Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજકાલ સ્મશાનમાં માંડ પચ્ચીસ-ત્રીસ લોકો આવે છે અને એમાં અડધો અડધ લોકો તો ઉંમરવાળા હોય કે જે નનામી ઉપાડી ન શકે, એટલે માંડ દસ-બાર લોકો જ હોય છે કે જે નનામી ઉપાડે છે, પહેલાં ઘરેથી સ્મશાન સુધી અંતિમયાત્રા ચાલતા થતી, હવે શબવાહીની આવી ગઈ. એટલે રોડ સુધી જ નનામી ઉપાડીને જવાનું રહ્યું. તેમાં પણ ઘણીવાર માણસો ન હોય તો શબવાહીનીને અંદર સુધી લાવવી પડે છે. લૌકિક વ્યવહારમાં જવાનું લોકોએ બંધ કર્યું છે, હવે તો સ્મશાન જવામાં પણ લોકોને આળસ આવે છે. કોઈ ગુજરી ગયા છે એવો ફોન આવે એટલે એમ જ પૂછે કે ઉઠમણું-બેસણું ક્યારે છે? અંતિમાત્રાના સમયે માંડ થોડા લોકો હોય, તેમાંથી અડધા તો સ્મશાન સુધી પહોંચીને હાથ જોડીને નીકળી જાય, બીજા થોડા અંતિમવિધિ શરૂ થાય ત્યારે નીકળી જાય... છેલ્લે સુધી તો ઘરના લોકો જ હોય.. સ્વજનને વિદાય કર્યા બાદ ઘરે આવ્યા પછી કોણ કોના આંસુ લૂછે? કોણ તેમને આઘાતમાંથી બહાર લાવે? કોણ આશ્વાસન આપે? કોઈ હોય જ નહી...આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવાની ભાવના નામશેષ થતી જાય છે. વર્ષાેના સંબંધ પછી પણ હવે ખાલી મેસેજથી શ્રદ્ધાંજલિ પાઠવી દે છે. હા.. કોઈ મોટી વ્યક્તિનું અવસાન થયું હોય તો લોકો ઝડપથી પહોંચે છે. કારણ કે ત્યાં હાજરી બતાવવાની છે, સંબંધ સાચવવાનો છે, પણ મધ્યમ વર્ગના માણસને આ સમયે હુંફની જરૂર હોય છે, સ્વજનના મૃત્યુ સમયે કોઈની હુંફ, કોઈની હાજરી, ફક્ત ખભા પર મૂકેલો હાથ પણ દુઃખની ઘડી ઘટાડવામાં મદદ કરે છે, પણ... હવે એ પણ ઓછું થતું જાય છે...
એક સમય હતો, જ્યારે ગામમાં કે શહેરના એક ખૂણે કોઈના અવસાનના સમાચાર આવતા ત્યારે આખા વિસ્તારના લોકો જાતે જ ભેગા થઈ જતા. અંતિમયાત્રા માત્ર એક પરિવારની નહી, પણ સમગ્ર સમાજની સંવેદનાનો પ્રસંગ બનતી, કાંધ આપવા માટે લોકો આગળ આવતા, રસ્તાઓ પર મૌન છવાઈ જતું અને 'રામ નામ સત્ય છે' એ ઉચ્ચાર સાથે એક જીવને અંતિમ વિદાય અપાતી... પણ આજે દૃશ્ય બદલાઈ ગયું છે. અંતિમયાત્રામાં માંડ પંદર-વીસ જણા.. આ પરિવર્તન માત્ર ઉપસ્થિતિનું નથી, પરંતુ માનસિકતા અને સામાજિક બંધારણના બદલાવનું પ્રતિબિંબ છે.
આધુનિક જીવનની દોડમાં 'સમય નથી'એ એક સામાન્ય બહાનું બની ગયું છે. નોકરી, વ્યવસાય, મિટિંગ્સ, પાર્ટી, બાળકોની સ્કૂલ, તેના જુદા જુદા ક્લાસ... આ બધા માટે સમય છે જ... માત્ર અંતિમયાત્રા માટે થોડા કલાક કાઢવા પણ ભારરૂપ બને છે.
પ્રશ્ન એ છે કે 'શું ખરેખર સમય નથી' કે પછી આપણે સંવેદનાને પ્રાથમિકતા આપવી બંધ કરી દીધી છે. અંતિમયાત્રામાં હાજરી આપવી એ માત્ર ઔપચારિકતા નથી. તે શોકગ્રસ્ત પરિવારને નિઃશબ્દ સહારો આપવાનો સંદેશ છે કે અમે તમારી સાથે છીએ...
પણ આજના યુગમાં આ બધું ઓછું થતું જાય છે. શ્રદ્ધાંજલિ પણ સોશિયલ મીડિયા પર ઇૈંઁ લખીને પૂરી થઈ જાય છે. વોટ્સએપ પર સંદેશ લખાય જાય એટલે આપણું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું એમ જ માનીએ છીએ. પણ આ એક ક્લિક અને કાંધ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ડિજીટલ શબ્દોમાં તે હુંફ નથી, જે અંતિમયાત્રામાં બાજુમાં ઊભા રહીને આપી શકાય છે.
એક સમયે સંયુક્ત પરિવારો અને નજીકના પાડોશીઓ સમાજનું મજબુત જાળું બનાવતા... આજે ન્યુક્લિયર પરિવાર અને એપાર્ટમેન્ટ, સોસાયટીની સંસ્કૃતિમાં સંબંધો સીમિત થઈ ગયા છે. પાડોશમાં કોણ રહે છે તે પણ ઘણીવાર ખબર નથી હોતી. પરિણામે, અંતિમયાત્રા એક ખાનગી ઘટના બની ગઈ છે, આ પરિસ્થિતિ શોકગ્રસ્ત પરિવાર માટે વધુ એકલતા લાવે છે. વિદાયના ક્ષણે જ્યારે ખભા પર હાથ જોઈએ, ત્યારે આસપાસનો ખાલીપો વધારે દુઃખ આપે છે.
કેટલાક લોકો અંતિમયાત્રાથી દૂર રહે છે. કદાચ તેઓ મૃત્યુનો સામનો કરતા ડરે છે. અંતિમયાત્રા આપણને યાદ અપાવે છે કે જીવન અસ્થિર છે અને એક દિવસ આ યાત્રા આપણા માટે પણ આવશે. આ ભયથી દૂર રહેવા માટે લોકો અંતિમ વિદાયને ટાળે છે. પણ શું દૂર ભાગવાથી સત્ય બદલાઈ જાય છે?
માનવ વિજ્ઞાનીઓ કહે છે કે અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર તથા ત્યારપછીની ક્રિયા એ માત્ર ધાર્મિકવિધિ નથી પરંતુ શોકને સ્વીકારવાનો સામૂહિક પ્રયાસ છે, જ્યારે આ દુઃખના સમયે સ્નેહીજનો, મિત્રો, પાડોશીઓ સમાજના લોકો ભેગા થાય છે. ત્યારે પરિવારને હુંફ મળે છે, તેમનું દુઃખ વહેચાય છે પરંતુ જ્યારે માણસો ઓછા હોય ત્યારે શોક વધુ એકલતાભર્યાે બની જાય છે. અંતિમયાત્રા માટે બે કલાક કાઢવા મુશ્કેલ લાગે છે, પણ બીજા કાર્ય માટે સમય મળી જાય છે. આ પરિસ્થિત આપણા મૂલ્યો પર પ્રશ્નચિન્હ મૂકે છે. જીવનના આનંદમાં જેમ આપણે ભાગ લઈએ છીએ તેમ વિદાયમાં પણ સહભાગી થવું એ માનવીય ફરજ છે.
અંતિમયાત્રામાં હાજરી આપવી એ માત્ર મૃતક માટે સન્માન નથી પણ જીવતા લોકો માટે સહાનુભૂતિ છે. યાત્રામાં પંદર-વીસ લોકો એ ચેતવણી છે કે સમાજ ધીમે ધીમે સંબંધોથી ખાલી થઈ રહ્યો છે. જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે, એ દિવસ પછી સમાજ પણ તૂટશે. આપણે વિચારવું પડશે કે એક દિવસ આપણા માટે પણ અંતિમયાત્રા નીકળશે ત્યારે શું માંડ પંદર-વીસ લોકો હશે? જો આપણે આજે ઉપસ્થિત રહીશું તો આવતીકાલે આપણા માટે સમાજ ઉપસ્થિત રહેશે, અંતિમયાત્રા એ માત્ર વિદાય નથી, તે જીવનની કિંમત અને સંબંધોની ઉંડાઈનું પ્રતિબિંબ છે. લગ્ન પ્રસંગમાં નાચવા માટે તો ભાડે માણસો આવે જ છે, પણ શું હવે નનામી ઉંચકવા પણ ભાડે માણસો લાવશો?
આપણે એ પણ વિચારવું પડશે કે આપણે આપણા બાળકોને પણ આ સંવેદનના પાઠ શીખવવા જોઈએ. વિચારજો... તમારા બાળકો ૧૮વર્ષથી મોટા હોય તો તમે ક્યારેક તેમને બેસણામાં, ઉઠમણામાં, અંતિમયાત્રામાં લઈ ગયા છો? કદાચ ના... તો આ ન લઈ જઈને ભૂલ તો નથી કરતા ને...?
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial