Advertisement
Author: નોબત સમાચાર

ફૂલ નહીં તો, ફૂલની ૫ાંખડી... ટ્રાન્સપરન્ટ કરપ્શન!

                                                                                                                                                                                                      

 

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશ્યલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષાઓ ૧૨ ઓક્ટોબરે લેવામાં આવશે, તેવી જાહેરાત થઈ હતી. તે પછી ટાટની પરીક્ષાઓ સંદર્ભે પણ શિક્ષણ વિભાગે જાહેરાત કરી હોવાની ચર્ચા વચ્ચે શિક્ષકોની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવા સાથે ભરતી પસંદગી પછી પણ ખૂલ્લેઆમ ભ્રષ્ટાચારની રાવ ઉઠી રહી છે અને નિયુક્ત થયેલા શિક્ષકો પાસે "ફૂલ નહીં તો ફૂલની પાંખડી" આપવાનું કહેવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આવું થતું હોય તો તે ગંભીર ગણી શકાય અને એ અંગે સરકાર તથા કેળવણીક્ષેત્રે કાર્યરત લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ યોગ્ય તપાસ કરીને જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, તેવા જનપ્રતિભાવો અવગણવા જેવા નથી.

પહેલા તો શિક્ષકોના પગારમાંથી ૨૦ ટકા કાપી લેેવામાં આવતા હોવાની ફરિયાદો હતી, પરંતુ અદ્યતન ચૂકવણી પદ્ધતિએ તથા શિક્ષકોને બેન્ક એકાઉન્ટ્સમાં પગાર ડાયરેક્ટ જમા કરાવવાની પદ્ધતિઓ અમલી બન્યા પછી પણ અન્ડર ટેબલ ચોક્કસ રકમ અથવા ટકાવારી વસુલ થતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હતી.

જો કે, આવી ફરિયાદોના કોઈ ચોક્કસ આધાર-પૂરાવા કે ઓનપેપર ગરબડ જોવા મળતી નહીં હોવાથી પૂરાવાના અભાવે જે રીતે આરોપીઓ નિર્દોષ છુટી જાય, તેવી જ રીતે આધાર-પૂરાવાના અભાવે હોશિયારીપૂર્વક થતા પડદા પાછળના ભ્રષ્ટાચારને ડામી શકાતો નહોતો અને આ પ્રકારની ફરિયાદો કોઈપણ આધાર વગર સાચી માની લેવાનું પણ ન્યાય સંગત કે યોગ્ય ગણાય તેમ નહોતું.

હવે એક નવી ફરિયાદ ઉઠી છે, જે ગંભીર ગણાય. એવું કહેવાય છે કે હવે નિયુક્ત થયેલા શિક્ષણ સહાયકો જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાજર થવા જાય, ત્યારે તેની પાસે (ફરજિયાત) ડોનેશન અથવા દાનની ચોક્કસ રકમ માંગવામાં આવે છે., અને તેવું નહીં કરનાર શિક્ષણ સહાયકો (શિક્ષકો)ને સંચાલકો કે ટ્રસ્ટના અસહયોગનો સામનો કરવો પડે છે.

ઘણી બધી ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો સરકારની ગ્રાન્ટથી ચાલે છે., અને આ પ્રકારની ગ્રાન્ટ-ઈન-એઈડ સ્કૂલોમાં રાજ્યમાં ૨૭ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ સ્થિતિમાં તબક્કાવાર સુધારો કરવા રાજય સરકારે ટાટ-૧ અને ટાટ-૨ પરીક્ષા પાસ કરેલા ક્વોલિફાઈડ ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે પસંદગી કરીને તેની વિવિધ ગ્રાન્ટેડ શાળાઓને ફાળવણી કરી હતી.

રાજય સરકારે પ્રથમ તબક્કામાં ૭૫૦૦ જગ્યાઓ માટે શિક્ષણ સહાયકોની પસંદગી કરીને ફાળવણી તો કરી દીધી, પરંતુ આ શિક્ષણ સહાયકો ફાળવણી મુજબની માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓમાં હાજર થવા જાય, ત્યારે ત્યાંના આચાર્ય કે સંચાલકો દ્વારા સંસ્થાને "ફૂલ નહીં તો ફૂલની પાંખડી" આપવાનું કહેવામાં (અથવા દબાણ કરવામાં) આવતું હોવાની એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને એક નવી જ પ્રકારનું ભ્રષ્ટાચારનું સ્વરૂપ જ ગણી શકાય ને ?

સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું કહીને પોતાની શૈક્ષણિક સંસ્થામાં નોકરી આપવા બદલ નાણાં (લાંચ) માંગવામાં આવે, તો તેને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં.

પહેલા ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓ જ સરકારના નીતિ-નિયમો અને ગાઈડલાઈન્સ મુજબ ખાલી પડતી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરતી હતી, પરંતુ હવે સરકારે શિક્ષકોની સામૂહિક ભરતીનો અભિગમ અપનાવીને શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોની ભરતી કરવાના અધિકારો સરકાર હસ્તક લીધા છે, પરંતુ તે પછી પણ ઘણી સંસ્થાઓ પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર આચરી રહી હોવાની બૂમ ઉઠતી રહેતી હતી, પરંતુ "પૂરાવાના અભાવે" અસરકારક પગલા  લેવાતા નહીં હોવાથી નવી પ્રક્રિયા પણ ટ્રાન્સપરન્ટ કે પ્રામાણિક પૂરવાર થઈ નહીં હોવાના તારણો નીકળી રહ્યા છે.

જો કે, હવે આ પ્રકારની ભ્રષ્ટ પ્રક્રિયાનો ઓડિયો-વીડિયો ઉતારીને (રેકોર્ડિંગ કરીને) પૂરક પૂરાવા ઊભા કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, અને છોટા ઉદેપુરમાં આ પ્રકારે ફરિયાદ કરાયા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

છોટા ઉદેપુરમાં તો ત્યાંની નગરપાલિકા સંચાલિત એક હાઈસ્કૂલમાં ૯ નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ આ પ્રકારની ભ્રષ્ટાચારની ફરિયાદ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી અને છેક ડીજીપી સુધી રજૂઆતો કરી હોવાનો કિસ્સો બહાર આવ્યા પછી ખૂલ્લેઆમ થતા છૂપા ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પડક્યું છે, આ શિક્ષણ સહાયકો ગઈકાલે રાજ્યની રાજધાનીમાં પહોંચ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શિક્ષકો પાસેથી નાણા માંગવામાં આવ્યા હોવાનું મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું છે અને એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે જો આ ચોક્કસ ગ્રાન્ટ-ઈન એઈડ સંસ્થાને નોકરી માટે નાણા નહીં અપાય તો ખોટા આક્ષેપો કરીને ગુન્હામાં ફસાવીને સસ્પેન્ડ કરી દેવાની ધમકી પણ અપાઈ રહી છે.

જો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની કચેરીમાં જ આ પ્રકારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું દબાણ કરીને ધાકધમકી અપાતી હોય અને અનૈતિક તથા ખંડણીખોરી જેવી માનસિકતા રખાતી હોય તો રાજયની કોમળ પરંતુ કઠોર સરકાર આ પ્રકારના મુદ્દે કેમ ગંભીર નથી ? તેવા સવાલો ઉઠે એ પણ સ્વાભાવિક છે, યુવા કાર્યકર યુવરાજસિંહેે પણ આ મુદ્દે શિક્ષકોને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજ્યા પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે અને રાજ્યના શિક્ષણ વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારે "ટ્રાન્સપરન્ટ કરપ્શન" ના કિસ્સાઓ રાજ્યમાં જ્યાં જ્યાં બન્યા હોય, ત્યાં ત્યાં ઊંડી તપાસ કરીને કડક કદમ ઉઠાવવા જ જોઈએ, તેવો જનમત અવગણવો ભારે પડી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh