Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(પ્રકરણ : ૨)
ઓમકારના ઘઉંના જેે ખેતરમાંથી ચાડિયો ઓમકારના દીકરા નંદુને ઊડાવીને લઈ ગયો હતો, એ ખેતરથી થોડેક દૂરથી એક બસ પસાર થઈ રહી હતી.
બસમાં મુંબઈની 'વિલ્સન કૉલેજ'ના પંદર વિદ્યાર્થીઓ હસતા-ગાતા મુંબઈ તરફ આગળ વધી રહ્યા હતા. તેઆ પોતાના આલ્બર્ટ સર અને બેલા ટીચર સાથે ખંડાલામાં પિકનિક મનાવીને મુંબઈ તરફ પાછા ફરી રહ્યા હતા.
વિદ્યાર્થીઓમાં દસ યુવાનો અને પાંચ યુવતીઓ હતી. બે યુવતીઓ નવ યુવાનો સાથે ગાતી-ધીંગામસ્તી કરી રહી હતી, જ્યારે એક યુવાન રોમિત પાછલી સીટ પર ચુપચાપ બેઠો હતો. એનાથી ચાર સીટ આગળ ત્રણ યુવતીઓ લવલીન, શિલ્પા અને નેહા બેઠી હતી.
'આ છોકરાઓ કયાર સુધી ભેંસાસુરમાં ગીતો ગાઈને આપણને બોર કરતા રહેશે ?' શ્યામ રંગની બૉબ્ડ કટ વાળવાળી શિલ્પાએે કહ્યું.
'જ્યાં સુધી આ લોકો જાતે જ કંટાળી-થાકી નહિ જાય.' ગોરા રંગની, લાંબા સોનેરી વાળવાળી કોઈ ફિલ્મી હિરોઈન જેવી ખૂબસૂરત લવલીએ કહ્યું.
'મને નથી લાગતું કે, આપણે મુંબઈ પહોંચીએ ત્યાં સુધી એ લોકો કંટાળે.' ઘંઉવર્ણી અને ઘુઘરાળા વાળવાળી નેહાએ કહીને, પાછલી સીટ પર ગંભીર ચહેરે બારી બહાર જોતા બેઠેલા ફિલ્મી હીરો જેવા હેન્ડસમ રોમિત તરફ એક નજર નાખી લેતાં લવલીને કહ્યું : '...પણ તારો મજનૂ કેમ આમ મોઢું લટકાવીને બેઠો છે ?'
'એ આપણી સામેની અંતાક્ષરીમાં હારી ગયો, એ વાતને પચાવી શકયો નથી.' લવલીએ કહ્યું.
'જિંદગીમાં હાર-જીત તો થતી જ રહે છે.' શિલ્પા બોલી : 'તેં એને સમજાવ્યો નહિ ?'
'સમજાવ્યો, પણ સમજતો જ નથી ને !'
'...લાગે છે કે, એ આપણાંથી ડરી ગયો છે !' નેહાએ રોમિતની ખિલ્લી ઉડાવી.
'હા, જો ડર ગયા, સમજો વો મર ગયા !' શિલ્પા હસતાં બોલી, એ જ પળે 'ભડામ્ !' એવો જોરદાર ધડાકો સંભળાયો અને બસ સહેજ હાલક-ડોલક થતી, થોડેક આગળ પહોંચીને બ્રેકની ધીમી ચિચિયારી સાથે ઊભી રહી ગઈ.
'શું થયું !' સહુથી આગળની સીટ પર બેઠેલી બેલા ટીચરે ડ્રાઈવર રહેમાનને પૂછયું.
'લાગે છે કે પંકચર પડયું !' કહેતાં ડ્રાઈવર રહેમાન સીટનો દરવાજો ખોલીને નીચે ઊતર્યો, તો બેલા ટીચરની બાજુમાં બેઠેલા આલ્બર્ટ સર ઊભા થયા. બસમાંના બધાં વિદ્યાર્થીઓ પણ પોત-પોતાની સીટ પરથી ઊભા થવા માંડયા એટલે ખડતલ શરીરના આલ્બર્ટ સરે પોતાના રોબીલા અવાજમાં હુકમ આપ્યો : 'બધાં પોત-પોતાની બાજુની સીટ પર બેસી રહો, કોઈએ બહાર નીકળવાનું નથી.' અને આલ્બર્ટ સર બસની નીચે ઊતર્યા. તેમણે જમણી બાજુના પાછળના ટાયર પાસે ઘુંટણિયે બેઠેલા રહેમાન અને બેલા ટીચર પાસે પહોંચીને ટાયર પર નજર નાંખી. ટાયર ફાટી ગયું હતું. કોઈક અણીદાર વસ્તુ ટાયરમાં ખૂંપેલી દેખાતી હતી.
બેલા ટીચરે ટાયર તરફ હાથ આગળ વધાર્યો. તેણે ફાટેલા ટાયરની ધાર પકડીને એની અંદરની બાજુ જોઈ.
'આ તો ટાયરની આરપાર ઘૂસી ગયું છે !' આલ્બર્ટ સર બોલી ઊઠયા.
બેલા ટીચર જમણા હાથથી એ અણિદાર વસ્તુ ખેંચી કાઢવા ગઈ, ત્યાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. '...ખબર નથી એ શું છે, પણ છે ખૂબ જ ધારદાર !' પીડાભર્યા અવાજે બોલતાં તેણે ચીરો પડી ગયેલી-લોહી નીંગળતી આંગળી મોઢામાં મૂકી દીધી.
આલ્બર્ટ સરે પોતાનો હાથ ઈજા ન પામે એ રીતના ટાયરમાં ખૂંપેલી વસ્તુ ખેંચી કાઢી અને એને જોવા લાગ્યા. બેલા ટીચર અને રહેમાન પણ એ વિચિત્ર વસ્તુને ધ્યાનથી નીરખી રહ્યા.
એક પાંચેક ઈંચ જેેટલો મોટો લોખંડનો ચોરસ ટુકડો હતો. એ ટુકડા પર જાણે માણસની એક લાશ કોતરાયેલી હતી. એ લોખંડના ટુકડાની ચારે બાજુના ખૂણામાં જાણે કોઈ ભયાનક પ્રાણીના પાંચ-પાંચ ઈંચ લાંબા અણિદાર-ધારદાર દાંત ફીટ થયેલા હતા.
આલ્બર્ટ સરે એ વસ્તુને પાછળની તરફ ફેરવી. એ બાજુ વચ્ચેના ભાગમાં જાણે કોઈ માણસની ખોપરી કોતરેલી હોય એવું લાગતું હતું.
'...આવી વસ્તુ મેં પહેલી વાર જોઈ !' બેલા ટીચર બોલી.
'મેં પણ મારી ત્રીસ વરસની જિંદગીમાં કદી આવી વસ્તુ જોઈ નથી.' રહેમાન બોલ્યો.
'વસ્તુ છે પણ ખતરનાક !' આલ્બર્ટ સર બોલ્યા : 'આટલા જાડા ટાયરને પણ કેવી ખરાબ રીતના ફાડી નાખ્યું.' અને આલ્બર્ટ સરનું ધ્યાન એની એક અણી પર લાગેલા લાલ ધબ્બા પર ગયું : 'આની પર તો લાલ ડાઘ પણ લાગેલો છે, જાણે લોહી ન હોય !'
રહેમાને આલ્બર્ટ સરના હાથમાંથી એ વસ્તુ લીધી, ત્યાં જ બસની નજીકની બારીમાંથી બહાર ઝાંખતા ઈરફાને કહ્યું : 'રહેમાન! જલદી ટાયર બદલ, અને ચાલ.'
'હા !' કહેતાં રહેમાને આલ્બર્ટ સર સામે જોયું અને ધીરેથી બોલ્યો : 'સર ! ટાયર નહિ બદલી શકાય !'
'કેમ ?' બેલા ટીચર પૂછી ઊઠી.
'હું જેક લેવાનું ભૂલી ગયો છું.'
'તને શું કહેવું ને તારું શું કરવું એ જ સમજ પડતી નથી !' આલ્બર્ટ સર ગુસ્સાથી બોલ્યા : 'હવે શું કરીશું !'
'ચિંતા ન કરો, સર !' રહેમાને કહ્યું : 'હમણાં કોઈ વાહન નીકળશે તો એની પાસેથી જેક લઈને ટાયર બદલી લઉં છું.'
'ઠીક છે !' આલ્બર્ટ સરે કહ્યું, પણ બસની અંદરથી બારીમાંથી આ ત્રણેયને જોઈ રહેલા અને એમની વાતચીત સાંભળી રહેલો ઈરફાન બબડયો : 'આ રસ્તેથી કોઈ વાહન નીકળે તો આપણાં નસીબ ! બાકી કલાક પહેલા હાઈવેની અંદરના આ રસ્તે ચઢયા પછી અહીં સુધી આવતા મને તો એકેય વાહન આવતું-જતું દેખાયું નથી !'
'શુભ-શુભ બોલ, ઈરફાન !' ઈરફાનની બાજુની સીટ પર બેઠેલા યશએ કહ્યું, ત્યાં જ 'રેડિયો જી' પર સમાચાર શરૂ થયા.
'હવે રેડિયો જી પર આજના તાજા સમાચાર સાંભળોે.' બસના સ્પીકરોમાંથી લેડી એનાઉન્સરનો અવાજ ગૂંજ્યો : 'આજના સનસનાટીભર્યા સમાચાર છે, 'ખંડાલાની ચાળીસ લાશના !'
'એય..!' ઈરફાને બૂમ પાડી : '..બધાં ચુપ રહો, સમાચાર સાંભળો.'
બસમાં બધાં વચ્ચે ચાલી રહેલો ગણગણાટ શાંત થઈ ગયો, એટલે રેડિયો પરનો એનાઉન્સરનો અવાજ વધુ ચોખ્ખો સંભળાવા લાગ્યો : 'બે કલાક પહેલાં જ મુંબઈ-ખંડાલા હાઈવે પરની એક ખાઈમાંથી પોલીસને એક બસ મળી આવી છે. અત્યારે અમારા રિપોર્ટર ઘટના સ્થળે પહોંચી ચૂકયા છે અને આપણને ત્યાંની પરિસ્થિતિ જણાવી રહ્યા છે.'
બસમાં બધાં એકધ્યાનથી સમાચાર સાંભળી રહ્યા.
'હા, તો હિમેશ !' રેડિયોમાંથી એનાઉન્સરનો અવાજ સંભળાયોઃ '...ત્યાંની શું હાલત છે એ આપણાં શ્રોતાઓ જાણવા બેચેન છે.'
'અહીંનું દૃશ્ય ખૂબ જ ભયાનક છે.' હિમેશનો અવાજ સંભળાયો : 'બસમાં ચાળીસ જેટલી સ્ત્રી-પુરુષોની લાશો પડી છે ! લાશોની હાલત એટલી હદે ખરાબ છે કે, જોનારનું કાળજું કાંપી ઊઠે.'
'....એટલે લાશો લોહીમાં લથબથ....'
'...એ તો છે જ, પણ વિચિત્ર વાત એ છે કે કોઈ લાશ આખી નથી. દરેક લાશનું કોઈને કોઈ અંગ ગાયબ છે.' હિમેશ ઘટનાસ્થળનો આંખે દેખ્યો અહેવાલ સંભળાવી રહ્યો હતો : 'અને બસની નજીકમાંથી માણસોના કેટલાંક હાડપિંજર પણ મળી આવ્યા છે, અને...,' અને હિમેશનો અવાજ આગળ ગૂંજે એ પહેલાં જ બસની અંદર આવેલી બેલા ટીચરે રેડિયોની સ્વિચ ઑફ કરી. હિમેશનો અવાજ બંધ થઈ ગયો, બધાંએ બેલા ટીચર સામે જોયું. બેલા ટીચરે મોબાઈલ પર હાઈવે પોલીસનો નંબર લગાવ્યો અને બોલવા માંડી : 'હેલ્લો ! અમે મુંબઈ-ખંડાલા હાઈવે પરથી બોલી રહ્યા છીએ. અમારી બસને પંકચર પડયું છે. અમારી પાસે ટાયર બદલવાનું સાધન નથી, પ્લીઝ અમને મદદ કરો !' અને મોબાઈલમાં સામેથી કોઈ જવાબ સંભળાવાને બદલે 'હેલ્લો ! હેેલ્લો ! તમારો અવાજ સંભળાતો નથી. પ્લીઝ, જરા જોરથી બોલો.' એવો જ અવાજ સંભળાવા લાગ્યો, એટલે બેલા ટીચરે ફરીથી એ જ વાત દોહરાવી, પણ સામેથી એ જ રીતનો જવાબ સંભળાયો. સામેવાળાને તેનો અવાજ સંભળાતો નહોતો.
બેલા ટીચરે ફોન કટ કર્યો અને ફરીથી હાઈવે પોલીસનો નંબર લગાવવા લાગી,
ત્યારે બસની બહાર ઊભેલો ડ્રાઈવર રહેમાન પેલી વિચિત્ર અણિદાર વસ્તુને હેરવી-ફેરવીને જોતાં આલ્બર્ટ સરને કહી રહ્યો હતો : 'સર ! આ ન તો જંગલી હાથીના દાંત છે કે ન તો કોઈ વરૂ જેવા પ્રાણીના નખ ! આ તો કંઈક અજબ વસ્તુ જ લાગે છે !'
'એ જે કંઈ પણ હોય એને ફેંકી દે.,' આલ્બર્ટ સરે બસના દરવાજા તરફ ચાલતાં કહ્યું : '..એમાં ઝેર પણ હોઈ શકે.' અને તેઓ બસમાં ચઢયા. બસમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી બેલા ટીચર હજુ પણ મદદ માટે હાઈવે પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહી હતી.
તો છેલ્લી સીટ પર જેકબ પાસે બેઠેલી સ્મિતાએ જેકબને ગભરાટ-ભર્યા અવાજે કહ્યું : 'શું લાગે છે, તને જેકબ ? બસમાં ખાઈમાં પડેલા એ ચાળીસ જણાંના શરીરના અંગ કેવી રીતના ગાયબ....'
'ભૂલી જા, એ સમાચારને !' જેકબે સ્મિતાની વાત કાપતાં કહ્યું: 'છાપાં, રેડિયો અને ટી. વી.વાળા વાતને મરી-મસાલો ભભરાવીને જ લોકો સામે રજૂ કરે છે.'
જોકે, જેકબે સ્મિતાના મનમાંથી આ સમાચાર ખંખેરાવી નાખવા માટે જ આવું કહ્યું હતું, બાકી તેના પોતાના મનમાં જ એ સમાચારને લગતો સવાલ ઘુમરાઈ રહ્યો હતો : 'બસ ખાઈમાં પડે, તો એમાં બેઠેલાંઓના હાડકાં-પાંસળાનો કચ્ચરઘાણ નીકળી જાય, પણ એમનાં કોઈને કોઈ અંગ તે વળી કેવી રીતના ગાયબ થાય ? ! ?'
૦ ૦ ૦
સાંજના સાડા પાંચ વાગ્યા હતા. વિલ્સન કૉલેજની ખોટકાયેલી આ બસથી થોડેક દૂર આવેલા ઓમકારના ખેતરમાં અત્યારે પણ સન્નાટો છવાયેલો હતો.
થોડીક મિનિટો પહેલાં ચાડિયો નંદુને લઈને હવામાં લઈને ઊડી ગયો એ વખતે છવાયેલો સન્નાટો એવોને એવો જ હતો ! નંદુની સાર-સંભાળથી જ ઊગેલા-ઊછરેલા ખેતરમાંના ઘઉંના પાકને પણ જાણે નંદુને ચાડિયો ઊઠાવી ગયો એનો આઘાત લાગ્યો હોય એમ એ સ્થિર ઊભો હતો.
આ પાક વચ્ચે નંદુનો મોટો ભાઈ ચંદર ફરી રહ્યો હતો ! તે પોતાના નાનાભાઈના ગૂમ થવા પાછળના ભેદનું પગેરું શોધી રહ્યો હતો ! તો એની સાથે એમનો પાળેલો કૂતરો કાળિયો પણ જમીન સૂંઘતો આગળ વધી રહ્યો હતો.
એક જગ્યાએ કાળિયો રોકાયો. જમીન પર પડેલી વસ્તુને એણે સૂંઘી અને પછી ભસીને ચંદરનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.
ચંદર નજીક આવ્યો. તે જમીન પર પડેલી એ વસ્તુને જોતો ઘુંટણિયે બેઠો. તે ઘડીભર એ વસ્તુને જોઈ રહ્યો અને પછી એ વસ્તુને ઉઠાવી લઈને ઘર તરફ દોડયો. તેની પાછળ કાળિયાએ પણ દોટ મૂકી.
ઘરની અંદર દાખલ થતાં જ તેણે ખુરશી પર બેઠેલા અને બારી બહાર, આકાશ તરફ તાકી રહેલા પપ્પા ઓમકારને કહ્યું : 'પપ્પા !'
પણ ઓમકારની નજર ચંદર તરફ વળી નહિ. તે એ જ રીતના બેઠો રહ્યો. તેના ચહેરા પર દુઃખ હતું ! તેની આંખોમાં દર્દ હતું ! આઘાતથી જાણે તેનું શરીર લાકડા જેવું બની ગયું હતું !
'પપ્પા !' ચંદરે ઓમકારના ખભે હાથ મૂકયો : 'જુઓ તો મને આ ખેતરમાંથી મળ્યું !'
ઓમકારમાં જીવ આવ્યો હોય એમ તેણે ચહેરો ફેરવીને ચંદર સામે જોયું. ચંદરે પોતાના હાથમાંની વસ્તુ ઓમકાર સામે ધરી. ઓમકારે એ વસ્તુ પોતાના હાથમાં લીધી અને એને જોઈ રહ્યો.
-એ ચપ્પુ હતું ! ચપ્પુનું પાનંુ પોણો ફૂટ લાંબુ, ધારદાર અને અણિદાર હતું. ચપ્પુનો જાડો હાથો અડધો ફૂટ જેટલો લાંબો હતો. હાથો લોખંડનો હતો અને એની પર જાણે કોઈક માણસની ખોપરી કોતરાયેલી હતી. ઓમકારે હાથો ફેરવીને હાથાની બીજી બાજુ જોયું. બીજી બાજુ જાણે માણસોની નાની-નાની લાશો કોતરાયેલી હતી !
ઓમકારે ચંદર સામે જોયું, ત્યાં જ તેના હાથમાંથી આપમેળે જ ચપ્પુ ઊડયું ને સુઉઉઉઉઉ કરતાં સામેની દીવાલમાં ખૂંપી ગયું.
ઓમકાર અને ચંદર બન્નેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
થોડીક પળો તો ઓમકાર પોતાની જગ્યા પર જ બેસી રહ્યો. ચંદર પણ જેમનો તેમ જ ઊભો રહ્યો. પછી ઓમકાર ખુરશી પરથી ઊભો થયો અને ફોટા પર ચોંટેલા ચપ્પુ તરફ આગળ વધ્યો. ચંદર પણ કાંપતા પગલે ચાલ્યો.
દીવાલની નજીક પહોંચીને ઓમકાર એ ચપ્પુને જોઈ રહ્યો. તો ચંદર પણ એ ચપ્પુને અવાચક બનેલી હાલતમાં જોઈ રહ્યો.
૦ ૦ ૦
સાંજના પોણા છ વાગ્યા હતા.
ઓમકારના આ ખેતરથી થોડેક દૂર 'વિલ્સન કૉલેજ'ની બસ ઊભી હતી. પંકચર પડયાને પચીસ મિનિટ થવા આવી હતી, પણ હજુ એક પણ વાહન પસાર થયું નહોતું, કે જેની પાસેથી જેક મેળવીને ટાયર બદલી શકાય.
જેકબ, સ્મિતા, મનજીત અને નતાશા બસમાં બેઠાં હતાં. રોમિત પણ પોતાની ખૂણામાંની સીટ પર બેઠો હતો.
અનૂજ, તેજસ અને મિલિન્દ બસની છત પર લેટેલા હતા.
લવલી, શિલ્પા અને નેહા બસની બહાર, નજીકમાં જ પગ છૂટા કરી રહી હતી.
બસની સીટ પર બેઠેલી બેલા ટીચર મોબાઈલ ફોન પર હાઈવે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ સંપર્ક થતો નહોતો.
બસની બહાર ઊભેલા આલ્બર્ટ સર પણ મદદ મેળવવા માટે મોબાઈલ લગાવી રહ્યા હતા, પણ મોબાઈલ લાગતો નહોતો.
'...ટાવર પકડાતો નથી.' ક્યારનાય આલ્બર્ટ સરની બાજુમાં ઊભા-ઊભા મદદ માટે મોબાઈલ લગાવી રહેલા ઈરફાનેે કહ્યું.
'હમણાં પોણો-એક કલાકમાં તો રાત પડી જશે !' આલ્બર્ટ સરે નજીકના પથ્થર પર બેઠેલા ડ્રાઈવર રહેમાન તરફ જોતાં કહ્યું : 'મેં મોટી ભૂલ કરી. મારે આ શોર્ટકટ લેવડાવવાની જરૂર નહોતી.'
'મારું માનવું છે કે, આપણે પાંચ ટાયર પર ધીરે-ધીરે બસ આગળ વધારીને મેઈન હાઈવે પર પહોંચી જવું જોઈએ.' બેલા ટીચરે બારી બહાર મોઢું કાઢતાં આલ્બર્ટ સરને કહ્યું નેે પછી ડ્રાઈવર રહેમાનને પૂછયું : 'તારું શું માનવું છે, રહેમાન ? !'
'બરાબર છે !' રહેમાને કહ્યું : 'હું સાચવીને બસ ચલાવી લઉં છું.'
'તો ચાલો !' અને આલ્બર્ટ સરે બૂમ પાડીઃ 'ચાલો બધાં, આપણે આગળ વધીએ છીએ.'
થોડેક દૂર, ઝાડની પાછળ બાથરૂમ કરી રહેલા યશ, અખિલ અને કરણના કાને પણ આલ્બર્ટ સરની આ બૂમ સંભળાઈ.
'ચાલ !' કહેતાં અખિલ ત્યાંથી આગળ વધ્યો, તેની સાથે કરણ પણ ઉતાવળે મેદાન પછી રસ્તા પર ઊભેલી બસ તરફ આગળ વધી ગયો.
યશને હજુ થોડીક વાર લાગે એમ હતી.
અચાનક યશને ઝુઉઉઉઉના અવાજ સાથે માથા ઊપરથી કોઈ વસ્તુ પસાર થઈ ગઈ હોય એવું લાગ્યું. ચોંકી ઊઠતાં યશે અદ્ધર જોયું. ખુલ્લા આકાશમાં કંઈ દેખાયું નહિ. તેણે આસપાસમાં જોયું. કોઈ નહોતું. યશે ઉતાવળ કરી, ત્યાં જ ફરી તેના માથા ઉપરથી કોઈ વસ્તુ પસાર થઈ ગઈ હોય એવો ઝુઉઉઉઉનો અવાજ સંભળાયો. ગભરાઈ ઊઠતાં યશે અદ્ધર જોયું અને એકસાથે બે પગલાં પાછળ હટયો, ત્યાં જ તેની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો મોટો અવાજ સંભળાયો, અને એ સાથે જ યશના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
યશની આ ચીસ સાંભળીને થોડેક દૂર ઊભેલી બસમાં ચઢવા જઈ રહેલો ઈરફાન જે તરફથી યશની ચીસ સંભળાઈ હતી, એ તરફ વળ્યો અને એ તરફ દોડયો.તો થોડીક પળો પહેલાં જ યશ પાસેથી નીકળીને બસ નજીક પહોંચેલા અખિલ અને કરણે એક-બીજા સામેે જોયું : 'આ બાથરૂમ કરી રહેલા યશને વળી શું થયું કે એણે આમ ચીસ પાડી ?' અને આનો જવાબ જાણવા માટે એ બન્ને પણ ઈરફાન પાછળ દોડયા.
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧)
આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો.
મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો.
તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોેની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના મોઢા પર માણસનું મોહરું લગાડતાં, ને પાછા માથે મોટી કાળી કેપ પહેરાવતા. અને વળી એને કોઈ માણસના ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતો લાંબો-કાળો ઝભ્ભો-ડગલો પહેરાવતા. આવો આ ભયાનક ચાડિયો જોઈને ભોળાં પંખીડાંઓ તો તેમના ખેતરથી દૂર જ રહેતા, પણ રાતના જો કોઈ અજાણ્યું એને જુએ તો ભૂત માનીને ભડકીને ભાગી જ જાય !
અત્યારે નંદુ આવો ત્રીજો ચાડિયો ઊભા અને આડા, ક્રોસ જેવા લાકડા પર લટકાવી રહ્યો હતો, ત્યાં જ તેના કાને તેના પપ્પાનો અવાજ પડયો : 'નંદુ ! કામ પૂરું કરીને જ અહીં આવજે. ત્રણે ચાડિયા બંધાઈ ન જાય ત્યાં સુધી તનેે જમવાનું મળવાનુ નથી, સમજ્યો !'
'હા, પપ્પા !' નંદુએ જવાબ આપ્યો. ઘઉંના ઊભા પાકને કારણે તેને તેના પિતા દેખાતા નહોતા.
'...ત્રણેય ચાડિયાને બરાબર કસીને બાંધજે, ઢીલા રહેશે તો તેજ પવનમાં ઊડી જશે.' તેના કાને ફરી તેના પપ્પાનો અવાજ પડયો, એટલે નંદુના ચહેરા પર સહેજ ગુસ્સો આવ્યો : 'પપ્પા, નકામા બડબડ કરે છે.' તે મનોમન બબડયો, જોકે તેણે તેના પપ્પાને તો સીધો જ જવાબ આપ્યો : 'ભલે, પપ્પા !' અને તેણે પોતાની કામગીરી આગળ વધારી.
ત્યારે તેનાથી થોડેક દૂર, ખેતરમાંના તેમના ઘર નજીક ઊભેલા ટ્રેકટર પર બેઠેલા નંદુના પપ્પા ઓમકારે ટ્રેકટર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેકટર ચાલુ થયું નહિ.
ઓમકારે ટ્રેકટરનું બૉનેટ ખોલ્યું અને એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. 'નંદુ !' પોતાના માથા પરની કેપ ઊતારીને રોષભેર એક બાજુ ફેંકતા ઓમકારે બૂમ પાડી : 'નંદુ ! તંે ફરી ટ્રેકટર સાથે છેડખાની કરી ? !'
'ના, પપ્પા !'
'મેં તને કેટલી વાર કહ્યું છે કે, ટ્રેકટરને હાથ ન લગાવીશ.' ઓમકાર બોલ્યો : '...શું તેં ટ્રેકટરની બેટરીના પ્લગ કાઢી લીધા છે ?'
'મેં કહ્યું ને, પપ્પા !' નંદુનો જવાબ સંભળાયો : 'મેં કંઈ નથી, કર્યું !'
'તો....' ઓમકારે ઘરના દરવાજા પાસે જ પડેલી પાછળથી ખુલ્લી ટાટા મોબાઈલનું બૉનેટ ખોલીને રિપેરિંગમાં પરોવાયેલા પોતાના મોટા-અઢાર વરસના દીકરા ચંદરને પૂછયું : '....તો શું આ તારું કામ છે, ચંદર ? !'
'ના, પપ્પા ! હું તો આવું કંઈ કરતો હોઈશ.' ચંદરે પપ્પા તરફ જોતાં જવાબ આપ્યો.
'તું આટલો મોટો થયો, પણ તારી મસ્તી ગઈ નહિ !' ધૂંધવાટભેર ચંદરને ખખડાવતાં ઓમકાર ઘરની અંદરની તરફ ચાલતાં મનોમન બબડયો : 'સાવિત્રી, તું સ્વર્ગમાં સિધાવી ગઈ પછી કયારેક-કયારેક આ બન્ને છોકરાં મારા નાકે દમ લાવી દે છે.' અને ઓમકાર ઘરની અંદર ચાલ્યો ગયો.
તો ચંદરના ચહેરા પર રોષ આવી ગયો. 'નંદુ...' ચંદરે બૂમ પાડી : '...તું કયારેય નહિ સુધરે.'
'...પણ મેં શું કર્યું ?' અહીંથી ઊભા પાકને કારણે નંદુ દેખાતો નહોતો, પણ એનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
'તું ઘરે આવ એટલે તને બતાવું છું કે, તેં શું કર્યું છે ?'
'તું ખોટી બૂમાબૂમ ન કર, તારું કામ કર.' નંદુનો અવાજ સંભળાયો.
'....મસ્તીખોરની સાથે હવે નંદુ જુઠ્ઠો પણ થઈ ગયો છે !' બબડતાં ચંદર ટાટા મોબાઈલની નીચે સરકયો.
ત્યાં જ નજીકમાં જ બેઠેલો તેમનો પાળેલો કૂતરો કાળિયો ઊભો થયો, અને પૂંછડી પટપટાવતાં, આકાશ તરફ જોઈ રહેતાં 'હાઉ-હાઉ ! હાઉ-હાઉ !' કરતાં ભસવા માંડયો.
'હવે તું એને સમજાવવાનું રહેવા દે, કાળિયા..,' ટાટા મોબાઈલની નીચે-પોતાનું રિપેરિંગ કામ ચાલુ રાખતાં ચંદર બોલ્યો : '...એ ભાઈ અમારું કહ્યું નથી માનતા, તો તારાથી શું ખાખ માનવાના છે ?'
પણ કાળિયો ચુપ થયો નહિ. 'હાઉ-હાઉ' કરતાં તે ખેતરના પાક નજીક પહોંચીને ઊભો રહેતાં આકાશમાં ચાડિયા તરફ ઊડી જઈ રહેલા બે કાળા કાગડાં તરફ લાળ ટપકાવતાં જોઈ રહ્યો.
એ બન્ને કાળા કાગડાં નંદુ જે ત્રીજો ચાડિયો લગાવી રહ્યો હતો, એનાથી થોડેક દૂર આવેલા બીજા ચાડિયાના લાકડાના ડાબા-જમણા હાથ પર બેઠા, અને ક્રાં...ક્રાં...ક્રાં કરવા માંડયા.
નંદુના કાને આ કાગડાંના ક્રાં-ક્રાંનો અવાજ પડયો, એટલે તેણે ચહેરો ફેરવીને ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા આ કાગડાં તરફ જોયું. તેને લાગ્યું કે, એ બન્ને કાગડાં સામાન્ય કાગડાં કરતાં કંઈક વધુ પડતા જ મોટા અને ભયાનક લાગતા હતા. અને એ બન્ને ભયાનક કાગડાં પોતાની લાલઘૂમ આંખે જાણે તેને ખાઈ જવાની નજરે તાકી રહ્યા હતા. 'પપ્પાના બનાવેલા આવા આ ચાડિયાને જોઈને કદી કોઈ પંખી એની નજીક ફરકતું નથી અને અત્યારે આ બન્ને કાગડાં ચાડિયાં પર જ આવીને બેઠાં !' નંદુ નવાઈભેર બબડયો,
ત્યારે થોડેક દૂર, ઘર નજીક, ટાટા મોબાઈલની નીચે લેટેલા ચંદરે એકધારા ભસી રહેલા કાળિયાને ધમકાવ્યો, 'ચુપ કર હવે, કાળિયા.'
પણ કાળિયો ચુપ થયો નહિ. એણે ખાસ્સે દૂર રહેલા એ ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા બન્ને કાગડાં તરફ જોઈ રહેતાં ભસવાનું ચાલુ રાખ્યું,
તો એ ચાડિયાથી થોડેક જ દૂર ઊભેલા નંદુની નજર હજુ પણ એ ચાડિયાના હાથ પર બેઠેલા એ બન્ને કાગડા પર જ ચોંટેલી હતી.
'ક્રાં-ક્રાં, ક્રાં-ક્રાં !' કરતાં એ બન્ને કાગડાં ઊડી ગયાં.
નંદુ એ ચાડિયા પરથી નજર પાછી વાળવા ગયો, ત્યાં જ ચાડિયાનો ચહેરો એકદમથી જ તેની તરફ ફર્યો !
નંદુ ચોંકી ઊઠયો. તેનેે...તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. 'આ..આ તે શું જોઈ રહ્યો છે ? !' તે ફાટેલી આંખે એ ચાડિયા તરફ જોઈ રહ્યો !
માનવામાં ન આવે એવી વાત હતી, પણ એ ચાડિયાનું મોઢું આપમેળે જ ફર્યું હતું. તેણે એ ચાડિયાને તેમના ઘર તરફનું મોઢું કરીને લગાવ્યો હતો, પણ અત્યારે એ ચાડિયાનું મોઢું જમણી બાજુ, તેની તરફ ફરી ગયું હતું ! અને...અને એ ચાડિયો જાણે પોતાની ભયાનક આંખે તેને જ જોઈ રહ્યો હતો.
નવાઈના દરિયામાં ડૂબકીઓ ખાતાં નંદુ એ ચાડિયા તરફ આગળ વધ્યો. તે એ ચાડિયાની બરાબર સામે પહોંચીને ઊભો રહ્યો, ત્યાં જ વળી જાણે કોઈક માણસ આંચકા સાથે પોતાનો ચહેરો ફેરવે એમ ચાડિયાનો જમણી બાજુ રહેલો ચહેરો પાછો સામેની તરફ, નંદુ તરફ ફરી ગયો !
હવે નંદુ વધુ મૂંઝાયો અને થોડોક ગભરાયો પણ ખરો ! પપ્પાએ લાકડીઓ અને ગાભા-ડૂચાનો ચાડિયો બનાવ્યો હતો કે પછી.., કે પછી કોઈ જીવતો-જાગતો માણસ ? અને તેની નજર ચાડિયાના લાંબા કાળા ઝભ્ભાની નીચેના ભાગ પર પડી. તેની આંખો ઝીણી થઈ. તેના પપ્પાએ કંઈ ચાડિયાના પગ બનાવ્યા નહોતા ! તેણે થોડીક વાર પહેલાં અહીં આ ચાડિયાને લટકાવ્યો હતો, ત્યારે પણ આ ચાડિયાના પગ કયાં હતા ? ! પણ..પણ અત્યારે ચાડિયાના પગ ફૂટી નીકળ્યા હતા ! અને એ પગ પણ વળી કેવા ખતરનાક લાગતા હતા ? જાણે કોઈક ભયાનક જંગલી પ્રાણીના પગ ન હોય ! પગની આંગળીઓના નખ લાંબા અને અણીદાર હતા અને કોઈ જંગલી પ્રાણીના પંજાની જેમ જ આગળથી સહેજ વળેલા હતાં !
નંદુએ ગભરામણ અનુભવતાં ડાબી અને જમણી બાજુ થોડેક-થોડેક દૂર તેણે ગોઠવેલા બીજા બે ચાડિયા તરફ જોયું. એ બન્ને ચાડિયાના પગ નહોતા ! પણ પગ હોય એ વાતનો સવાલ જ કયાં હતો? ! પણ તો આ સામેના ચાડિયાના પગ નીકળી આવ્યા હતા એનું શું ? અને તેણે ફરી પોતાની સામેના ચાડિયાના ફૂટી નીકળેલા પગ તરફ જોયું.
એ જ પળે ચાડિયાના એ ખતરનાક પગની આંગળીઓ સાંધા પાસેથી નીચેની તરફ વળી અને પાછી સીધી થઈ ગઈ !
હવે નંદુની હિંમત જવાબ આપી ગઈ. નકકી કંઈક ગરબડ હતી ! તે ડરનો માર્યો પાછળની તરફ-પોતાના ઘર તરફ વળ્યો અને દોડયો.
અને...અને....એ સાથે જ એ ચાડિયો હવામાં ઊડયો.
દોડતાં-દોડતાં જ નંદુએ પાછું વળીને જોયું. એ લાકડી પર ચાડિયો નહોતો.
એણે ચહેરો આગળ કર્યો અને 'ચંદર ! ચંદર ! એવી ચીસો પાડતાં ઊભા પાક વચ્ચેની નાનકડી કેડી પર આંખો મીંચીને-મુઠ્ઠીઓ વાળીને દોડવાનું ચાલુ રાખ્યું. તેની સાથોસાથ જ તેના માથા પર પેલાં બન્ને કાગડાં ઘુમરાતા આગળ વધી રહ્યા હતા.
'ચંદર ! ચંદર !' એવી ચીસો પાડતો નંદુ તેના ઘરથી થોડેક જ દૂર રહ્યો, ત્યાં જ એકદમથી જ પેલો ચાડિયો આકાશમાંથી ઊતરી આવ્યો અને નંદુની બરાબર સામે ખાબકયો.
'અઅઅઅઅઆાાાાાાાાા.....!' નંદુની ચીસ ગુંજી ઊઠી.
ધરતીની છાતીને ધુ્રજાવી દે તેવી આ નંદુની ચીસ સાંભળીને ટાટા મોબાઈલ નીચે રહેલો ચંદર બહાર નીકળી આવ્યો.
એ જ પળે ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે ઘરની બહાર દોડી આવ્યો. '....શું થયું !' પૂછતાં ઓમકાર ચંદરની નજીક આવ્યો,
'ખબર નથી !' ચંદરે મૂંઝવણ સાથે ઊભા પાક તરફ આગળ વધતાં કહ્યું.
ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે આગળ વધ્યો.
સામે દૂર..દૂર સુધી પથરાયેલા પાક વચ્ચે કયાંય નંદુ નજરે ચઢતો નહોતો ! અત્યારે તેની ચીસ પણ સંભળાતી નહોતી.
વાતાવરણમાં ભયાનક શાંતિ અને સન્નાટો છવાઈ ગયો હતો ! પવન જાણે આ ખેતરની બહાર જ રોકાઈ ગયો હતો ! ખેતરમાંનો પાક જાણે ભયથી સ્થિર થઈ ગયો હતો !
'હાઉ-હાઉ !' કરતો કયારનો ય ભસી રહેલો કાળિયો પણ મૂંગોમંતર થઈ ગયો હતો. એ અત્યારે ખેતરની અંદરની તરફ જતી કેડી પાસે ઊભો હતો અને ''નંદુ કયાં છે ?'' એ શોધી કાઢવા માટે જાણે મથતો હોય એમ ઘડીકમાં જમીન સૂંઘી રહ્યો હતો, તો ઘડીકમાં આકાશ તરફ જોઈ રહ્યો હતો.
'નંદુ !' ચંદરે બૂમ પાડી : 'નંદુ ! તું કયાં છે, નંદુ ?'
પણ સન્નાટો છવાયેલો રહ્યો. ચુપકીદી ! નંદુ તરફથી કોઈ અવાજ સંભળાયો નહિ.
'નંદુને કોઈ જંગલી પ્રાણી ખેંચી ગયું કે કોઈ ઝેરી જંતુ-જનાવર કરડી ગયું કે શું ? ' મગજમાં દોડી ગયેલા અણગમતા વિચારને તુરત જ ખંખેરી નાખતાં ઓમકારે પણ જોરથી બૂમ પાડી : 'નંદુ બેટા ? કયાં છે તું નંદુ બેટા !'
આ વખતેય નંદુ તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.
ઓમકાર અને ચંદર, બન્ને બાપ-દીકરાએ મૂંઝવણ સાથે એકબીજા સામે જોયું, ત્યાં જ જાણે કાળિયાએ નંદુની ગંધ પારખી લીધી હોય એમ હાઉ-હાઉ કરતો કેડીની અંદરની તરફ દોડયો, અને બરાબર એ જ વખતે સન્નાટાને ચીરતી અને શાંતિને ખળભળાવતી નંદુની ચીસો વાતાવરણમાં ગૂંજી ઊઠી : 'ચંદર મને બચા..વ, પપ્પા મને બચાવ !'
'હા, નંદુ ! તું કયાં છે, નંદુ ?' બૂમ પાડતાં હાથમાંની બંદૂક સંભાળતાં ઓમકાર કેડીની અંદરની તરફ દોડયો. એની પાછળ-પાછળ ચંદર પણ દોડયો.
'ચંદર ! મને બચાવ, ચંદર..!' નંદુની ચીસ સંભળાઈ.
'હા, નંદુ ! અમે આવી રહ્યા છે, નંદુ ! તું કયાં છે, નંદુ !' ચંદર પોતાના પપ્પાની સાથે પાગલની જેમ ઘઉંના ખેતર વચ્ચે દોડતાં નંદુને વળતો જવાબ આપી રહ્યો હતો, પણ નંદુ દેખાતો નહોતો.
'...છોડી દે, છોડી દે મને !' નંદુનો અવાજ સંભળાયો : 'પપ્પા મને બચાવ...!'
ઓમકાર અને ચંદરના કાળજાંમાં નંદુની આ ચીસાચીસ ભાલાની જેમ ભોંકાઈ રહી હતી ! કાળિયો પણ નંદુની ગંધ પારખતો દોડી રહ્યો હતો !
પણ નંદુ હતો કયાં ? ! અને કોણે એને પકડયો હતો ?
'છોડી દે, મને !' વાતવરણમાં નંદુનો રડતો-કરગરતો અવાજ સંભળાયો : '...તું મને કયાં લઈ જઈ રહ્યો છે ? છોડી દે મને....'
'નંદુ !' ઓમકાર બોલ્યો : 'તું જલદી બોલ, તું કયાં છે, નંદુ ?'
'તને અમારો અવાજ સંભળાય છે, નંદુ ?' ચંદરે ગળું ફાટી જાય એટલા મોટા અવાજે બૂમ પાડી : 'મને જવાબ આપ, નંદુ !'
પણ જવાબમાં નંદુની એ જ રીતની ગભરાટભરી ચીસો સંભળાઈ : 'ના-ના ! છોડી દે મને.., છોડી દે મને...!'
ચંદરની આગળ દોડી રહેલો કાળિયો ઊભો રહ્યો. ડાબી-જમણી બાજુ બે કેડીઓ ફંટાતી હતી. એેણે ડાબી-જમણી બાજુ જોયું અને પછી ડાબી બાજુ દોડવા માંડયો.
ઓમકારનો શ્વાસ ફૂલી ગયો હતો. ચંદરની પણ હાલત સારી નહોતી. બન્ને બાપ દીકરો એ કેડી પર 'નંદુને બચાવવા' દોડયા, પણ 'કોનાથી બચાવવા ?' એ જ એમને ખબર નહોતી.
તો એ જ કેડી પર, થોડાંક મીટર આગળ નંદુ ઘસડાતો જઈ રહેલોે દેખાયો.
થોડીક પળો પહેલાં નંદુની નજર સામે એક નિર્જીવ વસ્તુમાંથી જાણે કોઈ જીવતો-જાગતો માણસ હોય એવા બની ગયેલા ચાડિયાએ નંદુને કોલર પાસેથી પકડી રાખ્યો હતો અને એને ઘસડતાં દોડી જઈ રહ્યો હતો.
'બચાવ !' નંદુ ચીસો પાડતો એ ચાડિયાના હાથમાંથી છૂટવા-છટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે સફળ થઈ શકતો નહોતો. 'ચંદર, બચાવ !' તે ઘસડાઈ રહ્યો હતો. તેના પગ છોલાઈ રહ્યા હતા. 'બચાવો, પપ્પા !' તે એકધારી ચીસો પાડી રહ્યો હતો. 'ચંદર, મને આના હાથમાંથી છોડાવ !'
'અમે આવી રહ્યા છીએ, નંદુ !' ચંદર પણ નંદુને હિંમત બંધાવતાં દોડતો આવી રહ્યો હતો.
અત્યારે હવે આગળ-આગળ દોડી રહેલા કાળિયાની પાછળ-પાછળ દોડતા ચંદર અને ઓમકાર જમણી બાજુની કેડી તરફ વળ્યા, ત્યાં જ તેમને દૂર...દૂર સુધી પથરાયેલી એ સીધી કેડી પર, તેમનાથી પચીસેક પગલાં આગળ ચાડિયો નંદુને ખેંચીને લઈ જતાં દેખાયો.
ચંદર આંચકો પામ્યો, આ...આ તે કેવું ગજબ દૃશ્ય હતું ? ચાડિયો નંદુને ખેંચીને લઈ જઈ રહ્યો હતો ? !
ઓમકારે દોડતાં-દોડતાં જ પોતાના હાથમાંની બંદૂકની નાળ ચાડિયા તરફ તાકી, ત્યાં જ અચાનક જ ચાડિયાએ ચામાચીડિયા જેવી, પણ વિશાળ પાંખો ખોલી અને સુઉઉઉઉ કરતાં નંદુને લઈને આકાશ તરફ ઊડયો.....
ઓમકાર ચાડિયાનું નિશાન લઈને બંદૂકનો ઘોડો દબાવવા ગયો, પણ એ ચાડિયો ગજબનાક ઝડપે ઊડતો પલકવારમાં જ આકાશમાં અદ્રશ્ય થઈ ગયો !
ચંદર થર-થર કાંપતો આકાશ તરફ જોઈ રહ્યો. 'આ..આ...' તે આગળ બોલી શકયો નહિ. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તે ઊભો રહી શકયો નહિ, તે ઘુંટણિયે બેસી પડયો ને ડઘાયેલા ચહેરે આકાશ તરફ તાકી રહ્યો.
તો ઓમકારનો જીવ નીકળી ગયો હોય, એ પથ્થરનુ પૂતળું બની ગયો હોય એમ એ ઊભો હતો ! એની આંખો આકાશ તરફ તકાયેલી હતી !
તો કાળિયો પણ આકાશ તરફ જોઈ રહ્યો હતો, ચામાચીડિયા જેવા ચાડિયા સાથે આકાશમાં આલોપ થઈ ગયેલા નંદુને જાણે આંખોથી શોધી રહ્યો હતો !
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો