Advertisement
Author: નોબત સમાચાર

ભારતે નેપાળ સરહદ બંધ કરીઃ મૈત્રી બસ સેવા પણ સ્થગિત

નેપાળમાં તણાવભરી સ્થિતિ વચ્ચે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની અસર ભારત-નેપાળ સરહદ પર પણ દેખાઈ રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને ધ્યાનમાં રાખીને, ભારતે પોતાની સરહદ બંધ કરી દીધી છે. આથી નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમજ મૈત્રી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે  વેપાર પણ સંપૂર્ણપણે અટકી ગયો છે.

મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે બંને દેશોના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે, કારણકે ઘણા નેપાળી લોકો ભારતમાં ફસાયા છે, સામે ઘણા ભારતીયો પણ હાલ નેપાળમાં ફસાયેલા છે. આ બસ સેવા બંધ થવાના કારણે બંને દેશોના નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહૃાો છે.

મૈત્રી બસ સેવા બંધ કરવા ઉપરાંત, સરહદ પર છુપાઈને આવન-જાવન કરતા માર્ગો પર પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આ હિંસાના કારણે વેપાર-ધંધા પર પણ માઠી અસર પડી છે અને ઘણા વેપારીઓના વ્યવસાયો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેમણે નેપાળમાં ચાલી રહેલી હિંસા અંગે ભારતના વિદેશ સચિવ સાથે વાત કરી છે. વિદેશ સચિવે નેપાળમાં ફસાયેલા લગભગ ૧,૦૦૦ ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી છે.

નેપાળમાં અસ્થિર રાજકીય પરિસ્થિતિને કારણે ૬, ૭ કેબિનેટ મંત્રીઓ, ઘણા મેયર, કાઉન્સિલ સભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓએ પોતાનો જીવ બચાવવા માટે ભારતમાં તેમના સંબંધીઓના ઘરોમાં આશરો લીધો છે. આંદોલનકારીઓનો ગુસ્સો સીધો તેમના પર ભડકી ઉઠયો છે.

ઘણા મંત્રીઓ અને નેતાઓના ખાનગી નિવાસ સ્થાનો પર આગચંપી અને તોડફોડ થઈ છે. આંદોલનકારીઓ તેમને શોધી રહ્યા છે. તેથી, તેઓ નેપાળની સરહદે આવેલા ભારતીય શહેરો, રકસૌલ, આદાપુર, ભેલહી, છોડાદાનો, મોતીહારી, બેતિયા, અરેરાજ, કેસરિયા તરફ વળ્યા છે.

નેપાળમાં હાલની ઘટનાને કારણે ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે એર ઈન્ડિયા બુધવાર અને ગુરૂવારે દિલ્હીથી કાઠમંડુ અને પાછા ફરવા માટે ખાસ ફલાઈટસ ચલાવી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેની નિયમિત ફલાઈટ્સ ફરી શરૂ થશે. એર ઈન્ડિયાએ સરકાર અને અન્ય એજન્સીઓનો આભાર માન્યો જેમણે મુસાફરોને મદદ કરવા માટે ઝડપથી કામ કર્યુ.

નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બનવાનું નકકી છે. તેમને જેન-ઝેડ અને કાઠમંડુના મેયર બાલેન શાહનું સમર્થન છે.

સુશીલા વચગાળાની સરકારમાં બાલેનના પ્રોકસી તરીકે કામ કરશે. જયારે પણ ચૂંટણી થશે ત્યારે બાલેન ચૂંટણી લડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh