Advertisement
Author: નોબત સમાચાર

દયારામ લાયબ્રેરીમાં આઠ વર્ષ પહેલાં અધૂરા પાડવામાં આવેલા હોલને ઈમ્પેક્ટમાં રજૂ કરી કાયદેસર કરાવવા તજવીજ

જૂનાની સાથે નવું બાંધકામ પણ કરી લઈ કમાઈ લેવાની પેરવી શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના સતત ધમધમતા રોડ, રણજીત રોડ પર આવેલી દયારામ લાયબ્રેરીનો વહીવટ વર્ષાેથી ચર્ચામાં રહેવા પામ્યો છે. અગાઉ લાયબ્રેરીમાં આવેલી પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલા એક હોલનું આઠ વર્ષ પહેલાં મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યા પછી આ હોલમાં ફરીથી સમારકામ કરવા ઉપરાંત ઉપર  નવા હોલનું નિર્માણ કરી મલાઈ તારવી લેવાનો કેટલાક શખ્સો દ્વારા પ્રયાસ કરાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ વિગત પર પ્રકાશ પાડીએ તો વર્ષ ૨૦૦૮માં દયારામ લાયબ્રેરીના અંદરના ભાગમાં આવેલી પાર્કિંગની જગ્યામાં કોઈની સાંઠગાંઠથી એક મોટો હોલ બનાવી લેવામાં આવ્યો હતો. તે હોલનું બારોબાર વેચાણ કરાયું હતું. તે પછી બાંધકામ અંગેની પરવાનગી મેળવ્યા વગર જ ખડકી દેવાયેલા હોલનું એક આસામીને વેચાણ કરાયું હતું. તે પછી હોલ પર પણ દુકાન બનાવી પૈસા કમાઈ શકાય તેમ છે તેમ જણાઈ આવતા જ જે તે વખતે કેટલાક તત્ત્વોએ હોલ પર બાંધકામ શરૂ કરવાની હિલચાલ શરૂ કરી હતી.

તે દરમિયાન જે પાર્ટીએ હોલ ખરીદ્યો હતો તેઓએ નવું બાંધકામ ન થાય તે માટે અદાલતનો આશરો લેતા વિવાદ વકર્યાે હતો અને ઉભી થયેલી કેટલીક પરિસ્થિતિ વચ્ચે દયારામ લાયબ્રેરીએ જ એટલે કે જે તે વખતના સુત્રધારોએ આડકતરી આ હોલ પાર્કિંગની જગ્યામાં ઉભો કરી દેવામાં આવ્યો છે તેમ સ્વીકારતા આ હોલને પાડી નાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તજવીજ શરૂ કરાઈ હતી અને વર્ષ ૨૦૧૭માં એસ્ટેટ શાખાએ તે હોલનું ડિમોલિશન હાથ ધર્યું હતું.

ડિમોલિશન વેળાએ કોઈની ભલામણ કે અન્ય કારણસર હોલને સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં આવ્યો ન હતો અને કેટલોક ભાગ તોડી નાખી કાર્યવાહી કર્યાનો સંતોષ લઈ લેવામાં આવ્યો હતો. આ અધૂરી પાડતોડના કારણે ભયજનક રીતે કેટલાક પોપડાં લબડી રહ્યા હતા તેનો અહેવાલ પણ જે તે વખતે 'નોબત'એ પ્રસિદ્ધ કર્યાે હતો. તેમ છતાં હજુ સુધી સંપૂર્ણ પાડતોડ કરવામાં આવી નથી.

તે દરમિયાન આ હોલની બાકી રાખી દેવામાં આવેલી પાડતોડનો લાભ ઉઠાવવા ફરીથી કેટલાક તત્ત્વો પટમાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તે હોલને ઈમ્પેક્ટ ફીના નામે ચોપડા પર સમોસુતરો બતાવી, તેની ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવી લેવાની તજવીજ આરંભાયાનું માહિતગાર સુત્રોએ જણાવ્યું છે અને તે કાર્યવાહી અંત સુધી પહોંચવા પણ આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

વધુ મળતી વિગત મુજબ તે હોલને ઇમ્પેક્ટ ફીના નામે કાયદેસર કરાવી લેવાયા પછી તેના પર અન્ય હોલનું બાંધકામ કરવા અને સતત ધમધમતા માર્ગ પર આવેલી દયારામ લાયબ્રેરીની ૧૪ દુકાનો ઉપર ખડકવામાં આવેલી ગેરકાયદે બાંધકામવાળી દસેક દુકાનોને પણ કાયદેસર કરાવી લેવા ઉપરાંત જે ચાર દુકાનની ઉપર બાંધકામ બાકી છે ત્યાં પણ બાંધકામ કરી, તે બાંધકામને જૂનું બતાવી તેની પણ ઈમ્પેક્ટ ફી ભરી દેવા કેટલાક પીઠબળવાળા લોકો તજવીજ કરી રહ્યા છે.

રાજ્ય સરકારના ઈમ્પેક્ટ ફીના કાયદા મુજબ જે બાંધકામ સમ્ટેમ્બર ૨૦૨૨ પહેલા કરાયું હોય તે બાંધકામને ઈમ્પેક્ટમાં મૂકવાની મંજૂરી મળી શકે છે. જો કે, તેને ઈમ્પેક્ટ ફી મેળવી કાયદેસર કરવું કે ન કરવું તેના ગુણ પર નિર્ભર છે પરંતુ મહાપાલિકાને 'કોઈપણ જાતના' ચશ્મા પહેરાવી દઈ આ બાંધકામ કરી લઈ કરોડો રૂપિયા મેળવી લેવાની લાળ કેટલાક તત્ત્વોના મ્હોંમાં ઝરી રહી છે.

પોણા ત્રણ વર્ષ પહેલાંનું બાંધકામ હોય તો જ ઈમ્પેક્ટમાં રજૂ કરી શકાયઃ આસી. ટીપીઓ

આ બાબતે જામનગર મહાનગર૫ાલિકાના આસી. ટાઉન પ્લાનીંગ ઓફિસર ઉર્મિલ દેસાઈ સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું છે કે, સરકારના નિયમ મુજબ જે બાંધકામ તા.૩૦-૯-૨૨ પહેલાં કરવામાં આવ્યું હોય તેને ઈમ્પેક્ટના કાયદા હેઠળ મંજૂરી માટે રજૂ કરી શકાય છે પરંતુ તે પછી કરાયેલું બાંધકામ કે હાલમાં મંજૂરી વગર બાંધકામ કરી તેને ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવી શકાય નહીં. તેઓએ વધુમાં ઉમેર્યું છે કે, રણજીત રોડ પરની જે ૧૪ મુખ્ય દુકાનો છે તે દુકાનો ઉપર ખડકવામાં આવેલી ગેરકાયદે દુકાનો તો ઈમ્પેક્ટ ફી ભર્યા પછી પણ મંજૂર થવાને પાત્ર નથી. કારણ કે તે જગ્યાની બાંધકામની પરવાનગી સિવાયની અન્ય કેટલીક બાબતો પણ ગેરકાયદેસર થવાથી તેને ઈમ્પેક્ટના કાયદામાં રજૂ કરાવી કાયદેસરતા બક્ષી શકાય તેમ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh