Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પદયાત્રિઓ સહિત દર્શનાર્થીઓની વધતી ભીડઃ ફૂલડોલ ઉત્સવ માટે કૃષ્ણનગરી સજ્જ

જગતમંદિરમાં કાળિયા ઠાકોર સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા યાત્રિકોનો અવિરત પ્રવાહઃ પદયાત્રિઓ માટે ઠેર-ઠેર ધમધમતા સેવા કેમ્પઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા/દ્વારકા તા. ર૬: દ્વારકામાં અત્યારથી જ ફૂલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલા આરતીથી બપોરે અનોસર તેમજ સાંજે ઉત્થાપનથી શયન સુધી ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ભીડને કન્ટ્રોલ કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ગામેગામથી લાખો ભાવિકો પગપાળા તેમજ વાહનો દ્વારા આવી રહ્યા છે. જેમાં હાલારના જામગર, ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, કલ્યાણપુર સહિતના વિસ્તારો, ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, મોરબી, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, વિરમગામ, સહિતના જિલ્લાઓમાંથી પણ પદયાત્રીઓ મોટી સંખ્યામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા નીકળી રહ્યા છે. પદયાત્રીઓમાં ભરવાડ તથા રબારી સમાજના ભાવિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રે પણ વિવિધ સ્તરે યાત્રાળુઓની સુખાકારી, સલામતી તથા સુરક્ષા અંગે તડામાર તૈયારીઓ કરી છે, જેમાં પોલીસ વિભાગ, કલેક્ટર કચેરી, નગરપાલિકા, દેવસ્થાન સમિતિ તેમજ સ્વયંસેવી સંસ્થાઓ પણ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે. શહેરમાં ટ્રાફિક અનુસંધાને પણ એકમાર્ગિય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ શહેર તેમજ આસપાસના પદયાત્રીઓ માર્ગમાં ભોજન, નાસ્તા, આરામના સ્ટોલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે, અને ટ્રાફિક તથા સુરક્ષા-સલામતીને ધ્યાને રાખીને કેટલીક પ્રતિબંધાત્મક આદેશો પણ અપાઈ રહ્યા છે.

ફૂલડોલ ઉત્સવને ગણત્રીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના પશ્ચિમ છેવાડે આવેલ શ્રીકૃષ્ણની રાજધાની અને કર્મભૂમિ દ્વારકા યાત્રાધામ તરફ હજારો પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓનો પ્રવાહ ફંટાયો છે અને કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ તરફથી પદયાત્રીઓ અને ભાવિકોનો પ્રવાહ દ્વારકાધીશ રાજાધિરાજ સંગ ફૂલડોલ મનાવવાના ભાવ સાથે શ્રદ્ધાભેર જગત મંદિર પાસે અત્યારે પહોંચી રહ્યા છે.

ખંભાળિયા-દ્વારકા રોડ પર સેવા કેમ્પોનો ધમધમાટ ર૪ કલાક ચાલુ રહે છે. દ્વારકા જિલ્લા પોલીસના સેવા કેમ્પ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પો જેમાં અનેક વર્ષોથી નિયમિત કેમ્પો ચલાવે છે ત્યાં સવારથી મોટી રાત્રિ અને ફરી વહેલી સવારથી યાત્રિકો વિવિધ સેવાનો લાભ લે છે તો સેવા માટે પણ સ્વયંસેવકો, સેવકો મોટી સંખ્યામાં ઉમટે છે. અનેક સેવા કેમ્પોમાં નાહવાધોવાની વ્યવસ્થા, ભોજન, નાસ્તા, ચા-પાણી, ઠંડાપીણા, સામાન્ય આરોગ્ય વિષયક દવાઓ, પગ માટે ગરમ પાણીની વ્યવસ્થા,ફરાળ, ફ્રૂટ તથા ગરમાગરમ ભજિયા તથા વિવિધ મીઠાઈઓની પણ વ્યવસ્થા સાથે અનેક કેમ્પોમાં ચાલતા પદયાત્રીને ગોટલા ચડતા હોય, પગ ભરાઈ જતા હોય, પગની માલીસની પણ વ્યવસ્થા માટે મશીનોની પગને આરામ મળેતે માટેની પણ વ્યવસ્થા સાથે રાત્રે ચાલનારા પદયાત્રીને ચમકતા સ્ટીકરો લગાવવાની પણ સેવા પૂરી પાડવામાં આવે છે.

રોજ હજારોની સંખ્યામાં દ્વારકા જતા માનવ મહેરામણની સેવા કરી પુણ્ય કમાવા માટે પણ ઢગલાબંધ ભક્તો વિવિધ સેવા સામગ્રી લઈ રોડ પર ઊભા રહીને જતા પદયાત્રીઓની સેવા કરે છે.

રસ્તા પર પીવાના ઠંડા પાણીના મોટા જગ લઈને મોટા જથ્થામાં ઠંડી છાશ તથા લચ્છી તથા સરબત લઈને ટેમ્પા ભરીને ફળો અને લીલા નાળિયેર લઈને, તરબૂચના ટેમ્પા ભરીને, મીઠાઈઓ લઈને તથા ડ્રાયફ્રૂટના ઢગલા લઈને ભાવિકો રસ્તે નીકળતા પદયાત્રીઓને આપીને સેવા કરતા નજરે પડે છે, તો અત્યંત મોટી સંખ્યામાં ચાલતા સેવા કેમ્પોમાં પ્રેમથી આગ્રહ કરીને સેવા માટે લઈ જવા અનેક સેવકો પદયાત્રીના પગમાં પણ પડી જાય, ત્યારે પ્રેરણાત્મક દૃશ્યો ઊભા થાય છે, અને પદયાત્રીઓ પણ ભાવુક બની જતા જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh