Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે ચોમાસુ તો લાંબુ ચાલ્યુ જ હતું અને હવે માવઠાનો માર પડી રહ્યો છે. છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે હવે નવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ સંકટના સમયે દેશના કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૧મો હપ્તો હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા નહીં થયો હોવાથી લગભગ દસેક કરોડ ખેડૂતો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાના પણ અહેવાલો છે. આ હપ્તો દિવાળી પહેલા જ તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ જવો જોઈતો હતો, પરંતુ હવે મોદી સરકાર બાકીના ખેડૂતોના ખાતામાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જમા કરાવી શકે છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને ઈ-કેવાયસી, આધાર સીડીંગ અને અન્ય પ્રક્રિયા પૂરી કરીને ચકાસાયેલી ખેડૂત લાભાર્થીઓની યાદી સત્વરે કેન્દ્રને મોકલી આપવા જે અપીલ કરી છે, તે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજયો વચ્ચે આ યોજનાના સંદર્ભે જોઈએ તેવો તાલમેળ નથી અથવા આ મુદ્દે પણ રાજનીતિ રમાઈ રહી છે. કેટલાક વિવેચકો કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિનો રૂા. બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવા થયેલા વિલંબને બિહારની ચૂંટણીમાં થનારા પ્રથમ તબક્કાના મતદાન સાથે પણ સાંકળે છે, જ્યારે કેટલાક વિવેચકો આને પ્રક્રિયાત્મક વિલંબ અને કેટલાક રાજયોમાં તંત્રોની લાપરવાહી અથવા અસહયોગ પણ ગણાવે છે.
પડ્યા પર લાત લાગે તેવી રીતે હવે રાજ્યમાં માવઠાનો માર પડી રહ્યો છે. આજે પણ સવારથી જ હાલાર સહિત રાજયમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે, અને હવામાન ખાતાએ જુદા જુદા એલર્ટ આપ્યા છે. ગઈ રાત્રે પણ જામનગર સહિત અનેક સ્થળે વારસાદ પડતા રસ્તાઓ પર પાણી નીકળ્યા અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો ચિંતા ઊભી કરનારા છે. કેટલાક ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા ભાગવત સપ્તાહના આયોજનોમાં પણ કમોસમી વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો જોતાં દિવાળીના તહેવારો પછી આવેલી આ કુદરતી આફતે જનજીવન પર માઠી અસર તો કરી જ છે, પરંતુ, આ કારણે જગતના તાત ધરતીપુત્રોને પડનારો આર્થિક ફટકો પણ ચિંતાજનક છે અને જેને જેને હકીકતે ભારે નુકસાન થયું હોય, તેઓને તત્કાળ સહાયની જરૂર છે.
માવઠાનો માર પડ્યો અને ખેડૂતોની માઠી દશાની સ્થિતિ પછી રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવાયા અને વારસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ઠંડક અને લોકોમાં ઉચાટ પ્રસર્યા છે. આજે સવારથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા પવન અને ઘટાટોપ વાદળોથી છવાયેલા વાતાવરણ વચ્ચે ૩૦મી ઓક્ટોબર સુધી વરસાવદની નવી આગાહી થતાં માત્ર ખેડૂતો નહીં, તમામ લોકો વિમાસણમાં મુકાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે, જેથી તાજેતરમાં દરિયામાં એક બોટ ડૂબી જતાં આઠ લોકોનું મહામુસીબતે કરાયેલા રેસ્કયૂ જેવી દુર્ઘટનાને નિવારી શકાય.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે આ મુદ્દે તત્કાળ સિનિયર અને સંબંધિત મંત્રીઓની બેઠક યોજીને અડધો ડઝન જેટલા રાજ્ય સરકારના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપ્યા પછી આજે જિલ્લે-જિલ્લે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના નેતાઓ સહિતના જનપ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારોની સ્થિતિનું આલંકન કરીને તંત્રો સમક્ષ રજૂ કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે જ્યાં જરૂર જણાય ત્યાં લોકોને તત્કાળ મદદ-રાહત-બચાવની કામગીરી અને તે પછી તબક્કાવાર સર્વે કરીને ખેડૂતોને થયેલા ખેતીપાકના નુકસાન સંદર્ભે ઝડપભેર સહાય ચૂકવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આગામી ૪૮ કલાકમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે, તેવા સંકેતો પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ફેલાઈ રહેલા સિઝનલ રોગચાળા સંદર્ભે ઝડપભેર પગલાં લેવા તથા સફાઈ-સ્વચ્છતાના શ્રેણીબદ્ધ કદમ તત્કાળ ઉઠાવવાના નિર્દેશો પણ અપાઈ રહ્યા છે.
માવઠાને કારણે ઠેર-ઠેર વીજપુરવઠો પણ ખોરવાયો છે, અને સંખ્યાબંધ ફીડરમાં માવઠાના કારણે ટ્રાન્સફોર્મર્સ ડેમેજ થતા અને કેટલાક સ્થળે થાંભલાઓ પડી જતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિથી અંધારપટ છવાયો છે. તે ઉપરાંત વીજ કરંટથી લોકોનો જીવ ગયો હોવાના દુઃખદાયી અહેવાલો પણ આવ્યા છે. વીજતંત્રની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભાજપ સરકાર પર કોંગ્રેસે તડાપીટ બોલાવી છે અને સૌરાષ્ટ્રમાં વર્તમાન વિકટ સ્થિતિમાં સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ધરતીપુત્રો માટ રાજય સરકાર જરાયે ચિંતિત જણાતી નથી. તેમણેે સત્વરે રાહત પેકેજ જાહેર કરવા અને દેવામાફીની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ ગામે ગામ ઉગ્ર આંદોલનો કરશે, તેવી ચિમકી પણ રાજ્ય સરકારને આપી છે. તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારને રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ગણાવીને ધગધગતા શાબ્દિક પ્રહારો કર્યા હતા, તો કેટલાક કોંગી નેતાઓએ તો બિહારની ચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે, તેવી ભવિષ્યવાણી કરી દીધી છે !
ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે, તે માટે એપીએમસીમાં ગ્રેડર રાખવાના મુદ્દે પણ ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે અને ડિજિટલ બોર્ડ પર માહિતી દર્શાવાતી નહીં હોવાના આક્ષેપો સાથે રાજ્યના એપીએમસી પર ભાજપના મળતિયાઓએ ગોડાઉનો પર કબ્જો જમાવી દેવાયો હોવાના સણસણતા પ્રહારો થઈ રહ્યા છે, અને તેની સામે આને વિપક્ષની હતાશા ગણાવતા પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, ત્યારે સહકારીક્ષેત્રે પણ રાજકારણ ગરમાયુ છે. આ પ્રકારના પ્રહારો કરાવનાર ભાજપના જ પરિબળો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
આ તમામા ઘટનાક્રમો વચ્ચે જયારે ખેડૂતો માવઠાના મારથી પીડિત છે, ત્યારે રાજનીતિ ઉપર ઉઠીને શાસકપક્ષ અને વિપક્ષો પ્રોપાગન્ડા બંધ કરીને હકીકતમાં ખેડૂતોની વચ્ચે જઈને તેઓને મદદરૂપ થાય, તે જરૂરી હોવાના તટસ્થ પ્રતિભાવો પડી રહ્યા છે.
એક વર્ગ એવો પણ છે કે જેને વરસાદી પ્રકોપથી માલ-મિલકત, દુકાનો-ઘરવખરી કે રોજગારીના સાધનોને નુકસાન થયું હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા આ પ્રકારના લોકોને પણ સરકારે ખેતીના નુકસાનની જેમ જ સર્વે કરાવીને સહાયભૂત થવું જોઈએ, તેવી જનમાંગણીને પણ વિપક્ષોનું સમર્થન મળશે, તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial