Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ત્રણેક મહિનામાં ત્રણ જિલ્લામાં છ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાતઃ
જામનગર તા. ૨૩: કાલાવડના મોટા વડાળા ગામના પાટીયા પાસેથી પોલીસે બે પરપ્રાંતીય શ્રમિક તથા તેની સાથે રહેલા કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી પાડ્યા છે. છેલ્લા ત્રણેક મહિનામાં જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાં થયેલી મંદિર ચોરીઓની કરાઈ રહેલી તપાસમાં આ શખ્સો પાસેથી રોકડ, સોનાનો પારો વગેરે મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે શરૂ કરેલી પૂછપરછમાં છ મંદિરમાં ચોરી કર્યાની આ શખ્સોએ કબૂલાત આપી છે. રૂપિયા સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગરના કાલાવડ ગ્રામ્ય પંથકમાં આવેલા મકાજી મેઘપર ગામે વાછરા દાદાના મંદિર તથા મચ્છુમાના મંદિરમાં તેમજ મેલડી માતાના મંદિરમાં પોણા બે મહિના પહેલાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી દાનપેટીઓ તોડી રૂ.૩૨૬૫૦ની રોકડ તથા એક સોનાનો પારો જેની કિંમત ૧૨ હજાર મળી રૂ.૪૪,૬૫૦ની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસ પીઆઈ પી.જી. પનારા તથા સ્ટાફ દ્વારા કરાઈ રહી હતી.
કેટલાક સીસીટીવી કેમેરા ચકાસવા ઉપરાંત પોલીસે જે મેથડથી ચોરી થઈ હતી તેને પણ લક્ષમાં લીધી હતી. કેટલાક સ્થળે કેમેરાના ફૂટેજમાં પરપ્રાંતીય મજૂરો જેવા વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવી હતી. છેલ્લા ત્રણેક મહિનામાં જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં થયેલી મંદિર ચોરીનો અભ્યાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહ્યો હતો. જેમાં એક જ પ્રકારના જેકેટ પહેરેલા કેટલાક શખ્સો પોલીસની આંખે ચઢ્યા હતા.
આવા શખ્સોની કરાઈ રહેલી તપાસમાં કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસે આ વર્ણનના બે શખ્સ બાઈક પર જતા હોવાની બાતમી મળતા ધસી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં પડધરીના જીલરીયા ગામમાં એક ખેતરમાં મજૂરી કરતા જુવાનસિંગ જ્ઞાનસિંગ વસુનીયા ઉર્ફે ભરત તથા હરેશ છીતુભાઈ માવી નામના બે શખ્સ અને કાયદાથી સંઘર્ષિત એક શખ્સને દબોચી લીધા હતા.
આ શખ્સોની તલાશી લેવાતા રૂ.૨૨૫૦૦ રોકડા, સોનાનો પારો, ચાંદીના ચાર નાગ, ધાતુના બે હાર, બે બુટી, ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે બે બાઈક સહિત રૂ.૧,૨૮,૨૦૦નો મુદ્દામાલ ઝબ્બે લઈ આ શખ્સોની પૂછપરછ શરૂ કરતા મંદિર ચોરીના છ ગુન્હાનું ડીટેક્શન થયું છે.
આ શખ્સોએ કિશોરને સાથે રાખી બેએક મહિના પહેલાં ધ્રોલના ગોલીટા ગામના મંદિરની દાનપેટી તોડી રૂ.૧૫ હજાર રોકડા મેળવી લીધાની કબૂલાત ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરીના વીસામણ ગામના એક મંદિરમાંથી ચાંદીના ચાર નાગ, ધાતુના બે હાર, બે બુટી, રૂ.૧૫૦૦ રોકડા ઉઠાવવા ઉપરાંત પાન-મસાલાની એક દુકાનમાંથી ખાણીપીણીનો રૂપિયા દસેક હજારનો સામાન ચોરી કર્યાનું કબૂલ્યું છે. ભાણવડના વેરાડમાં પણ એક મંદિરમાં દાનપેટી તોડવા ઉપરાંત દોઢેક મહિના પહેલાં કાલાવડના મોટા વડાળામાં મહાદેવ મંદિરમાં દાનપેટી તોડવા ઉપરાંત સુરાપુરા મંદિરની પણ દાનપેટીમાંથી ચોરી કર્યાનું જણાવ્યું છે. પડધરીના નાના ખીજડિયામાં દોઢેક મહિના પહેલાં ચોરી કરીને પરત ફરતા આ ત્રણેય વ્યક્તિએ નાની ચણોલ ગામે પાન-મસાલાની દુકાનમાં પણ હાથફેરો કર્યાે હતો. આ શખ્સોની પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ યથાવત રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial