Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રાવણ દહન થયું અને અસત્ય પર સત્યના વિજયનો જયજયકાર થયો. જો કે, કોઈ સ્થળે અતિશય ભારે વરસાદના કારણે રાવણ દહન એક દિવસ પાછળ ઠેલવું પડ્યું, તો બીજી કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા ધરાશાયી થઈ ગયેલા રાવણના પૂતળાનું દહન કરવું પડ્યું. આ એક અસાધારણ ઘટનાક્રમ ગણાય, જે ભાગ્યે જ બનતો હોય છે. સામાન્ય રીતે દશેરા સમયે ચોમાસુ પૂરૃં થઈ ગયુ હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ વિવિધકક્ષાએ દુનિયાના ઘણાં દેશો પર જંગી ટેરિફ લાદીને રાવણવૃત્તિ અટ્ટહાસ્ય કરી રહી છે. અને સીતા હરણની જેમ દુનિયાભરની અર્થનીતિનું અપહરણ કરીને રાવણ ફેઈમ શક્તિશાળી અજ્ઞાની મહાસત્તા અહંકારના આકાશમાં ઉડી રહી છે, ત્યારે તેની ગોદમાં બેઠેલા આતંકી વિચારધારાના સ્વરૂપમાં પનપી રહેલા પાક. ફેઈમ પરિબળો પણ નાપાક હરકતો કરી રહ્યા છે. આ આધુનિક રાવણવૃત્તિને હણવા માટે પણ કોઈ ગૂપચૂપ વ્યૂહરચના ગોઠવાઈ ગઈ હોય, તેવું આર્થિક ક્ષેત્રે ચાલી રહેલા કેટલાક આંતરપ્રવાહો જોતાં જણાય છે.
એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને નેપાળ, શ્રીલંકા અને ભૂટાનના વિદેશી નાગરિકોને સરહદ પાર વેપાર વ્યવહારો માટે રૂપિયાના ચલણમાં ધિરાણ આપવાની મંજૂરી આપી છે.
રૂપિયાનું વૈશ્વિકરણ કરીને વધુ સ્વિકૃત અને મજબૂત બનાવવા માટે ટ્રાન્સપરન્ટ સંદર્ભ દર સ્થાપિત કરવાના હેતુથી સ્પેશ્યલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ લેન્સનો વ્યાપ વધારીને તથા કોર્પોરેટ બોન્ડ અને વાણિજિયક કાગળો-દસ્તાવેજોમાં ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ કરવાના કદમ પણ રિઝર્વ બેંકે ઉઠાવ્યા છે.
ઈન્ડોનેશિયન રૂપિયા અને યુએઈના દિરહામ સહિતના ચાર ચલણોને ભારતના રૂપિયાને સાંકળીને સંદર્ભ દર માળખુ મજબૂત બનાવ્યા પછી અન્ય કેટલાક દેશોના ચલણોને સમાવીને દર નિર્ધારણ માટે અન્ય દેશોના સહયોગથી ડોલર પરની નિર્ભરતા ઘટાડીને રૂપિયાના ચલણને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે વધુ સ્વીકૃત અને અસરકારક બનાવવાના આ ઉદૃેશ્યથી આ કદમ ઉઠાવાઈ રહ્યા હોય તેમ લાગે છે.
રિઝર્વ બેંકે ધિરાણ ખર્ચ ઘટાડીને ધિરાણ પ્રવાહ વધારવા, ધિરાણ સંદર્ભે સંભવિત જોખમો ઘટાડવા અને બિન નાણાકીય ક્ષેત્રોને પણ આવરી લેવાના કદમ ઉઠાવાઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો છે. આરબીઆઈ એવા કદમ ઉઠાવી રહી છે કે નિયમ પાલન પણ ચૂસ્તપણે થાય અને તેના કારણે આર્થિક વિકાસમાં અવરોધો પણ આવે નહીં.
એનબીએફસી દ્વારા માળખાકિય ધિરાણનો ખર્ચ ઘટાડવાના કદમ ઉઠાવાયા છે. મર્યાદીત સક્રિય આંતરરાષ્ટ્રીય વ્યવહારોને કારણે બેન્ચમાર્કનો સંદર્ભ હજુ પણ પાઈપલાઈનમાં છે, પરંતુ આરબીઆઈના આ કદમની સાથે સાથે ચાઈના દ્વારા પણ તેના ચલણનો આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં વ્યાપ વધારાયો હોવાના અહેવાલોને સાંકળીને એવું જણાય છે કે ભારત, ચીન, રશિયા, ઈન્ડોનેશિયા, યુએઈ જેવા દેશો પરસ્પર આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં પરસ્પર અમેરિકન ડોલરનો પ્રભાવ ઘટાડવાની કોઈ વ્યૂહરચના ગોઠવી રહ્યા હોય.
ચાઈના દ્વારા પણ અમેરિકન ડોલર પર નિર્ભરતા ઘટાડવા ચૂપચાપ કદમ ઉઠાવાઈ રહ્યા છે, અને તેનું પ્રમાણ કેટલાક આંકડાઓમાંથી મળે છે. સ્વીફ્ટ ડેટાને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ચાઈનાએ વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં થતા પેમેન્ટમાં બે વર્ષમાં દોઢ ટકાનો વધારો કર્યો છે. ચાઈનાનો ઈન્ટરનેશનલ પેમેન્ટમાં બે વર્ષ પહેલા યુઆનનો હિસ્સો માત્ર બે ટકા હતો, તે હવે સાડાત્રણ ટકા થઈ ગયો છે. આમ, ચાઈના પણ ચૂપચાપ ટ્રમ્પ ફેઈમ "ટેરિફાતંક" નો સામનો કરવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું હોવાનું ફલિત થાય છે. ચીનના આ કદમોથી વૈશ્વિક વ્યવહારોમાં મોટી હલચલ ઊભી થઈ શકે છે.
અહેવાલો મુજબ ચાલુ વર્ષના અંત સુધીમાં ચાઈનાના કુલ ઈન્ટરનેશનલ ટ્રેડના ૨૯ ટકા રેનમિન્બીમાં સેટલ થશે, જે ચાઈનાના કુદ વિદેશ વ્યાપારના એક-તૃતીયાંશ હિસ્સો છે. યુઆન ચલણ વેશ્વિક ચલણમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભારત પણ રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આગળ વધારશે અને જો દુનિયાના દેશો અમેરિકન ડોલર સિવાયના ચલણોમાં પરસ્પર વ્યવહારોનો વ્યાપ વધારશે, તો અમેરિકન ડોલરને ફટકો પડી શકે છે., પરંતુ અત્યારે જે રીતે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તથા વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોની નિર્ભરતા અમેરિકન ડોલર પર જ નિર્ભર છે, તેથી અમેરિકન ડોલરનો પ્રભાવ એક અનિવાર્ય દૂષણ છે, જેથી તત્કાળ તો તેમાંથી મૂક્તિ મળે તેમ લાગતું નથી, પરંતુ જો ભારત, ચીન, રશિયા અને બ્રિક્સના દેશો તથા અમેરિકા વિરોધી (ટ્રમ્પ વિરોધી) દેશો એકજૂથ થઈને પરસ્પરનો વ્યાપાર વધારે અને એક-બીજાના ચલણમાં વ્યવહારો વધારે તો અટ્ટહાસ્ય કરી રહેલા ટ્રમ્પની હેકડી બંધ પણ થઈ શકે છે.
રાવણને મારવા માટે શ્રીરામે તેની ડુટી (નાભિ) પર બાણ છોડ્યું હતુ, તેવી રીતે ટ્રમ્પની નાભિ (ડુટી) અમેરિકન ડોલર છે અને તેના પર જો આ તમામ શક્તિશાળી દેશો બિન-ડોલર (અમેરિકન ડોલરને બદલે પરસ્પરના ચલણોમાં) વ્યવહારો કરે તો બેલગામ 'ટેરિફાતંક' પર અંકુશ જરૂર આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial