ્યો, તે આપણી કમનસીબી જ છે ને ? સરદાર વલ્લભભાઈ પટેલ ને કોટિ કોટિ વંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh