Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદરના દરિયામાંથી કરોડોની કિંમતનું ર૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશનઃ બે પેડલરોની ધરપકડઃ સઘન પૂછપરછ શરૃઃ ઈરાની કલેક્શન ખૂલ્યુ

                                                                                                                                                                                                      

પોરબંદર તા. ૧૭: પોરબંદરના દરિયામાંથી ર૦૦ કિલોથી વધુનું કરોડોની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ઈરાનથી ર શખ્સ જથ્થો લાવતા હતાં. ગુજરાત એટીએસ-કોસ્ટ ગાર્ડે સફળ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને કરોડો રૂપિયાની કિંમતનો ર૦૦ કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોઈ સ્થળે આવવાનો હતો, પરંતુ તે પહેલા એટીએસ અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી જ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક વિગતમાં ઈરાનથી ર શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતાં, જેમની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટીમાં લાવવામાં આવી રહ્યો છે. ગુજરાત એટીએસ એ ડ્રગ્સ પેડલર બે ઈરાનીની ધરપકડ કરી છે.

મળતા અહેવાલો મુજબ ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે  હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી ર૦૦ કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખસોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતાં અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ સ્મગલિંગ માટે સોફ્ટ ટાર્ગેટ ન બને તે માટે રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંકલનને કારણે મધદરિયે જ ડ્રગ્સ પકડી પાડવાના કિસ્સાઓ વધ્યા છે, જે સ્મગલરો માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘૂસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટિક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ ર૦રપ મા જ ગુજરાતમાંથી રર૪૦ કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી રર૪૦ કરોડ રૂપિયાનું ર૦,૮ર૩ કિલો સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૩,૯૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૪ લાખ કિલો સિન્થેટિક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh