Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપાળે ભસ્મ કે ચંદનનું ત્રિપુંડ, ઉગુ ઉગુ થતી કાબરચીતરી દાઢી, માટે મોટેથી મહાદેવ હર... ના અવાજ આ બધી નિશાની દેખાય એટલે શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે એમ સમજવું.
પરંતુ ઉપવાસની વાત આવે ત્યાં મારા તો ટાંટિયા ઢીલા થવા લાગે. આમ તો ડાયેટીંગનો મોટો ભાઈ એટલે ઉપવાસ પણ ડાયેટીંગ કરતા સારો. આમ પણ નાનો ભાઈ કોઈપણ સ્ટોરીમાં કાં તો સાવ બગડેલો હોય અને કાં તો ખૂબ જ સારો હોય. જોકે મને ડાયેટીંગ કરતા ઉપવાસ ગમે કેમ કે જાતજાતના ફરાળ તો મળે.
આ વાંચીને હરખાઇ જવાની જરૂર નથી કેમ કે તમારા ઘેર કદાચ સારા સારા ફરાળ બનાવવામાં આવતા હશે, મારા ઘેર તો 'શરિર જોયું? આમા ફરાળ ન હોય સીધો અને કોરેકોરો ઉપવાસ જ તમારે કરવાનો છે' એવો ફરજિયાત ઓર્ડર આવી જાય છે. આ નહીં પણ ઉપરથી પાછું પીવાનું પણ બંધ કરવાનું! ખરેખર અમારા ગુજરાતીઓને 'હું શ્રાવણમાં નથી લેતો' બોલતા જોવા એ એક લ્હાવો છે.
આટલું દુઃખ ભરેલું મોઢું તો કોઈક ગુજરી ગયું હોય અને તેના ઉઠમણામાં ગયો હોય ત્યારે પણ એ માણસનું આટલું દુઃખી મોઢું જોવા નથી મળતું!!!
સામાન્ય રીતે પત્નીના સાદે જાગતો હું રસોડાની કુકરની સીટી પર જાગ્યો. મોઢુ ઉટકીને રસોડામાં ડોકિયુ કર્યું. પત્નીએ મને જોયો પણ ખરો પણ રોજની જેમ જ મને ઇગ્નોર કર્યો! મેં કોગળા કરવામાં એટલો અવાજ કર્યો કે તેનું ધ્યાન મારા તરફ આકર્ષિત થાય. એમ છતાં કોઈ જવાબ ન આવ્યો એટલે મેં કાયમ બોલાતો શબ્દ 'સાંભળ્યું' નો પ્રયોગ કર્યો. મને ખબર હતી જ કે તાડુકશે અને એ મુજબ જ જેમ રોજ એ જગાડે પછી જ હું જાગતો હોઉં ત્યારે આજે તેના કામમાં વગર જગાડ્યે ડીસ્ટર્બન્સ ઊભું કરતો હોઉં જે તેના નિયમ વિરૂદ્ધ હોય તો પછી ગમે ક્યાંથી? મને ચા પીવડાવવાની હતી એ તેમને ખબર જ હતી પણ 'હવે કુકર ઉપર ચડી જાઉં તો થાય' જેવા શબ્દોએ મને શાંત પાડી દીધો. સાચુ કહું તો મને કુકર ઉપર દયા આવી કે જો આ મહાકાયા સાચે કુકર પર ચડી જાય તો બચારા કુકરની થાળી બનતા વાર નહીં લાગે! રાહ જોયા પછી ચા તો મળી પણ મારો મૂળ હેતુ તેમને એ જણાવવાનો હતો કે શ્રાવણ મહિનો શરૂ થયો છે તો હું ઉપવાસ કરૂં.
એ જણાવ્યાનો મને આનંદ હતો પણ જે અટ્ટહાસ્ય મેં સાંભળ્યું કે જાણે મેં કોઈ મોટો ગુન્હો આચરી લીધો હોય. મારા પત્નીની એ ખૂબી છે કે એ ઇચ્છતી હોય છતાં આ રીતે મારા ઝમીરને હલાવે અને એ ઉપરાંત એ ઇચ્છતી હોય અને તમે કહો એ પણ એનાથી સહન ન થાય! જો એ ઇચ્છે અને એના મુખે સુચનો આપે અને જો તમે સ્વીકારો તો રાજાપાઠમાં આવી જાય.
મારો ઇરાદો મજબૂત હતો એટલે હાસ્ય ગળી જઈને તેમને મારી અડગ ઇચ્છાઓની વાત કરી. આમ તો તેના ચહેરા પર મને નાસ્તો કરતો જોઈને એ ભાવ તો હતાં જ કે જે માણસ નાસ્તો જમવા જેટલો કરી જાય છે ઉપવાસ શું કરશે? તેમ છતાં તેણે હામી ભરી અને એક લીસ્ટ તૈયાર કરવા માટે મારા હાથમાં કાગળ પેન પકડાવ્યા. મનનો રાજીપો એટલો હતો કે મારૂ કેટલું ધ્યાન રાખે છે કે હમણાં ફરાળી વાનગીઓ માટે જોઈતી સાધન સામગ્રી લખાવશે પણ મને લખાવવાનું શરૂ કર્યું ત્યારે મુખડૂ બાંધ્યું કે 'ઉપવાસ માટેના નિયમો' આ ટાઈટલ વાંચીને જ લેખની અંદર શું સામગ્રી હશે એ તમને ખબર પડી જાય એમ જ મને પણ ભયંકરતાનું ભાન તો થઈ જ ગયું હતું પણ એ કળી ન જાય એ માટે હસતા મુખે આગળ ચાલવા દીધું.
નિયમ ૧-શ્રાવણ મહિનાના ઉપવાસ ૪ દિવસ ચાલ્યા ગયા છે એટલે શ્રાવણ પતી ગયા પછી પણ એક અઠવાડિયું ચાલુ રહેશે.
નિયમ ૨-ઉપવાસ દરમિયાન રસોડાંથી ૧૦ ફૂટનું અંતર જાળવી રાખવું એટલે એ લોકો જે વાનગીઓ બનાવીને ખાતા હોય તેના પર નજર ન પડે અને સંયંમ જળવાઈ રહે. બિનઉપવાસી લોકોને ખાધા પછી લૂઝ મોશન ન થાય!
નિયમ ૩-ઉપવાસ દરમિયાન બને તો મૌન જ રાખવું જેથી કરીને કોઈ ફરાળી વાનગીનું નામ ભૂલેચૂકે પણ ન બોલાઇ જાય. ટૂંકમાં ઉપવાસ ફરાળ વગરના રખાવવા ઇચ્છતા હતાં!
નિયમ ૪-બહાર એકલા ફરવા જવાની મનાઇ છે. હું (એટલે કે એ) ઇચ્છું એ મેમ્બરને સાથે લઈને જ નીકળવાનું જેથી ખબર ન પડે એ રીતે હું કંઈ ખાઇ ન લઉં. આમ તો ફરાળના આકાશી સપનાઓ કડડભૂસ થઈ ગયા હતાં, ગાત્રો શિથિલ થવા લાગ્યા હતાં. લો બીપી તો આ નિયમો સાંભળતા જ થઈ ગયેલું તો પણ મેં પ્રશ્ન કર્યો કે જો તબિયત બગડી જશે તો શું કરવાનું રહેશે? એના જવાબમાં નવો નિયમ આપ્યો,
નિયમ ૫-ઉપવાસીની તબિયત મને લથડતી જણાય તો લીંબુ સરબત અને એ પણ યોગ્ય માત્રામાં આપવામાં આવશે.
નિયમ ૬-શંકર ભગવાનના નામે દારુને સોમરસમાં ખપાવી સેવન કરવાની છૂટ નથી. મારા પર શું વિતતી હતી એ હું જ જાણતો હતો. યુદ્ધમાં પણ નિયમો હોય કે જો કોઈ હથિયાર છોડી દે તો ઉદાર દિલે તેને માફ કરી દેવામાં આવતો પણ મારી સામેનો યો્ધ્ધી તો હું ઘા પર ઘા કરીને મને પતાવવાની જ તૈયારીમાં જ હતી!
નિયમ ૭-શ્રાવણ માસ દરમિયાન ફ્રીઝ અને રસોડું બંને લોક રહેશે જેની ચાવી માત્ર અને માત્ર મારી પાસે રહેશે કારણ કે દરેક વખતે પ્રોગ્રામ પૂરો થયા પછી આયોજકો જમાડતા નથી અને તેમણે ડબ્બા ફંફોસવાનો અવાજ અને ફ્રીઝ ચેક કરતો મને જોયો છે.
નિયમ ૮-બોલાતાં જ મેં વિરોધ કરવાને બદલે ટેબલ પર ઉંઘી જવાની એક્ટીંગ કરી મને હચમચાવીને જગાડ્યો એટલે તરત જ મેં કહૃાું કે 'અહિંયા હું કેમ ઊંઘી ગયો છું? અને આ કાગળ પેન કેમ મારી પાસે પડ્યા છે? મને લાગે છે રાત્રે લેખ લખવા માટે લીધા હશે અને અહીંયા જ ઊંઘી ગયો હોઇશ. ચાલ ચા બનાવ' મારી દરેક એક્ટીંગને ઓળખી જતી હોય એટલે હું કહું એ પહેલા જ બોલી ગઈ કે 'ટૂંકમાં ઉપવાસનો પ્રોગ્રામ કેન્સલ ને?' મારા મૌનમાં મારી હા છુપાયેલી હતી.
વિચારવાયુઃ આપણે ઉપવાસ ન કરી શકીએ પરંતુ ઉપવાસી ના ઘરે ફરાળના સમયે જઈ તો શકીએ જ. બોલાવજો હોં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial