Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-પોરબંદરને જોડતી બે ટ્રેનોનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કરાવ્યુ પ્રસ્થાન

ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદો, ધારાસભ્યો, મહાનુભાવો તથા અગ્રગણ્યોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૫ઃ રાજકોટ-પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને ગઈકાલે રાજકોટ રેલવે સ્ટેશનથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ નવી ટ્રેનોના આરંભથી પોરબંદર, જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના ક્ષેત્રોને પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ભારત સરકારના કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવીયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા,  સંસદસભ્ય પૂનમબેન માડમ, માનનીય સંસદસભ્ય રામભાઈ મોકરિયા તથા અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા ગઈકાલે રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૃઆતમાં રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામ ગણમાન્ય અતિથિઓનું સ્વાગત કર્યું. પોતાના ઉદ્બોધનમાં તેમણે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, સંસદસભ્ય પૂનમબેન માડમ, સંસદસભ્ય રામભાઈ મોકરિયા તથા અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા રેલ સુવિધાઓ વધારવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પોતાના ઉદ્બોધનમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની શરૃઆત થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકાસને વધુ ગતિ મળશે અને મુસાફરોને મહત્તમ સુવિધા અને સુલભ મુસાફરીનો લાભ મળશે.

તેમણે અને મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજકોટ-પોરબંદર ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી બેસીને પોરબંદર સુધીની મુસાફરી કરી, જ્યાં ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ સ્ટોપેજ પર સ્થાનિક પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તથા નવી ટ્રેન શરૃ થવાની ખુશી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અંગે પૂનમબેન માડમે પ્રતિભાવ આપતા જણાવ્યુ છે કે આ ટ્રેનોથી હાલાર, પોરબંદર સહિતના ક્ષેત્રોના લોકોને લાભ મળશે.

રાજકોટ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યો રમેશ ટીલાળા, ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, જિતેન્દ્ર રાદડિયા, મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા બીજેપી પ્રમુખ અલપેશભાઈ ઢોલરિયા, રાજકોટ શહેર બીજેપી પ્રમુખ ડો. માધવ દવે, રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને અન્ય ગણમાન્ય અતિથિઓ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતાં.

રાજકોટ અને પોરબંદર વચ્ચે શરૃ કરાયેલી આ બે નવી લોકલ ટ્રેનોની વિગતો જોઈએ તો ટ્રેન નંબર ૫૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૮.૩૫ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૫ વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ પોરબંદરથી ૧૪.૩૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૧૮.૫૫ વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.

ટ્રેન નંબર ૫૯૫૬૩ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે ૧૪.૫૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૨૦.૩૦ વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૪ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭.૫૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૩૫ વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.

ઉપરોક્ત તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે.

તમામ ટ્રેનોના બધા કોચ જનરલ એટલે કે અનારક્ષિત હશે, તેમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh