Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૧-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિક પરિણામો નબળા અને અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ દર્શાવતા આવ્યાની સાથે વૈશ્વિક વ્યાપાર પરિસ્થિતિઓ અનિશ્ચિત રહેવાને કારણે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લગાવવાનો નિર્ણય લેતા અને ૨૫% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી અંદાજીત ૮૭ અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ઉપરાંત, ભારત સાથે ભવિષ્યમાં ટ્રેડ ડિલ થઈ શકે એવી ચર્ચાઓ વચ્ચે હજી સુધી સ્પષ્ટતા ન હોવાને કારણે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચાવલી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૯%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૩% ઘટીને અને નેસ્ડેક ૦.૧૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૫ અને વધનારની સંખ્યા ૫૫૫ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ઝોમેટો લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા સ્ટીલ અને આઈટીસી લિ. જેવા શેરો ૧.૦૦% થી ૦.૦૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનોલોજી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાટા મોટર્સ જેવા શેરો ૧.૫૦% થી ૦.૮૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૮૧૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૧૫૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૯૭૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૮૧૦૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૨,૧૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૧૦૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૧,૩૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૮૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૧,૩૯૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને પીએસયૂ બેંકો જેવા સેક્ટરોમાં તેજી જોવા મળવાની શક્યતા છે. ચોમાસાની મજબૂત પ્રગતિથી કૃષિ આધારિત ઉદ્યોગોને મોટો ફાયદો થઈ શકે છે, જ્યારે સરકારના મજબૂત રોકાણ અને નીતિ આધારિત પગલાંઓના કારણે ઈન્ફ્રા અને પાવર સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. ઓટો સેક્ટરમાં તો ખાસ કરીને ફેસ્ટિવ સીઝનને લઈને રિટેલ ડિમાન્ડમાં વધારો થવાનો અંદાજ છે, જેના પરિણામે વેચાણ અને ઉત્પાદન બંનેમાં વૃદ્ધિ થઈ શકે છે.
બીજી તરફ, આઈટી અને કેમિકલ સેક્ટરોમાં ઘટાડાનો માહોલ રહી શકે છે કારણ કે પશ્ચિમી દેશોમાં ઓર્ડરોની ધીમી ગતિ, માર્જિન પ્રેશર અને વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા આ સેક્ટરોની વૃદ્ધિમાં અવરોધ બની શકે છે. ફાર્મા સેક્ટર હાલમાં સંતુલિત સ્થિતિમાં છે. કારણ કે નોન-યુએસ બજારોમાં વધી રહેલી સ્પર્ધા અને મિશ્ર પરિણામો વિકાસને મર્યાદિત રાખી શકે છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨% નો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ ૧૨%નો વધારો થયો હતો. રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે. સપ્ટેમ્બર ૨૦૨૪ પછીના તીવ્ર ઘટાડાએ શેરબજારનું સેન્ટીમેન્ટ નબળું પાડતા આ વર્ષે રોકાણકારોના જોડાણમાં ઘટાડો થયો છે.
ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) પણ નવા રોકાણકારો ઉમેરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ સેગમેન્ટમાં પણ મંદી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ ૨૫ એક્ટિવ ઇક્વિટી સ્કીમો શરૂ કરી છે, જે ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૩૦ હતી. એનએફઓ કલેક્શન આ સમયગાળામાં રૂ.૩૭,૮૮૫ કરોડથી ઘટીને રૂ.૧૦,૬૯૦ કરોડ થયું છે. મંદીના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે અને નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ છતાં હાલના રિટેલ રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે અને આગામી સમયમાં મજબૂતી અકબંધ રહેશે તેવી બજાર નિષ્ણાંતોને અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial