Advertisement
Author: નોબત સમાચાર

કિશોર પ્રેમ અને કાયદાની કઠોરતાઃ ઓમિયો જુલિટેટ કલમ જરૂરી છે ?

                                                                                                                                                                                                      

ભારતમાં બાળસુરક્ષા માટે બનાવાયેલા કાયદાઓમાંપોક્સો અધિનિયમ  ૨૦૧૨એક અત્યંત મહત્વપૂર્ણ કાયદો માનવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ બાળકોને યૌન શોષણ, દુર્વ્યવહાર અને અત્યાચારથી બચાવવાનો છે. તેથી કાયદાએ એક કડક સિદ્ધાંત સ્વીકાર્યો છેઅઠાર વર્ષથી ઓછી વયના વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો યૌન સંબંધ થાય તો તે કાયદાકીય ગુનો ગણાશે, ભલે તે સંબંધ બંને પક્ષોની સંમતિથી કેમ ન થયો હોય.

આ નિયમ બનાવતી વખતે ધારાસભ્યોએ બાળક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અદાલતો સામે આવતા કેટલાક કેસોએ આ કાયદાની એક અલગ જ સમસ્યા ઉજાગર કરી છે. ઘણા કેસોમાં જોવા મળે છે કે વાત કોઈ શોષણ કે અત્યાચારની નથી, પરંતુ બે કિશોરો અથવા નજીકની ઉંમરના યુવાનો વચ્ચેના સહમતી આધારિત પ્રેમ સંબંધની છે. છતાં પણ કાયદાની કડક ભાષા મુજબ તે ગુનો ગણાય છે.

આવા કેસોને અદાલતો ઘણીવાર રોમિયો-જુલિયેટ કેસ તરીકે ઓળખે છે એવા સંબંધો જેમાં છોકરી અને છોકરો બંને યુવાન હોય, ઘણીવાર બંને કિશોરાવસ્થામાં હોય, અને તેમના સંબંધમાં કોઈ બળજબરી કે શોષણ ન હોય. છતાં પણ, જો છોકરો અઠાર વર્ષનો થાય અને છોકરી હજુ અઠારથી ઓછી હોય, તો છોકરાને ગંભીર ફોજદારી ગુનાઓનો સામનો કરવો પડે છે.

આ સ્થિતિ કાયદાની મૂળ ભાવનાથી વિરુદ્ધ એક વિસંગતિ ઊભી કરે છે. એક બાજુ કાયદો ખરેખર શોષણ કરનાર અને બળાત્કારી સામે કડક સજા માટે બનાવાયો છે, જ્યારે બીજી બાજુ તે જ કાયદો ક્યારેક કિશોર પ્રેમને પણ એ જ કઠોરતા સાથે ગુનો ગણાવી દે છે.

ભારતીય અદાલતોમાં છેલ્લા થોડા વર્ષોમાં આવા કેસોની સંખ્યા વધી રહી છે. ઘણીવાર આ કેસોમાં પોલીસ કાર્યવાહી ક્યારે શરૂ થાય છે? જ્યારે યુવતીના માતા-પિતા અથવા પરિવારજનોને આ સંબંધની ખબર પડે છે. સમાજમાં હજુ પણ જાતિ, ધર્મ અથવા પરિવારની માન્યતાઓને કારણે યુવાનોના પ્રેમ સંબંધોને સ્વીકારવામાં મુશ્કેલી રહે છે. પરિણામે, કેટલાક કિસ્સાઓમાં ફોજદારી કાયદાનો ઉપયોગ સંબંધ તોડવા માટે દબાણના સાધન તરીકે કરવામાં આવે છે.

આવા કેસોમાં ગંભીર પરિણામો જોવા મળે છે. યુવાન છોકરાઓ લાંબા સમય સુધી જેલમાં રહે છે, તેમના શિક્ષણ અને કારકિર્દી પર અસર પડે છે, અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા પર કલંક લાગી જાય છે. ઘણીવાર બંને વ્યક્તિઓ લગભગ સમાન ઉંમરના હોવા છતાં તેમને કાયદાની કઠોર સજા અને પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.

આ પરિસ્થિતિએ એક મહત્વપૂર્ણ કાયદાકીય ચર્ચાને જન્મ આપ્યો છે, શું આવા કિસ્સાઓ માટે કાયદામાં કોઈ વિશેષ છૂટછાટ હોવી જોઈએ?

વિશ્વના ઘણા દેશોમાં આ પ્રશ્નનો જવાબ રોમિયો-જુલિયેટ કલમ અથવા ક્લોઝ-ઇન-એજ એક્સેપ્શન તરીકે મળ્યો છે. આ કલમનો અર્થ એ છે કે જો બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ સહમતીથી હોય અને બંને વચ્ચેની ઉંમરનો તફાવત ખૂબ ઓછો હોયજેમ કે બે, ત્રણ કે પાંચ વર્ષ સુધીતો તેને ફોજદારી ગુનો ગણવામાં આવતો નથી.

કેનેડામાં ઉદાહરણ તરીકે, ચૌદ અથવા પંદર વર્ષની ઉંમરના કિશોરો વચ્ચેનો સહમતી આધારિત સંબંધ કાયદેસર માનવામાં આવે છે જો તેમની વચ્ચેનો ઉંમર તફાવત પાંચ વર્ષથી ઓછો હોય અને કોઈ સત્તા, દબાણ અથવા શોષણ ન હોય. અમેરિકાના ઘણા રાજ્યોમાં પણ આવી જ રોમિયો-જુલિયેટ જોગવાઈઓ અમલમાં છે, જેથી કિશોર પ્રેમને કડક ફોજદારી સજાથી બચાવી શકાય.

યુરોપના અનેક દેશોમાં પણ કાયદાએ આ બાબતમાં વ્યવહારુ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તેઓ માનતા છે કે કાયદાનો હેતુ માનવ વિકાસના સ્વાભાવિક તબક્કાઓને દંડિત કરવાનો નથી, પરંતુ શોષણ અને અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે.

ભારતમાં જોકે હજુ સુધી પોક્સો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. પરિણામે, ક્યારેક કાયદો એવી પરિસ્થિતિઓમાં પણ લાગુ પડે છે જ્યાં મૂળભૂત રીતે કોઈ શોષણ કે ગુનો નથી.

આ ચર્ચા માત્ર કાયદાની તકનિકી બાબત નથી; તે બંધારણીય મૂલ્યો સાથે પણ જોડાયેલી છે. ભારતીય બંધારણ વ્યક્તિની સ્વતંત્રતા, માન-મર્યાદા અને વ્યક્તિગત પસંદગીના અધિકારને મહત્વ આપે છે. કિશોરાવસ્થા માનવ જીવનનો એવો તબક્કો છે જ્યાં લાગણીઓ, મિત્રતા અને પ્રેમ જેવી ભાવનાઓનો વિકાસ સ્વાભાવિક રીતે થાય છે.

તેમ છતાં, એક મહત્વપૂર્ણ સાવચેતી પણ જરૂરી છે. જો કાયદામાં રોમિયો-જુલિયેટ જેવી છૂટછાટ આપવામાં આવે, તો તે શોષણ કરનાર માટે ઢાલ બની ન જાય તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ભારતમાં સામાજિક અસમાનતા, આર્થિક દબાણ અને સત્તાના સંબંધો જેવા પરિબળો પણ અસરકારક હોય છે. તેથી કોઈપણ સુધારો ખૂબ વિચારીને અને સ્પષ્ટ મર્યાદાઓ સાથે કરવો જરૂરી રહેશે.

આથી પ્રશ્ન કાયદાને નબળો બનાવવાનો નથી, પરંતુ તેને વધુ સંતુલિત બનાવવાનો છે. એક તરફ કાયદો બાળકના શોષણ સામે કડક રહે, અને બીજી તરફ સહમતી આધારિત કિશોર સંબંધોને અયોગ્ય રીતે ગુનાહિત ન બનાવેઆ સંતુલન જ સાચા ન્યાયની ઓળખ છે.

અંતે, કાયદાની શક્તિ તેની કડકતા કરતાં વધુ તેની બુદ્ધિમત્તામાં હોય છે. સારો કાયદો એ છે જે ખરેખર નુકસાનકારક વર્તન અને માનવ જીવનના સ્વાભાવિક તબક્કાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે. જો આવું સંતુલન સાધવામાં આવે, તો કાયદો બાળકોને સુરક્ષા આપતો રહેશે અને સાથે-સાથે યુવાનોના જીવનને અયોગ્ય રીતે નષ્ટ થવાથી પણ બચાવશે.

ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh