Advertisement
Author: નોબત સમાચાર

ભૂગોળમાંથી ભૂંસાઈ જવાના ડરથી ફફડતા પાક.ના પ્રધાનને ઈતિહાસ શિખવો... ચૂંટણી ટાણે વધુ ચર્ચા શા માટે?

                                                                                                                                                                                                      

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને સનેપાત ઉપડ્યો હોય, તેવા નિવેદનો કરતા બન્ને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થયો છે. તેમણે કહ્યું છે કે, બિહારની ચૂંટણીના કારણે ભારત સરકાર માહોલ બગાડી રહી છે અને શાસક રાજકીય પક્ષો ચાલ રમી રહ્યા છે. તેમણે ભારત સાથે ફરીથી યુદ્ધ થવાની સંભાવના સાથે એવું પણ કહ્યું કે, જો યુદ્ધ થાય, તો પાકિસ્તાન પહેલા કરતા પણ વધુ સારા પરિણામો લાવશે. ખ્વાજા આસિફે એક વિચિત્ર નિવેદનમાં કહ્યું હતું કે, ભારત ઔરંગઝેબના શાસનકાળમાં જ સંપૂર્ણપણે એક અને અતૂટ રાષ્ટ્ર હતું, તે સિવાય ઈતિહાસમાં ક્યારેય ભારત સંપૂર્ણ એક રાષ્ટ્ર રહ્યું નથી!

હકીકતે ખ્વાજા આસિફના આ પ્રકારના બેબુનિયાદ, બેહુદા અને તર્ક-તથ્ય વગરના નિવેદનો પાછળ ડર અને હતાશા ડોકાય છે. ભારતના સેનાધ્યક્ષે તાજેતરમાં ચિમકી આપી હતી કે જો પાકિસ્તાન સીમાપાર આતંકવાદની હરકતો તથા પાકિસ્તાનની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે, તો ભૂગોળમાંથી ભૂસાઈ જશે. હવે ભારત ઓપરેશન સિંદૂર જેવો સંયમ નહીં રાખે.

ભારતના વાયુદળના વડાએ પણ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના કેટલા યુદ્ધવિમાનો તોડી પાડ્યા હતાં, તેની ચોખવટ કરીને પાકિસ્તાનને 'માપ'માં રહેવાનો પરોક્ષ નિર્દેશ કર્યો હતો, તે પછી ફફડતા પાકિસ્તાનના રક્ષામંત્રીને આ પ્રકારનો સનેપાત ઉપડ્યો હોવાના કટાક્ષો થઈ રહ્યા છે, અને બીજી તરફ અમેરિકા દ્વારા શસ્ત્રસહાયની જાહેરાત થયા પછી પાકિસ્તાનને અંડર એસ્ટીમેન્ટ કરવાના બદલે હકીકતે પૂરતી તૈયારી રાખવી જોઈએ, તેવા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળનું એક વર્ષ પૂરૃં થઈ ગયા પછી તેની તમામ રીતિનીતિઓ તથા ટેરિફાતંક પછી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે, અને ટ્રમ્પ પરિવારના અંગત હિતો માટે અમેરિકાની સમગ્ર સિસ્ટમ કામે લગાડી દેવાઈ હોવાની ટીકા હવે અમેરિકામાં જ થવા લાગી છે, તથા ટ્રમ્પની લોકપ્રિયતાનો આંક ઘટી રહ્યો છે, ત્યારે દુનિયાના દેશો પણ હવે ચેતી ગયા છે, અને અમેરિકાના પ્રભાવ અને ડોલરની દાદાગીરી સામે વિકલ્પો શોધી રહ્યા છે, ત્યારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને એઅઈએમ-૧ર૦ એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઈલ્સ ફાળવવાની વાત કરીને અમેરિકાએ પાકિસ્તાનની કોણીએ ગોળ ચોંટાડ્યો છે, અને વર્ષ ર૦૩૦ સુધીમાં આ મિસાઈલ્સ આપવાની વાત થઈ રહી હોય, તો ત્યાં સુધીમાં તો કદાચ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નહીં હોય, અને અમેરિકા પણ ટ્રમ્પની નીતિઓના કારણે વેરવિખેર થઈ ગયું હશે!

બીજી તરફ એ પણ હકીકત છે કે ચૂંટણીઓમાં પાકિસ્તાન વિરોધી માહોલનો ઉલ્લેખ પણ ઉભયપક્ષે થતો રહ્યો છે, અને તેના રાજકીય ફાયદા મેળવવાનો પ્રયાસ પણ થતો રહ્યો છે. આ કારણે જ પાકિસ્તાનના રક્ષામંત્રી હાલમાં ભારત-પાક. તંગદિલીને બિહારની ચૂંટણી સાથે સાંકળી રહ્યા છે, જેનો જવાબ એવી રીતે અપાઈ રહ્યો છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે આઝાદી પછી સતત તંગદિલી ચાલી રહી છે, અને ભારતમાં કોઈને કોઈ રાજ્યમાં કોઈને કોઈ પ્રકારની ચૂંટણીઓ તો ચાલતી જ રહેતી હોય છે, તેથી ભારત-પાક. વચ્ચેની તંગદિલીને ચૂંટણીઓ સાથે સાંકળાવી જોઈએ નહીં.

હકીકતે ચૂંટણીના પ્રચારમાં ક્યા ક્યા મુદ્દાઓ ચલાવવામાં આવે છે, અને મતબેંકને મજબૂત બનાવવા કેવા કેવા નૂસ્ખા અજમાવવામાં આવતા હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?

પાકિસ્તાનના રક્ષામંત્રી વાસ્તવમાં બુદ્ધિનું વરવું પ્રદર્શન કરી રહ્યા  છે, તેઓ એ ભૂલી ગયા છે કે પાકિસ્તાન પણ વર્ષ ૧૯૪૭ સુધી તો અખંડ ભારતનો હિસ્સો જ હતું, અને આઝાદી પછી ભારતમાં તો હંમેશાં લોકતાંત્રિક સરકારો જ રહી, પરંતુ પાકિસ્તાનમાં અનેક વખત પ્રત્યક્ષ સૈન્ય શાસન રહ્યું છે, અને ચૂંટાયેલી સરકારો પણ માયકાંગલી અને આતંકવાદીઓ, આઈએસઆઈ અને આતંકીઓના ઈશારે નાચતી ત્યાંની સેનાના પ્રભાવ હેઠળ જ રહી છે. પાકિસ્તાનના અણુ વૈજ્ઞાનિકોએ પરમાણુ ટેકનોલોજી વેંચી, સૈન્ય અને આઈએસઆઈ એ દેશની પથારી ફેરવી નાખી તથા તેના ઈશારે નાચતી સરકારોએ ચીનને ઉદ્યોગો, ખાણો અને ખનિજસંપત્તિ વેંચી નાંખી. ભારતની જે જમીન પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે, તે પીઓકે તથા સ્વતંત્રતાની લડત લડી રહેલા બલુચિસ્તાનની જમીન પણ પાકિસ્તાને જાણે ભાડાપટ્ટે આપી દીધી હોય તેમ ચીન પછી હવે અમેરિકાની કંપનીઓ દ્વારા પ્રોજેક્ટો સ્થપાઈ રહ્યા છે, જે આ પાયમાલ થયેલા દેશની કંગાળિયાત દર્શાવે છે.

કેનેડાના વડાપ્રધાને ટ્રમ્પે ભારત-પાક. યુદ્ધ અટકાવ્યું હોવાની વાત કરી હોય કે ભારતે ગાઝા શાંતિ પ્રસ્તાવને ટેકો આપીને ટ્રમ્પનું સમર્થન કર્યું હોય કે પછી ટેરિફાતંક પછી પણ ભારતે સંયમ જાળવ્યો હોય, તે બધું વૈશ્વિક રાજનીતિ તથા કુટનીતિનો જ ભાગ છે. હકીકતે અમેરિકા સામે અફઘાન મુદ્દે ભારત, પાકિસ્તાન, રશિયા, ચીન, ઈરાન તથા મધ્ય એશિયાના દેશોએ એકજુથ થઈને પ્રબળ વિરોધ નોંધાવતા ટ્રમ્પની પણ હવા નીકળી ગઈ છે!

અફમાનિસ્તાનમાં કોઈપણ વિદેશી સૈન્ય સુવિધાઓ કે માનવબળનો વિરોધ કરતા આ દેશોએ ટ્રમ્પની બગરામ એરબેઝ અમેરિકાને પરત કરવા તથા અફઘાનિસ્તાનમાં ફરીથી અમેરિકા દળોને તૈનાત કરવાની સામ્રાજ્યવાદી મેલી મુરાદ સાથેની ચાલબાજીને આ દેશોએ ઉંધી વાળી દીધી છે. વિરોધ કરનારા દેશોમાં પાકિસ્તાન પણ સામેલ હોવાથી ટ્રમ્પની પણ ફજેતી થઈ ગઈ છે, અને તેના 'આઈ લવ પાકિસ્તાન'ના નિવેદનને સાંકળીને વિવિધ કટાક્ષો અને કોમેન્ટો પણ થઈ રહી છે, અને કાર્ટુનિસ્ટોને ટ્રમ્પને લઈને કાર્ટુનો ચિતરવાનો મોકો પણ મળી ગયો છે.

સામાનય જનમત એવો છે કે દેશના જવાનોએ શહીદી વ્હોરીને સિદ્ધિઓ મેળવી હોય, કે સૈન્ય દ્વારા બહાદુરીભર્યા ઓપરેશનો ચલાવાયા હોય તો તેનો ઉલ્લેખ કરીને તરફેણ કે વિરોધ સાથે નિવેદનો કરીને કે સેના સામે સવાલો ઊઠાવીને ચૂંટણીઓમાં લાભ મેળવવાનો પ્રયાસ  થતો હોય તો તે નિંદનીય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh