Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે એસસીઓ એટલે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટ દરમ્યાન યોજાયેલી ઔપચારિક, વિપક્ષીય અને તમામ સભ્ય દેશોની બેઠકો તથા અન્ય પ્રવૃત્તિઓ, હાવભાવ અને ફોટોસેશન વગેરેનું વિશ્લેષણ કરીને ભારત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવથી સંયુક્ત ઘોષણાપત્રમાં આતંકવાદનો વિરોધ થયો, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ એકલા પડી ગયા અને વડાપ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાનની હાજરીમાં પહલગામ હૂમલાને ટાંકીને કરેલા શાબ્દિક પ્રહારોની જ ચર્ચા થતી રહી હતી અને મોદી-પુતિન-જીનપીંગની નજીકતાના કારણે ટ્રમ્પ તમતમી ઉઠ્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતા.
જો કે, ચીનના સીઈપીસી એટલે કે ચાયના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના મુદ્દે ભારતે વિરોધ કર્યો નહીં, તેથી ભારત પણ આ મુદ્દે એકલું પડી ગયું હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે. આમ, સિલેકટિવ, અલગ-અલગ મુદ્દે બંને દેશોને એસસીઓના તમામ દેશોનું સમર્થન મળ્યું નહોતું. આ ઉપરાંત એસસીઓના ઘટનાક્રમોનો ઉલ્લેખ કરીને કેટલાક વિપક્ષી નેતાઓ પણ તૂટી પડ્યા છે અને મોદી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે શાંઘાઈમાં ચીન સામે ભારત ઝુકી ગયું હોવાનો અભિપ્રાય વ્યક્ત કરતા મોદી સરકારની વિદેશનીતિ સદંતર નિષ્ફળ ગઈ હોવાના પ્રત્યાઘાતો આપ્યા છે.
ચીનનો પ્રવાસ પુરો કરીને વડાપ્રધાન સ્વદેશ પરત ફરી રહ્યા હતાી, તે જ સમયે ભારતમાં સમગ્ર મુલાકાતને લઈને મિશ્ર પ્રત્યાઘાતો આવવા લાગ્યા હતા. એનડીએના નેતાઓ આ મુલાકાતને સફળ ગણાવીને ટ્રમ્પને ટેરિફનો તમતમતો જવાબ મળી ગયો હોવાના દાવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાઈ રહ્યા હતા, તે જ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા પ્રવક્તાઓ આકરી ટીકા કરી રહ્યા હતા. આ કારણે લોકોમાં કનફ્યુઝન પણ ઊભું થયું છે. ભારતનો દબદબો વધે, આપણી કેન્દ્ર સરકારની કૂટનીતિ સફળ થાય, તેથી પ્રત્યેક ભારતીયોની છાતી ગજ ગજ ફૂલે, પરંતુ કેટલીક કડવી વાસ્તવિકતાઓ પણ સ્વીકારવી જ પડે ને ?
દૃષ્ટાંત તરીકે કોંગ્રેસના તજતર્રાર અને આખાબોલા દિગ્ગજ નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયાના માધ્યમથી જે વિસ્તૃત પ્રત્યાઘાતો આપ્યા, તે પણ ગઈકાલથી જ ટોક ઓફ ધ નેશન બન્યા છે. તેમણે લખ્યું છે કે ચીન પર આતંકવાદના મુદ્દે બેવડા ધોરણો રાખવાના આરોપો મુકતા રહેતા વડાપ્રધાન મોદીએ હવે ભારત અને ચીન બંને દેશો આતંકવાદના શિકાર હોવાનું કહ્યું હોય તો તે કહેવાતા હાથી (ભારત) ડ્રેગન (ચીન) સમક્ષ ઝુક્યું હોવાનું તારણ ન નીકળી શકે ?
તેમણે આકરા શબ્દપ્રયોગ કરીને લખ્યું કે ઓપરેશન સિંદૂર દરમ્યાન મોદી જીનપીંગ સાથેની વાતચીતમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધી અંગે એક શબ્દ પણ બોલ્યા નહીં, અને આ હકીકત સેનાના અધિકારીઓ દ્વારા જ જાહેર કરવામાં આવી હતી. શું એ રાષ્ટ્ર વિરોધી વલણ ન કહી શકાય ?
અહીંથી જ નહીં અટકતા જયરામ રમેશે મોદી પર પ્રહારો કરતા કહ્યું છે કે "સ્વયં ઘોષિત ૫૬ ઈંચની છાતી વાળા નેતા (મોદી) હવે પૂરેપૂરા ખુલ્લા પડી ગયા છે. વર્ષ-૨૦૨૦ ના જૂન મહિનામાં પણ તેઓએ ચીનને ક્લીનચીટ આપીને રાષ્ટ્રીય હિતો સાથે બાંધછોડ કરી, તે એક દગાબાજી જ હતી. હવે તિયાનજીનમાં ૩૧ ઓગષ્ટ-૨૦૨૫નો દિવસ કાર્યરતપૂર્ણ અહંકાર માટે "બદનામીના દિવસ" તરીકે યાદ રહેશે."
હકીકતમાં એસસીઓમાં ચીન, ભારત, રશિયા, નેપાળ, માલદીવ, ઈજિપ્ત, તાજિકિસ્તાન, બેલારૂસ ઉપરાંત અન્ય આમંત્રિત દેશોના વડાઓએ પણ ભાગ લીધો હતો અને તે દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ વૈશ્વિક નેતાઓ સાથેની ઉષ્માભરી મુલાકાત અને વાટાઘાટોની ચર્ચા થઈ રહી હતી, જેનો કોંગ્રેસના નેતાએ આ રીતે આકરી ટીકા કરી હતી. તે ઉપરાંત અન્ય કેટલાક નેતાઓએ પણ મોદીનીતિની આલોચના કરી હતી, જેનો ભાજપ તથા એનડીએના નેતાઓએ જોરદાર જવાબ આપ્યો હતો. તટસ્થ નિરીક્ષકોનું માનવું એવું છે કે દેશના હિતમાં ભારતની વાહવાહી થાય, તે વૅૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ આપણાં દેશ માટે ફાયદાકારક હોય શકે, પરંતુ વ્યક્તિગત વાહવાહી કે વ્યક્તિગત વિરોધવાણી દુશ્મનોને પણ લાભ કરાવી શકે છે, તે ભૂલવું ન જોઈએ.
આ પ્રકારના તટસ્થ અભિપ્રાયો એટલા માટે આવ્યા કે અમેરિકાના નવારાએ કરેલા લવારા દરમ્યાન રશિયા સાથે ક્રૂડ ઓઈલના વેપલાનો ફાયદો ચોક્કસ ઉચ્ચ જ્ઞાતિના ભારતીયોને મળી રહ્યો હોવાનું જે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેને કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ સમર્થન આપીને જે કાંઈ કહ્યું, તેના કારણે નવો જ વિવાદ ઊભો થઈ ગયો છે, એટલું જ નહીં, આ પ્રકારના વિવાદોનો ગેરફાયદો દુશ્મનો ઉઠાવી રહ્યા હોવાના અભિપ્રાયો બિનરાજકીય અને ન્યુટ્રલ વિશ્લેષકો દ્વારા પણ વ્યક્ત થયા છે.
બીજી તરફ અમેરિકાની ટ્રમ્પ સરકારના સલાહકાર પિટર નવારોના કેટલાક મનઘડંત આક્ષેપોનો ભારતે જે સત્તાવાર જવાબ આપ્યો છે, તેને સર્વક્ષેત્રિય સમર્થન મળી રહ્યું છે. નવારોને જવાબ આપતા ભારતે ચોખ્ખા ચણક શબ્દોમાં જણાવાયું છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં ભારતે કોઈપણ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. ભારતની ઉર્જાનીતિએ ગ્લોબલ માર્કેટની સ્થિરતા તથા ભાવો પર અંકુશ રાખવામાં મદદ કરી છે. યુક્રેન યુદ્ધ પછી રશિયન ઓઈલની ખરીદી વધી હોવા છતાં ભારતે કોઈ નફાખોરી કરી નથી. યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલા થી જ ભારત વિશ્વનો ચોથો પેટ્રોલિયમ પ્રોડક્શન એક્સપોર્ટ કરનારો દેશ રહ્યો છે., અને તે સમયે જે નફો હતો, તેટલો જ નફો જળવાઈ રહ્યો હોવાથી નફાખોરીનો આરોપ મનઘડંત બેબુનિયાદ અને ગેરમાર્ગે દોરનારો છે.
કેટલાક વિશ્લેષકો એવી ટીકા કરી રહ્યા છે કે ટ્રમ્પ અને નવારો પાયાવિહોણી અને અસ્પષ્ટ, અસત્ય અને ઉટપટાંગ વાતો કરી રહ્યા છે., જ્યારે કેટલાક ગ્લોબલ મીડિયાના વિશ્લેષણો અમેરિકા તરફી તારણો પણ કાઢી રહ્યા છે.
વિશ્વમાં અંધાધૂંધી અને અનિશ્ચિતતાઓના માહોલ વચ્ચે જામનગર, ગુજરાત સહિત દેશમાં ઠેર-ઠેર ઉજવાઈ રહેલા ગણેશોત્સવ તથા આવી રહેલી ઈદની ઉજવણી દરમ્યાન સદ્ભાવ અને શાંતિ જળવાઈ રહે, તેનું ધ્યાન રાખવું પડે તેમ છે અને કેટલાક છમકલાં થયા પછી સરકાર સમાજ અને....આયોજકોએ સતર્ક થઈ જવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial