Advertisement
Author: નોબત સમાચાર

ભારત-ફ્રાન્સ વચ્ચે રૂ।. ૩.૨૫ લાખ કરોડની ૧૧૪ રાફેલની થશે ઐતિહાસિક ડીલ

મુંબઈ એર૫ોર્ટ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું ભવ્ય સ્વાગતઃ પી.એમ. મોદી સાથે સાંજે દ્વિપક્ષિય વાટાઘાટોઃ એ.આઈ. ઈમ્પેકટ સમિટમાં જોડાશે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૭: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓનુ મુંબઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયુ છે. તેઓ એ.આઈ. સમિટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષિય વાટાઘાટો ઉપરાંત એક ઐતિહાસિક ડીલ પણ બન્ને દેશો વચ્ચે કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે વહેલી સવારે ત્રણ દિવસીય અધિકૃત ભારત મુલાકાતે મુંબઈ આવી પહોંચ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર દ્વારા રાષ્ટ્રપતિ મેક્રોન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે, પરંતુ મુંબઈની આ તેમની પ્રથમ યાત્રા હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે.

ઈમેન્યુઅલ મેક્રોન આ મુલાકાત ભારત-ફ્રાંસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના આશય સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં સંરક્ષણ, ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પ્રવાસ દરમિયાન ભારત-ફ્રાન્સ વચ્ચે ૩.૨૫ લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી ૧૧૪ આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(એમઆરએફએ) ખરીદવા જઈ રહૃાું છે.

 આ ડીલ હેઠળ ૧૮ વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના ૯૬ વિમાનોનું નિર્માણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. આ નવી ડીલની સૌથી ખાસ બાબત 'સુપર રાફેલ' એટલે કે એફ-૫ વેરિઅન્ટ છે. અત્યારે ભારત પાસે એફ-૩ વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ આ સોદામાં ૨૪ વિમાન એફ-૫ વર્ઝનના હશે જે સિકસ્થ જનરેશનના ફાઇટર જેટ્સ જેવી ક્ષમતા ધરાવે છે. આ 'સુપર રાફેલ' એડવાન્સ સેન્સર્સ, સ્ટીલ્થ ફીચર્સ(જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 'કિલ-વેબ' ટેકનોલોજીથી સજ્જ હશે, જે ૨૦૩૦ સુધીમાં ડિલિવર થવાની અપેક્ષા છે.

આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં ૫૦%નો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે. આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેનાથી ભારત ભવિષ્યમાં પોતાની રીતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.

આજના કાર્યક્રમ મુજબ, બપોરે ૩:૧૫ વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાશે, ત્યારબાદ સાંજે ૫:૧૫ વાગ્યે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ ૨૦૨૬'નું ઉદઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.

ઇમેન્યુઅલ મેક્રોન ૧૯ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ'માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.

ફ્રાન્સથી રવાના થતી વખતે મેક્રોને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ તેમની સાથે ફ્રાન્સના વેપારી નેતાઓ, આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના દિગ્ગજોને લઈને આવ્યા છે જેથી ભારત-ફ્રાન્સના સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય. આ મુલાકાતથી સાબિત થાય છે કે ફ્રાન્સ હવે માત્ર શસ્ત્રોનો વિક્રેતા નહીં પરંતુ ભારતનો સહવિકાસ અને સહ-ઉત્પાદન કરતો અતૂટ વ્યૂહાત્મક ભાગીદાર બની રહ્યો છે.

રાષ્ટ્રપતિ બન્યા પછી મેક્રોનનો આ ચોથો ભારત પ્રવાસ છે. તેમણે અગાઉ માર્ચ ૨૦૧૮ માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ સપ્ટેમ્બર ૨૦૨૩ માં જી-૨૦ સમિટ માટે અને જાન્યુઆરી ૨૦૨૪ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત અને ફ્રાન્સ વચ્ચે ૧૯૯૮ થી વ્યૂહાત્મક ભાગીદારી છે, અને બંને દેશો સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે. આ સહયોગને આગળ વધારવા માટે આ મુલાકાત મહત્તવપૂર્ણ માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh