Advertisement
Author: નોબત સમાચાર

ધરમૂળથી ફેરફાર થાય કે આખી સરકાર બદલાઈ જાય, તહેવારો ટાણે પબ્લિકનું ધ્યાન રાખજો...

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવારો નજીક આવતા જ બજારોમાં રોનક આવી ગઈ. બજારોમાં ખરીદી કરવા ઉમટેલા લોકોની ભીડ જામવા લાગી. ગૃહિણીઓએ ઘરની સાફસફાઈ કરીને દિવાળીને ઉમંગભેર આવકારવાની તૈયારીઓ કરી. રમા એકાદશીથી જ દરરોજ અલગ-અલગ રંગોળીઓ કરવામાં માટેની ડિઝાઈનો આજથી જ તૈયાર થવા લાગી છે.

વેકેશન પડતા જ બહાર હરવા ફરવા જવા માટે ટૂર પેકેજ પસંદ કરીને લોકો પ્રવાસે નીકળ્યા, તો વાહનો, બસ-રેલવે અને ફલાઈટ્સના બુકિંગ થવા લાગ્યા, અને ગામડાઓમાં આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ મુજબ ઉમંગભેર દિવાળીના તહેવારો ઉજવવાની તૈયારીઓ પણ થવા લાગી.

જામનગર મહાનગરપાલિકા પણ આગામી દિવાળીના તહેવારોના સંદર્ભે નગરમાં સાફસફાઈ, સ્ટ્રીટ લાઈટ, માર્ગો તથા હરવા-ફરવાના સ્થળો અને બાગ-ગીચાઓની સફાઈ અને તેના ટાઈમીંગના સંદર્ભે જરૂરી આયોજનો કરી જ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારોમાં એટીએમસીની સિટીબસોમાં લોકો માટે જે નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરી છે, તેવી જ રીતે જામનગરની મહાનગરપાલિકા પણ નગરજનો તથા જામનગરમાં ખરીદી માટે તથા હરવા-ફરવા આવતા લોકો માટે ત્રણ-ચાર દિવસો માટે આવી વ્યવસ્થા કરી શકે છે. આમ પણ સિટીબસોના કોન્ટ્રાક્ટની શરતો મુજબ નિયત કરેલી રકમ તો પબ્લિક મનીમાંથી ચુકવાય જ છે, ત્યારે તહેવારો ટાણે આ તમામ સિટીબસો લોકોને ઉપયોગી બને તો તેમાં ખોટું શું છે ?

આપણા નગરમાં સિટીબસોનું ચલણ ઓછું છે, તેવી પાછળના કારણો અલગ છે, પરંતુ જો સિટીબસોનું નિયત ચુકવણું કોન્ટ્રાક્ટરને કરવું જ પડતું હોય અને બસો ખાલી દોડતી હોય તો વાર-તહેવારે ફ્રી સેવા આપીને તથા રાષ્ટ્રીય પર્વો અને વિશેષ દિવસો હોય ત્યારે પણ નિઃશુલ્ક સેવા આપીને આ સેવાને લોકપ્રિય બનાવી શકાય તેમ છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો આ પ્રકારના નિર્ણયો લેવાતા હોય તો જામનગરમાં તો આ દિશામાં વિચારીને આ દિવાળીના તહેવારોથી જ તેનો અમલ કરી શકાય તેમ છે.

આ ઉપરાંત મોટા શહેરો તથા યાત્રાધામોમાં સ્થાનિક પરિવહન, રિક્ષા, ટેકસી, ખાણીપીણી, ભોજન અને નિવાસની સગવડોમાં નફાખોરી (ઉઘાડી લૂંટ) ન થાય, તે માટે રાજ્યકક્ષાએથી, જિલ્લા તંત્રો દ્વારા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કડક અભિગમ અપનાવાય અને તહેવારોમાં પણ સતત ચેકીંગ કરીને ઉઘાડી લૂંટ કરતા પરિબળો સામે કડકમાં કડક કદમ ઉઠાવાય તે પણ એટલું જ જરૂરી છે. તહેવારો ટાણે પ્રો-પબ્લિક અભિગમ અપનાવીને તમામ વ્યવસ્થાઓ ગોઠવાય અને ગરીબ-મધ્યમવર્ગોને કેન્દ્રમાં રાખીને જરૂરી પ્રબંધો તથા નિયમનો-નિયંત્રણોની અમલવારી ચૂસ્તપણે થાય, તે અત્યંત જરૂરી છે. તહેવારો દરમ્યાન ટ્રાફિક નિયમન, ભાવ બાંધણા, ચેકીંગ અને વ્યવસ્થાપન થવાની સાથે સાથે નાના વ્યાવસાયિકો-ધંધાર્થીઓની રોજીરોટી પર વિપરીત અસર ન પડે કે રોજગારી છીનવાઈ ન જાય, તેનું બેલેન્સ પણ જાળવવું જ પડે. ટૂંકમાં 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' નો મંત્ર કેન્દ્રમાં રાખીને પ્રામાણિકપણે તથા પારદર્શક ઢબે તમામ વ્યવસ્થાઓ થવી જોઈએ, એટલું જ નહીં, રાજકીય કે અન્ય બાબતોની કોઈપણ વિપરીત અસર તહેવારોની ઉજવણી પર પડે નહીં, શાંતિ-સૌહાર્દ જળવાઈ રહે અને લોકો મૂક્તમને નિડરતાથી તહેવારોની મજા માણી શકે, તેવા પ્રબંધો થવા જોઈએ, અને કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાઓ અને સાર્વત્રિક શાંતિ જળવાઈ રહેવા જોઈએ.

આવતીકાલે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ સાથે વિસ્તરણ થવાનું છે અને અટકળોનું બજાર ગરમ છે, ત્યારે ભાજપવાળા સંગઠનમાં પણ ધરખમ ફેરફારો કરે, તેવી સંભાવનાઓ છે, અને આજે રાજધાની ગાંધીનગરમાં રાજકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ભલે મંત્રીમંડળ ધરમૂળથી બદલાઈ જાય કે શાસકપક્ષમાં ઉલટફેર થાય, પરંતુ આ દરમ્યાન દિવાળીના તહેવારોમાં પબ્લિકને તકલીફ પડે નહીં અને આ ઉલટફેરની તંત્રો પર અસર પડે નહીં, તેની કાળજી પણ રાખવી પડે તેમ છે.

શાળા-કોલેજોમાં વેકેશન ઉપરાંત વચ્ચેના બે દિવસોની જાહેર રજા સાથે આઠ-દસ દિવસોનુું સરકારી કર્મચારીઓને પણ વેકેશન મળ્યું છે, તેથી પ્રવાસધામો-યાત્રાધામોમાં વધનારી સંભવિત ભીડને ધ્યાને લઈને તંત્રોએ આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને દોડધામ, નફાખોરી, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને પરિવહન, સેનિટેશન, પાણી, વીજ પુરવઠો અને સાફ-સફાઈને લઈને વ્યાપક પ્રબંધો કરવા પડે તેમ હોય, રાજધાનીમાં કોઈપણ ગતિવિધિ થતી હોય, સ્થાનિક કક્ષાએ તેની વિપરીત અસરો પડે નહીં, તે જોવું પડશે.

દર વર્ષે એસ.ટી. નિગમ અને રેલવે તંત્ર દ્વારા દિવાળીના તહેવારોને સાંકળીને જે વધારાની બસો અને ટ્રેનો દોડાવે છે, તેમાં નોંધપાત્ર વધારો કરવો પડે તેમ છે, કારણ કે હવે ગુજરાતમાં લોકલની સાથે સાથે અન્ય રાજ્યો તથા દેશોમાંથી પણ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ વધવા લાગ્યા છે અને તેના કારણે જ પબ્લિક પરિવહન પૂરૃં પડતું નહીં હોવાથી ખૂબજ ધસારો હોય ત્યારે ખાનગી પરિવહનના ક્ષેત્રે નફાખોરી તથા ઉઘાડી લૂંટ થવા ઉપરાંત અસલામત અને જોખમી રીતે પ્રવાસ કરવા લોકો મજબૂર બનતા હોય છે, અને કેટલાક સ્થળે તો બસ કે ટ્રેનની ઉપર બેસીને અને ઠસોઠસ ભરેલા વાહનોમાં, ઊભા ઊભા કે લટકતા લટકતા મુસાફરી કરવી પડતી હોય છે, જેથી જાહેર આરોગ્ય તથા જીવન પર જોખમ ઊભું થતુું હોય છે. તે ઉપરાંત ધક્કામૂક્કી, ભાગદોડ કે તદ્વિષયક તકરારો ગમખ્વાર બની જાય, તેવી સ્થિતિ નિવારવા માટે પણ પૂરતા પ્રબંધો થવા જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh