Advertisement
Author: નોબત સમાચાર

ઉ. ભારતમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલને મચાવી તબાહીઃ ગામો ડૂબ્યાઃ સંખ્યાબંધ મૃત્યુ

જામનગર સહિત ગૌરીકુંડમાં ફસાયેલા ૪૭ ગુજરાતીઓ સોનપ્રયાગ રવાનાઃ યમુનાનું પણ રોદ્ર સ્વરૂપઃ દેશની રાજધાનીમાં પૂરઃ ઠેર-ઠેર એલર્ટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: ઉ.ભારતમાં ભારે પૂર, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ અને જલભરાવના કારણે તબાહી મચી છે. અનેક ગામો ડૂબ્યા છે. રાહત-બચાવની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ઘણાં લોકો તથા પશુઓના જીવ ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જામનગર સહિત ગુજરાતના શ્રદ્ધાળુઓ ગૌરીકુંડમાં ફસાયેલા સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.

ઉ.ભારતમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરે વિનાશ વેર્યો છે. દિલ્હીમાં, યમુના નદી ભયજનક નિશાન (૨૦૫ મીટર)થી ૨૦૬ મીટર ઉપર વહી રહી છે. કારણ કે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહૃાું છે. દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦ હજાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલોને ઓનલાઈન વર્ગો ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

યમુનામાં ભારે પૂર

ગંગા બાદ હવે યમુના નદીમાં પૂર આવ્યું છે. તે ભયજનક નિશાનને પાર થઈ ગઈ છે. દિલ્હીથી લઈને આગ્રા, મથુરા સુધી, શહેરોના ઘણાં વિસ્તારો ડૂબી જવાના આરે છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થયા છે.

દિલ્હીમાં યમુના નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે અને જૂના રેલવે પુલ પાસેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કેન્દ્રીય જળ આયોગની સત્તાવાર આગાહી મુજબ, દિલ્હી રેલવે પુલ (ઉત્તર જિલ્લો) પર યમુના નદીનું જળસ્તર હજુ પણ ખતરનાક સ્થિતિમાં છે અને ૨૦૬.૩૬ મીટર સુધી પહોંચી ગયું છે, જે ૨૦૫.૩૩ મીટરના ભયજનક નિશાનથી ૧.૦૩ મીટર ઉપર છે. જળસ્તર હજુ પણ વધી રહૃાું છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે અને ભય વધ્યો છે.

પંજાબમાં પૂરપ્રકોપ

પંજાબમાં પણ પૂરે વિનાશ મચાવ્યો છે. પૂરે ૧૪૦૦ ગામડાઓને ઘેરી લીધા છે. જેના કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થયા છે. રાજ્યમાં ૩,૫૪,૬૨૬ લોકો પૂરથી પ્રભાવિત છે. પંજાબની સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર નદીઓ પૂરના પાણીમાં છે, આ નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં અરાજકતા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહૃાા છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલુ છે.

પહાડી રાજ્યો પ્રભાવિત

પહાડી રાજ્યો ખૂબ જ કચવાટ અનુભવી રહૃાા છે. કાશ્મીર હોય કે હિમાચલ કે ઉત્તરાખંડ, બધાની સ્થિતિ લગભગ સમાન છે કારણ કે ચોમાસું પર્વતો પર અથડાતું રહે છે. સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ તૂટી ગયા છે, પુલ ધોવાઈ ગયા છે અને હાઇવે પર પથ્થરો પડતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગે પહાડી રાજ્યો માટે પૂરની ચેતવણી જારી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદ પડશે. વરસાદને કારણે નદીઓનું પાણીનું સ્તર વધી શકે છે. આજે (૩ સપ્ટેમ્બર) પણ ખરાબ હવામાનને કારણે કાશ્મીર વિભાગમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. ભારે વરસાદને કારણે દક્ષિણ કાશ્મીરમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તરાખંડ પર આફત

ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ચમોલી, દેહરાદૂન, પૌરી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, કિન્નૌર, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ, મંડી, શિમલા, સિરમૌરમાં ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, ડોડા, કઠુઆ, કિશ્તવાર, કુલગામ, પંચ, રામબન, રિયાસી, ઉધમપુર અને લદ્દાખમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને, શાળાઓ બંધ કરવામાં આવી છે. બચાવ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

કુલ્લુના આંતરિક અખાડા બજારમાં ભૂસ્ખલનમાં બે લોકો કાટમાળ નીચે પણ દટાયા છે. આંતરિક કુલ્લુના અખાડા બજાર વિસ્તારમાં મોડી રાત્રે ભૂસ્ખલનની એક મોટી ઘટના બની હતી. એક ઘર પર પડેલા ટેકરીના કાટમાળ નીચે બે લોકો દટાયા છે. ઘટનાની માહિતી મળતાં જ એનડીઆરએફ, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂૂ કર્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નૈનીતાલના ઘણાં વિસ્તારોમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે, પિથોરાગઢના ગંગોલીઘાટ, દહેરાદૂનના મસૂરીમાં પણ ૯૦ મીમીની આસપાસ વરસાદ નોંધાયો છે. આજે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દહેરાદૂન, ઉત્તરકાશી, ચંપાવત, બાગેશ્વર, નૈનીતાલ, ઉધમ સિંહ નગર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ ચારધામ યાત્રા ૫ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. તે જ સમયે, બાગેશ્વર, ઉત્તરકાશી, ઉધમ સિંહ નગર, ચંપાવત, ટિહરીમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.

જામનગર સહિતના સિનિયર સિટીઝનો સોનપ્રયાગ ભણી

ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના ૪૭ સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાઈ ગયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ શ્રદ્ધાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા હતા. જો કે, હવે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય અપાયો હતો. બાદમાં રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા છે.

મળતી માહિતી મુજબ આ શ્રદ્ધાળુઓનું જૂથ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહૃાું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે ફસાઈ ગયું હતું. અહીં સખત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરાઈ હતી.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ફસાયેલા લોકોનો સંપર્ક કરાોય હતો. હાલ તમામ ૪૭ યાત્રાળુ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. વરસાદ બંધ થતાં માર્ગ ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે.

હિમાચલમાં ૧૩૦૦ રસ્તા બંધ, યુપીના ૨૦ શહેરોમાં ભારે વરસાદ

હિમાચલ પ્રદેશમાં ૧૩૦૦થી વધુ રસ્તાઓ બંધ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઘર પડવા અને ભૂસ્ખલનમાં ૮ લોકોના મોત થયા છે. રાજ્યના ૭ જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવી છે. તેમજ, રાજસ્થાનના દૌસાના લાલસોટમાં ડેમ તૂટવાથી જયપુરના ૫થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ

મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૯૭૦.૨૮ એમએમ વરસાદ પડયો છે, જે મોસમના ૧૦૪ ટકા વરસાદ છે, જયારે અત્યાર સુધીમાં ૮૦૦.૧ એમએમ વરસાદની અપેક્ષા હતી. રાજ્યનો સામાન્ય વરસાદ ૯૩૯.૮ એમએમ છે. ગયા ચોમાસાની ઋતુમાં સરેરાશ વરસાદ ૧૧૧૭.૬ એમએમ હતો.

રાજસ્થાનમાં વિનાશ વેર્યો

રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. ૩ સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે. રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. દૌસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે, જ્યાં સેંકડો લોકો ફસાયા છે. પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં એક યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં એક મકાન ધરાશાયી થયું, પાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે. લાલસોટના નાલાવાસ ડેમ તૂટ્યા બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ડેમનું પાણી ગામડાં, ખેતરો અને ઘરોમાં ઘૂસી જતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં, રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં ૫૩ મીમી અને રામગઢ પચવારામાં ૫૦ મીમી થયો છે. આ ઉપરાંત, ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh