Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી જન્માષ્ટમીપર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાનું પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે. જિલ્લા અદાલતમાં ચાલતી સુનાવણી હાઈકોર્ટના સ્ટેના કારણે અટકયા પછી હાલ તુરત મેળાના આયોજકો (જામ્યુકો)ને રાહત મળી છે, પરંતુ આખું આયોજન સુપેરે સંપન્ન થઈ જાય, તેની તકેદારી હવે આયોજકો અને સંબંધિત તમામ તંત્રોએ રાખવી જ પડશે.
જામનગરમાં તહેવારોના દિવસો દરમ્યાન ટ્રાફિક વધશે, લોકોની ભીડ વધશે અને પ્રવાસી વાહનોની અવર-જવર પણ વધશે, તેથી આ દરમ્યાન રખડતા ઢોર અને ડોગબાઈટ (કૂતરા કરડવાની ઘટનાઓ)ની સમસ્યા સામે પણ તંત્રોએ વિશેષ વ્યવસ્થા કરવી પડશે.
દેશમાં રખડતા આવારા કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે તેને લઈને સુપ્રિમ કોર્ટે સ્વયં અનુસંધાન (સુઓ-મોટો) સુનાવણી કરીને ત્યાંના (દિલ્હીના) તંત્રો તથા સ્થાનિક પબ્લિકને આદેશો કરવા પડયા છે. હકીકતે સુપ્રિમ કોર્ટના આ આદેશો દિલ્હી કે સુપ્રિમ કોર્ટના પરિસર પૂરતા મર્યાદિત નહીં, પરંતુ દેશવ્યાપી અમલી બને તે માટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને પણ લાગુ થવા જોઈએ, અથવા કેન્દ્ર-રાજ્ય સરકારોએ સુપ્રિમ કોર્ટના આ આદેશોને સ્વયંભૂ લાગુ કરી દેવા જોઈએ, કારણ કે આવારા કૂતરાઓની સમસ્યા દેશવ્યાપી છે અને દેશભરમાં ડોગબાઈટની ઘટનાઓ વધી રહી છે.
આપણા દેશમાં માનવી દ્વારા કોઈપણ અબોલા જીવોનું દમન કે શોષણ ન થાય, તે માટે કાયદાઓ પણ છે અને તેના સંદર્ભે માનવતાવાદી સંસ્થાઓ પણ કાર્યરત છે, પરંતુ જો રખડતા ઢોર કે કૂતરા માનવ-જીવન માટે જોખમરૂપ બને, રેબિઝનો શિકાર બનતા હડકાયા કૂતરા કરડવાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધવા લાગે અને દ્વિચક્રી વાહનો પર જતા, પગપાળા જતા લોકો કે ઘરના આંગણે રમતા બાળકોને કૂતરા કરડી જાય, બાળકોના જીવ જોખમમાં મુકાય, ત્યારે તેને એક જીવલેણ સમસ્યા ગણીને તેનો ઉપાય કરવો જ પડે, જે સુપ્રિમ કોર્ટે સૂચવ્યો છે. સુપ્રિમ કોર્ટે આપેલા નિર્ણય સામે રાજકીય દૃષ્ટિએ તો અવાજ ઉઠાવી શકાય નહીં, પરંતુ માનવીય એન્ગલ સાથે કેટલાક લોકોએ જે કાંઈ કહ્યું છે, તે આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદીના ભાગરૂપે કહેવા તેઓ સ્વતંત્ર છે, પરંતુ જનભાવનાઓ એવી છે કે સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય ગુજરાત સરકાર સહિત દેશભરની સરકારોએ પણ અમલી બનાવવો જોઈએ.
સુપ્રિમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દે સુપ્રિમ કોર્ટના પરિસરમાં ખુલ્લામાં વધેલો ખોરાક (એઠવાડ) નહીં ફેંકવા અલાયદો આદેશ કરવો પડ્યો, તે આપણી બધાની ખોટી આદતો કે લાપરવાહી પણ ઉજાગર કરે છે. ખુલ્લામાં એઠવાડ તે અન્ય ખાદ્યચીજો ફેંકવાથી આવારા કૂતરાઓ ત્યાં મંડરાતા રહે છે. સુપ્રિમ કોર્ટે તો કચરા ટોપલી કે કન્ટેનરમાં પણ ખુલ્લો નહીં ફેંકવા તથા ઢાંકણાવાળા કન્ટેનરો વાપરવાનો નિર્દેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે રખડતા શ્વાનો કરડવાથી હડકવા થવાના કેસો વધી રહ્યા હોવાનું જણાવી માત્ર દિલ્હી એનસીઆરમાં જ ૫૦૦૦ શ્વાનો માટે અલગ આશ્રયસ્થાનો બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેનું સુઓ-મોટો (સ્વયંભૂ અનુસંધાન) લઈને ગુજરાત સરકાર સહિતની સરકારો તથા જામનગર સહિતની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ-પંચાયતોએ પણ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ.
સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે રખડતા કૂતરાઓને પકડીને એકત્રિત કરવાની પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ કે સંગઠન આડે આવે તો તેની જાણ સુપ્રિમ કોર્ટને કરવી. મીડિયા રિપોર્ટ મુજબ બેન્ચે એવી ટિપ્પણી પણ કરી કે તથાકથિત પશુપ્રેમીઓ રેબિઝ (હડકવા) નો શિકાર બનેલા બાળકોનું જીવન પાછું આપી શકશે ?
સુપ્રિમ કોર્ટના આ ફેસલાની ચર્ચા જામનગર, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પણ થઈ રહી છે, કારણ કે આપણા વિસ્તારોમાં પણ બાળકોને કરડી ખાતા અને જીવલેણ હૂમલો કરતા આવારા કૂતરાઓની સમસ્યા વધુ ને વધુ વકરી રહી છે અને આવી ઘટનાઓ જ્યારે સોશ્યલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી દૃશ્યમાન થાય, ત્યારે અરેેરાટી વ્યાપી જતી હોય છે.
આ સમસ્યા પગપાળા કે દ્વિચક્રી-ત્રિચક્રી વાહનોમાં અવર-જવર કરતા લોકોને જ વધુ કનડગત કરતી હોય છે અને શેરી-મહોલ્લાઓમાં શાળાઓએ જતા વિદ્યાર્થીઓ કે રમતા બાળકો માટે જોખમી બનતી હોવાથી લકઝરીયસ જીવન જીવતા અને એરકન્ડીશન ગાડીમાંથી નીચે પગ પણ નહીં મુકતા ધનાઢયો તથા સુરક્ષાના ઘેરા વચ્ચે ચાલતા વીવીઆઈપી મહાનુભાવોને ગૌણ લાગતી હશે, પરંતુ દેશની બાકીની સવાસો કરોડ જેટલી જનસંખ્યા માટે આ સમસ્યા હવે જીવલેણ બની રહી છે, તેથી રખડતા કૂતરા અને આવારા આખલાઓના નિયંત્રણ માટે હવે મ્યુનિસિપાલટીઓ અને રાજ્ય સરકારો સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશને ઝડપભેર આપણે ત્યાં પણ સ્વયંભૂ અમલમાં મૂકે, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે.
સુપ્રિમ કોર્ટ બિહારમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણીપંચની તરફેણમાં સ્પષ્ટ ટિપ્પણીઓ કર્યા પછી હવે તેનું સન્માન કરીને સંસદમાં અન્ય ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા થવી જરૂરી છે. અન્યથા અત્યારે મહત્ત્વપૂર્ણ બીલો હોબાળા વચ્ચે બહુમતિથી પાસ થતા રહેશે અને પાછળથી તેના સંદર્ભે વાંધા-વચકા કાઢવાનો કોઈ મતલબ નહીં રહે, તેવી વ્યાપક જનભાવનાઓ પણ આજે ચર્ચામાં ેછે.
સિક્કાની બીજી બાજુની જેમ પશુપ્રેમીઓ તથા જીવદયાપ્રેમીઓની વાત પણ સાંભળવી પડે, તેથી રખડતા કૂતરાઓ અને આવારા આખલાઓને પૂરેપૂરા સન્માન સાથે કાળજીપૂર્વક આશ્રયસ્થાનોમાં ખસેડીને તેની દેખભાળ તથા માનવીય અભિગમની સેવાકીય પ્રક્રિયાઓમાં તેઓને તથા આ પ્રકારની અઘરી માનવતાવાદી પ્રવૃત્તિઓ કરતા સંગઠનોને પણ સાંકળવા જોઈએ અથવા જવાબદારી સુપ્રત કરવી જોઈએ, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial