Advertisement
Author: નોબત સમાચાર

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે સંસદમાં મતદાન શરૂ

એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને મંદિરમાં પૂજા અર્ચના કરીઃ વડાપ્રધાને કર્યું મતદાનઃ સાંજે મતગણતરી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૯: સંસદમાં દેશના ૧૭મા ઉપરાષ્ટ્રપતિ માટે સવારે ૧૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે પાંચ સુધી વોટિંગ થશે. ૬ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. વિજય માટે ૩૯૧નો આંકડો જોઈએ. એનડીએ પાસે ૪૨૫ આંકડો છે. વિપક્ષ પાસે ૩૨૪ વોટ છે.

આજે દેશના ૧૭મા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે છે, જેના માટે સંસદ ભવનમાં મતદાન શરૂ થયું છે  મુકાબલો એનડીએ ઉમેદવાર મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને ઈન્ડિયા બ્લોક ઉમેદવાર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન સવારે ૧૦ થી શરૂ થયુ છે જે, સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. અને મતગણતરી છ વાગ્યાથી શરૂ થશે. દેશને સાંજે એક નવા  ઉપરાષ્ટ્રપતિ પણ મળશે. સ્વાસ્થ્ય કારણોસર ૧૬મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન પહેલા જ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. નંબર ગેમમાં એનડીએ આગળ છે. આવી સ્થિતિમાં, સી. પી. રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. હાલમાં, રાજ્યસભામાં ૨૩૯ સાંસદો અને લોકસભામાં ૫૪૨ સાંસદો છે, જેનો અર્થ છે કે જીત માટે ૩૯૧નો આંકડો જરૂરી છે. તેની પાસે ૪૨૫ સાંસદો છે, જ્યારે તેને અન્ય કેટલાક પક્ષો તરફથી મત મળવાનો પણ વિશ્વાસ છે. આમ છતાં, એનડીએ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહૃાું છે. ભૂતકાળમાં, છેલ્લી ક્ષણે ક્રોસ વોટિંગે ઘણી વખત આખી રમત બગાડી નાખે છે. આવી સ્થિતિમાં, એનડીએ કોઈ પણ પ્રકારની ઢીલ કરવા માંગતું નથી.

ઇન્ડિયા બ્લોક જાણે છે કે તેની પાસે સંખ્યા નથી, પરંતુ તેણે હજુ સુધી આશા છોડી નથી. છેલ્લી ક્ષણ સુધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્ર સાંસદોનો સંપર્ક કરતા રહૃાા. વિપક્ષ પાસે ૩૨૪ મત છે. આવી સ્થિતિમાં, જીતનો માર્જિન ૧૦૦ થી ૧૨૫ ની વચ્ચે હોઈ શકે છે. ૨૦૨૨ માં છેલ્લી ચૂંટણીમાં, જગદીપ ધનખડે વિપક્ષના માર્ગારેટ અલ્વાને ૩૪૬ મતોથી હરાવ્યા હતા. આ વખતે જીતનો માર્જિન એટલો મોટો નહીં હોય, કારણ કે વિપક્ષ પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. એનડીએ સૂત્રોનો દાવો છે કે રાજ્યસભામાં વિપક્ષના ઉમેદવાર સામે ૧૫૦ મત હશે અને તેમને ૯૦ થી ઓછા મત મળશે. તેવી જ રીતે, લોકસભામાં પણ, એનડીએ કેટલાક એવા સાંસદો પર નજર રાખી રહૃાું છે જેઓ પાર્ટી લાઇન તોડીને તેમની સાથે આવી શકે છે. આવી સ્થિતિમાં, ઇન્ડિયા બ્લોકની આશા ફક્ત ક્રોસ વોટિંગથી છે. જો આવું થાય, તો એનડીએને મોટો ઝટકો લાગી શકે છે. અંતરાત્માના અવાજ મુજબ મતદાનની વાતો વહેતી થતા અટકળોનું બજાર ગરમ છે.

વાયએસઆરસીપીએ એનડીએની તરફેણમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. રાજ્યસભામાં તેના સાત અને લોકસભામાં ચાર સાંસદ છે. આ રીતે, એનડીએના ૪૩૬ સાંસદો તેના પક્ષમાં છે. આમ આદમી પાર્ટીના સ્વાતિ માલીવાલ પણ એનડીએની તરફેણમાં મતદાન કરી શકે છે. બીઆરએસ અને બીજેડીએ હજુ સુધી પોતાનું વલણ નક્કી કર્યું નથી. એવી શક્યતા છે કે બીઆરએસ મતદાનમાં ગેરહાજર રહેશે જ્યારે બીજેડી એનડીએને સમર્થન આપી શકે છે.

બીઆરએસના રાજ્યસભામાં ચાર સાંસદ છે અને બીજેડીના સાત સાંસદ છે. બીઆરએસ હાલમાં એનડીએ સાથે ખુલ્લેઆમ હાથ મિલાવી શકશે નહીં કારણ કે આગામી થોડા મહિનામાં જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણી થવાની છે અને ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. લોકસભામાં સાત અપક્ષોમાંથી ત્રણ ક્યાં મતદાન કરશે તે હજુ સ્પષ્ટ નથી. તેવી જ રીતે, અકાલી દળ, ઝેડપીએમ અને વીઓટીટીપીના એક-એક સાંસદ વિશે પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ગુપ્ત રીતે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોણે કોને મત આપ્યો છે તે જાણી શકાતું નથી. દેશના ઇતિહાસમાં પહેલીવાર ૧૯૯૮ માં ક્રોસ વોટિંગ થયું હતું. કોંગ્રેસના ઉમેદવારની હાર પછી, ઓપન બેલેટનો નિયમ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે દરેક ધારાસભ્યએ પાર્ટીના વડાને પોતાનો મત બતાવવો પડે છે, પરંતુ ક્રોસ વોટિંગ હજુ પણ થાય છે.

આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે. પંજાબના ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહૃાું કે, 'આ મત અંતરાત્મા પર નાખવામાં આવે છે. આખો દેશ જાણે છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે લોકોનો ઉપયોગ કરે છે. પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ આવું જ બન્યું છે. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.'

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન કર્યુ હતું. રાહુલ-સોનિયા ગાંધી અને ખડગેએ પણ મતદાન કર્યુ હતું.

એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહૃાું હતું કે, 'મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.'

મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં એનડીએના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ ૭૮૧ સાંસદ છે. જે જોતાં જીત માટે ૩૯૨ સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં એનડીએની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં એનડીએ પાસે ૨૯૩ જ્યારે રાજ્યસભામાં ૧૩૨ સાંસદો છે. જેથી એનડીએ પાસે કુલ ૪૨૫ સાંસદોનું સમર્થન છે.

એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં ઈન્ડિયા ઉમેદવારને સમર્થન આપશે. વાયએસઆરસીપીના ૧૧ સાંસદોએ એનડીએ ઉમેદવારના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

વિજેતા ઉમેદવાર જગદીપ ધનખડનું સ્થાન લેશે. ધનખડે ૨૧ જુલાઈના રોજ અચાનક નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટ ૨૦૨૭ સુધીનો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh