Advertisement
Author: નોબત સમાચાર

રૂડું અમારૃં ખાડાનગર...

                                                                                                                                                                                                      

હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં છું. મને ખબર છે કે અત્યારે ભારતમાં ચોમાસુ પૂરબહારમા ચાલે છે. અને ચોમાસુ એટલે તો પોલ ? ખોલની ઋતુ. એટલે કે પાછલા એક વર્ષ દરમિયાન જેટલા પણ રોડ બન્યા હોય (જો બન્યા હોય તો) અથવા તો રીપેર કરવામાં આવ્યા હોય તેમાં, જેટલી પણ પોલંપોલ કરવામાં આવી હોય તે બધી જ પ્રથમ વરસાદમાં છતી થાય છે. અને આ બધી જ પોલંપોલ શહેરના રસ્તા ઉપર ખાડા રૂપે પ્રગટ થાય છે.

જો કે હું ઓસ્ટ્રેલિયામાં આવીને રસ્તા ઉપરના ખાડા વિશે ભૂલી ગયો છું. કારણ કે થયું છે એવું કે જે રીતે ભારતમાં અસંખ્ય ખાડાઓ વચ્ચે ક્યાંક રોડના દર્શન પણ થાય છે, તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં મોટા મોટા રોડ વચ્ચે ક્યાંક અપવાદરૂપે ખાડાઓ જોવા મળે છે.

હજુ આજે સવારે જ મને અહીંની  એડિલેડ મ્યુનિસિપાલિટીનો મેસેજ આવ્યો છે કે આવતી કાલે અમારા ઘર પાસેનો અડધો કિલોમીટરનો રસ્તો બંધ રહેશે કારણ કે ત્યાં રોડ રીસર્ફેસિંગ કરવાનું છે. મને થયું અહીં કોઈ ખાડા નથી તો રીસર્ફેસિંગ શા માટે ?

મારી આ મૂંઝવણ કળી ગયેલા મારા એન.આર.આઈ. પાડોશી મિસ્ટર શાહ બોલ્યા, *રસ્તા પર એક પણ ખાડો ભવિષ્યમાં પણ ન પડે એટલા માટે..!*

રસ્તા પરના ખાડાઓ વિશે મારૃં મનોમંથન ચાલી રહ્યું હતું ત્યાં જ ખાડાનગરથી -- ના ના સોરી, જામનગરથી શશીકાંત મશરૂનો મને ફોન આવ્યો, *ભરતભાઈ, સરકાર આ વર્ષે તો આપણી ખાડાઓની સમસ્યા ચોક્કસ હલ કરશે.*

*કઈ રીતે ?* મેં પૂછ્યું.

*ડિજિટલી..!*

*પણ કેવી રીતે ?*

*સરકારે આ વર્ષે એક 'ગુજ માર્ગ' નામની એપ લોન્ચ કરી છે. આપણે તેમાં ફરિયાદ કરવાની એટલે આપણા રસ્તાઓ પરના ખાડા *ડિજિટલી* રીપેર થઈ જશે. સિમેન્ટની કોઈ જરૂર જ નહીં ને..!!*

મને એક વાત બરાબર સમજાઈ ગઈ. રસ્તા ઉપરના ખાડા તો રીપેર થશે કે નહીં થાય, પરંતુ એપ ઉપર આવેલી ફરિયાદ પરથી શહેરના રસ્તા ઉપરના ખાડાની સંખ્યા ચોક્કસ ગણી શકાશે. આપણા દેશમાં ભવિષ્યના પ્લાનિંગ માટે નાગરિકોની ફરિયાદના આંકડાઓ  જ અગત્યના છે, ફરિયાદનું નિરાકરણ નહીં.

થયું છે એવું કે કોરોનાના સમયથી આપણે બધા મેથી મારતા બહુ જ શીખી ગયા છીએ. લોકડાઉનમાં કંટાળી ગયેલા લાલાએ એક વખત ૧૦૦ ગ્રામ મેથી લીધી અને તેના દાણા ગણી કાઢ્યા, અને પોતાની ગણત્રીનો આંકડો સોશિયલ મીડિયા પર મૂકી દીધો. બસ પછી તો બધા જ ધંધે લાગી ગયા. કોઈકે સો ગ્રામ રાયના દાણા ગણી કાઢ્યા તો બીજાએ તેનાથી આગળ વધીને એક કિલો ચોખાના દાણા ગણી કાઢ્યા.

આ બધી જ ગણત્રીથી ફાયદો શું થયો? કશો જ નહીં. લાગે છે કે આ વર્ષે ગુજમાર્ગ નવી એપ થી ગુજરાતના રસ્તાઓ પર પડેલા ખાડાઓની સંખ્યા તો ગણી શકાશે, પરંતુ પછી શું ? કશું જ નહીં.

શું આપણી આ રસ્તા ઉપરના ખાડાઓની સમસ્યા ઉકેલાઈ જશે ?

બાવાજી કા થુલ્લું....!!!

વિદાય વેળાએઃ કહે છે કે આ વર્ષે તો સરકારના બજેટનો મોટો ભાગ રોડ પરના ખાડાઓ રીપેર કરવામાં  જ પૂરો થઈ જશે. અને બજેટની આ ખાધ પૂરી કરવા માટે નવા બનતા રસ્તાઓના બજેટમાં કરકસર કરવામાં આવશે.

અને પછી તો આવતા વર્ષથી આ નવા બનેલા રસ્તાઓ પર જ સૌથી વધુ ખાડા પડશે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh