Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, ખંભાળિયા, ભાણવડ સહિતના શહેરમાં કૂતરાઓનો અસહ્ય ત્રાસઃ
જામનગર તા. ૮: જામનગર હોય કે ખંભાળિયા કે પછી ભાણવડ હોય, લગભગ દરેેક ગામ-શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે અતિશય વધી જવા પામ્યો છે. આ કૂતરરાઓના કરડવાના, વાહનો પાછળ ભસતા-ભસતા દોડી વાહનચાલકોને પછાડી નાની-મોટી ઈજા કરનારા કૂતરાઓના ત્રાસ-આતંકની સમસ્યા હવે ચરમ સીમાએ પહોંચી ગઈ છે.
દરરોજ કોઈને કોઈ સ્થળે કૂતરાએ બચકાં ભર્યા, નાના બાળક કે વૃદ્ધ પર હુમલો કર્યો જેવા સમાચારો પ્રસિદ્ધ થાય છે. તેમાં ય તાજેતરમાં જ જે બે-ત્રણ કિસ્સા બન્યા તે તો 'માનવ હત્યા' જ ગણી શકાય તેવા ગંભીર અન ચિંતાજનક બનાવોએ લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે.
આવા રખડતા રોગીષ્ટ, હડકાયા કૂતરાઓ પ્રત્યે લોકોમાં અને ખાસ કરીને જે-જેે લોકો કૂતરાઓના ત્રાસનો ભોગ બન્યા છે તેમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.
આવા સંજોગોમાં જીવદયા માટે સેવા કરતી સંસ્થાઓની સૌથી મોટી જવાબદારી છે કે 'જીવદયા'ની વ્યાખ્યામાં માનવ જિંદગી પણ 'જીવ' ગણાય છે. માનવ જીવનનું મૂલ્ય કોઈપણ પશુ કરતા કરોડો-અબજો ગણું જ છે. કૂતરાઓ-ખૂંટિયાઓના જીવની પરવાહ કરનારાઓએ માનવ જીવના મૂલ્યને જ સૌથી વધુ મહત્ત્વ આપવાની જરૂર છે.
ખંભાળિયા-ભાણવડની વાત કરીએ તો એનિમલ કેર અને એનિમલ લવર્સના નામે સંસ્થાઓ ચાલે છે. ગૌમાતા, નંદી (બળદ), પક્ષીઓ, સર્પ, અજગર વિગેરે માટે સારવાર, રેસ્ક્યુ, સંવર્ધન, ખોરાક પૂરો પાડવો જેવી સેવાકિય પ્રવૃત્તિ ભલે કરે... આવી પ્રવૃત્તિ ખૂબ જ આવકારદાયક અનેે પ્રશંસનીય છે. આ સંસ્થાઓ દ્વારા લગભગ રોજેરોજ કોઈને કોઈ સેવાકાર્યની પ્રસિદ્ધિ નામ જોગ થાય છે, પણ ખરી... અને ક્યારેક આવી સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિ માત્ર પ્રસિદ્ધિ ખાતર થતી હોય તેવી ટીકા અને ચર્ચા પણ થાય છે.
ભાણવડનું એક ઉદાહરણ આ જીવદયા પ્રેમી સંસ્થાઓની આંખ ઉઘાડનારી બની રહે તો સારૂ! ભાણવડ શહેરમાં અંદાજે પોણા બસ્સો જેટલા રખડતા કૂતરાઓનું પોરવાના રોગચાળા સામે રક્ષણ કરવા રસિકરણ અને સારવારની કામગીરી કરવામાં આવી... આ કૂતરાઓમાંથી જ કોઈ કૂતરાએ પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું અને આ સાવ નિર્દોષ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ થયું. આ માનવ હત્યા નથી તો શું છે?
જીવદયાની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના સેવાભાવીઓએ સમાજમાં માનવ જીવનને ભયમાં મૂકનારા, માનવજીવની હત્યા કરનારા પશુઓ પ્રત્યે રહેમદિલી રાખવામાં પ્રમાણભાન સમજવું જરૂરી છે. કૂતરાઓ અને ખૂંટિયાઓને નાથવા માટેની સેવા પ્રવૃત્તિ પણ કરવાની જરૂર છે. આ સંસ્થાઓએ કૂતરાઓના ખસિકરણના કાર્યક્રમ કરવા જોઈએ. કૂતરાઓને માનવવસતિથી દૂર કરવાની પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ખૂંટિયાઓને પકડવાની તંત્રની કામગીરીમાં સહયોગ આપવાની પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ફલાણા વિસ્તારમાં ઈજાગ્રસ્ત ખૂંટિયાની સારવાર કરી, ફલાણા મહોલ્લામાં કૂતરાને પાટાપીંડી કરી, સડેલી ચામડી પર દવા લગાડી દીધી... જેવી સેવા સારવાર ભલે થાય, પણ આ જ કૂતરો કે ખૂંટિયો માનવજીવનને ત્રાસરૂપ ન બને તે જોવાની જવાબદારી પણ આ સંસ્થાઓની છે.
ગૌમાતાની સેવા તો કરવી જ જોઈએ, પક્ષીઓને બચાવી તેની સારવાર યોગ્ય છે, સાપ-અજગરના રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાની સેવા ખૂબ જ સારી છે, પણ કૂતરા અને ખૂંટિયાઓ માટે કરવામાં આવતી સેવા હવે અયોગ્ય પૂરવાર થઈ રહી છે. નિર્દોષ લોકોના જીવ લેનારા, જાન-માલને નુક્સાન કરનારા, જિંદગીભર ખોડખાપણ કરી જાય તેવી ઈજા કરનારા પશુઓ પ્રત્યે દયાભાવ રાખવાની લાગણી હવે આમજનતામાં જ નહીં, પણ મોટાભાગના જીવદયા પ્રેમીઓમાં પણ નામશેષ થઈ રહી છે, ત્યારે કૂતરા-ખૂંટિયાઓની સેેવા-સારવારથી પણ લોકોમાં આવી સંસ્થાઓ પ્રત્યે અણગમો અને છૂપો રોષ ફેલાય તે સ્વાભાવિક છે. શું આ સંસ્થાઓ કૂતરાઓ અને ખૂંટિયાઓને ત્રાસ નહીં આપવાની તાલીમ આપી શકશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial