Advertisement
Author: નોબત સમાચાર

વોટર પાર્ક આવવાની ના પાડનાર યુવાનને એક શખ્સે છરી હુલાવીઃ માટેલ ચોકમાં યુવાનને પાંચ વ્યક્તિએ લમધાર્યાે

કારખાનામાં ઝઘડો ન કરવાનું કહી યુવાનને ધક્કો મરાતા સીડી પરથી ખાબક્યોઃ

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૫: જામનગરમાં ગઈકાલે વોટર પાર્કમાં કેટલાક યુવાનોએ જવાનું નક્કી કર્યા પછી જે રિક્ષામાં જવાનું હતું તે રિક્ષાના ચાલકે ના પાડતા તેના પર તેના જ મિત્રએ છરીથી હુમલો કર્યાે હતો. જ્યારે રામેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં ગઈકાલે બપોરે અમારી વાત કેમ કરશ તેમ કહી પાંચ વ્યક્તિએ એક યુવાનને ધોકાવી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. દરેડમાં એક કારખાનામાં પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી પછી કારખાનેદારે બંનેને બહાર નીકળી જવાનું કહી પતિને સીડી પરથી ધક્કો મારતા પછડાયેલા આ શ્રમિકને માથામાં ઈજા થઈ છે. જ્યારે કાલાવડ પાસે રણુજા ચોકડી નજીક એક યુવાન પર ગઈકાલે ચાર શખ્સે બેટ, ઢીકાપાટુથી હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા ભીમવાસની શેરી નં.રમાં રહેતા કપિલભાઈ મગનભાઈ ગોહિલ તથા તેમના મિત્રો બુધવારે બપોરે એક ઓટો રિક્ષામાં વોટર પાર્ક જવા માટે નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં મિત્રો વચ્ચે મજાક મશ્કરી થઈ રહી હતી. આ વેળાએ કપિલભાઈએ વોટર પાર્ક આવવાની ના પાડતા અને ઘરે જવું છે તેમ કહી રિક્ષા ઘર તરફ પરત ફેરવતા સાથે રહેલા ધીરજ સોલંકીએ પાણી પીને આવું છું તેમ કહ્યું હતું. ત્યારપછી ધીરજે કેમ વોટર પાર્ક નથી આવવું તેમ કહી ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની કપિલભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા ધીરજે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી પેટમાં હુલાવી દીધી હતી. લોહીલોહાણ બની ગયેલા કપિલભાઈને બીજા મિત્રોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા પછી બુધવારે રાત્રે ધીરજ સોલંકી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા મોહસીન રહીમભાઈ ઠેબા બુધવારે બપોરે માટેલ ચોકમાં પાન ખાવા આવ્યા ત્યારે સ્કૂટર પર આવી ચઢેલા ઈન્દ્રજીતસિંહ જયેન્દ્રસિંહ અને મિતરાજસિંહ જયેન્દ્રસિંહે તું અમારી વાતો કેમ કરે છે તેમ કહેતા મોહસીને હું તમારી વાત નથી કરતો તેવો જવાબ આપ્યો હતો તેથી ઉશ્કેરાયેલા ઈન્દ્રજીત અને મિતરાજે ગાળો ભાંડી હતી અને સ્કૂટરમાં રાખવામાં આવેલી તલવાર કાઢી બંને શખ્સે હુમલો કર્યાે હતો. આ વેળાએ બચવા માટે મોહસીને ચીસો પાડતા બંને આરોપી નાસી ગયા હતા પરંતુ તે પછી જયેન્દ્રસિંહ, રાજ, વિરૂ નામના ત્રણ વ્યક્તિ આવ્યા હતા જેમાંથી જયેન્દ્રસિંહે પાઈપ વડે હુમલો કરી મોહસીનને માર મારતા આ યુવાનનો હાથ ભાંગી ગયો છે. તેણે પાંચેય હુમલાખોર સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરમાં શિતલા કોલોનીમાં શાંતિનગરમાં રહેતા હેમંતભાઈ ભીમજીભાઈ ચૌહાણ નામના યુવાન બુધવારે સાંજે રણુજા ચોકડી પાસે હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સ બેટ સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ બેટ તથા ઢીકાપાટુથી હુમલો કરી હેમંતભાઈને માર મારતા તેમનો ડાબો પગ ભાંગી ગયો છે અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે. તેઓએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના વતની અને હાલમાં જામનગર નજીકના દરેડ પાસે એક કારખાનામાં મજૂરીકામ કરી ત્યાં જ વસવાટ કરતા કિરણબેન જવાહરસિંગ કુશવાહ (ઉ.વ.ર૮) નામના મહિલા ગયા સોમવારે રાત્રે પોતાની પુત્રીનો જન્મદિવસ હોવાથી ત્યાં આવેલા એક કારખાનામાં કામ કરતા પોતાના પતિ પાસે ગયા હતા.

આ વેળાએ ત્યાં હાજર પતિ, દિયર અને સાસુએ ઝઘડો શરૂ કર્યાે હતો. થોડા સમય પહેલાં કિરણબેન પોતાના કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરવા માટે ભાગી ગયા હતા. તે બાબત તેણીના પતિ પ્રકાશ ગણપતભાઈને ખટકી હતી. તેથી સોમવારે રાત્રે કિરણબેન જ્યારે પોતાની પુત્રી માટે પતિ પ્રકાશના કારખાને ગયા ત્યારે બોલાચાલી થઈ હતી. આ વેળાએ ત્યાં હાજર અન્ય વ્યક્તિઓએ કારખાનાના માલિક જયદીપ ગિરધરભાઈ તાળાને બોલાવ્યા હતા.

મજૂરો ઝઘડી રહ્યા હોવાની જાણ થતાં ત્યાં આવેલા જયદીપ તાળાએ ઝઘડો ન કરવા કહ્યું હતું તેમ છતાં પ્રકાશ તથા અન્ય વ્યક્તિઓએ ઝઘડો યથાવત રાખતા તમામને કારખાનામાંથી બહાર નીકળી જવા જયદીપે કહીને પ્રકાશનો હાથ ખેંચી સીડી પરથી ધક્કો મારતા આ યુવાન સીડી પરથી પછડાયો છે. જેમાં તેઓને માથાના પાછળના ભાગમાં ઈજા થઈ છે. કિરણબેને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપ તાળા સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh