Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાન હોકી ખેલાડીની સ્મૃતિમાં દર વર્ષે ઉજવાય છે નેશનલ સ્પોર્ટસ ડે
સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "નેશનલ સ્પોર્ટસ ડે"ની ત્રિ-દિવસીય ઉજવણી કરાશે
સમગ્ર દેશમાં હોકીના ખ્યાતનામ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસ તા. ૨૯મી ઓગસ્ટને નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદની હોકી રમવાની કળા જોઇને એટલા પ્રભાવિત બનેલા જર્મનીના લોકોએ તેમને હોકીના જાદુગરનું બિરૂદ આપ્યું છે. જર્મની દેશમાં મેજર ધ્યાનચંદની રમત જોવા માટે ગ્રાઉન્ડ ઉપર હિટલર પણ હાજર હતા. સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવનાર હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદના સન્માનમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓને ભારત સરકાર દ્વારા 'ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડ' એનાયત કરવામાં આવે છે.
જ્યાં સુધી દડાને લાકડી વડે ફટકારવાની રમતોની વાત છે, ત્યાં સુધી તો આ રમત ખૂબ જ પ્રાચીન ગણાય. પ્રાચીન યુગના પુરાવાઓ પ્રમાણે ભારતમાં આવી રમત પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત કાળમાં 'ગેડી દડા'ના સ્વરૂપે રમાતી હતી. હોકી શબ્દ ફ્રેન્ચ ભાષાના 'હોકીટ' શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ 'એક છેડેથી વળેલી લાકડી' થાય છે. ભારતમાં 'ગેડી દડો', જાપાનમાં 'કાંચી', અમેરિકામાં 'ઓ કા', સ્કોટલેન્ડમાં 'શીન્ટી'ના નામે ઓળખાતી રમતો હોકીને મળતી આવે છે. આમ તો અર્વાચીન હોકીનું જન્મસ્થળ ઇંગ્લેન્ડ ગણાય છે, છતાં ભારતે આ રમતમાં મેળવેલી સિદ્ધિઓને કારણે તેને 'રાષ્ટ્રીય રમત' તરીકે સ્વીકારવામાં આવી છે. સાચા અર્થમાં આધુનિક હોકીની શરૂઆત સૌ પહેલાં ઇંગ્લેન્ડમાં થઈ હતી, એટલું જ નહિ પણ હોકી રમતના સૌ પહેલા નિયમો ઘડવાનું શ્રેય પણ તે દેશની 'બ્લેકહીથ ક્લબ'ને જાય છે.
આ રમત ભારતમાં ખૂબ જ પ્રચલિત થઈ ગઈ. છતાં પંજાબમાં આ રમત વધારે લોકપ્રિય થઈ અને દેશના મોટા ભાગના ખેલાડીઓ આ રાજ્યમાંથી આવતા હોય છે. ભારતમાં 'ઇન્ડિયન હોકી ફેડરેશન'ની રચના ૭ નવેમ્બર ૧૯૨૫ના કરવામાં આવી હતી. જે સમગ્ર દેશમાં આ રમતનું નિયંત્રણ કરે છે. આજે વિશ્વમાં હોકી ખૂબ જ લોકપ્રિય રમત છે એટલે દર વર્ષે ભાઈઓ તેમજ બહેનો માટે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે. ભારતમાં પુરુષો માટે અપાતી રાષ્ટ્રીય ટ્રોફીને 'રંગાસ્વામી કપ' કહેવામાં આવે છે. જ્યારે મહિલાઓની રાષ્ટ્રીય ટ્રોફીને 'લેડી રતન ટાટા કપ' કહેવામાં આવે છે. એ સિવાય આગાખાન કપ, બાઇટન કપ, મૃગપ્પા ગોલ્ડ, નહેરુ કપ, ધ્યાનચંદ ટ્રોફી, બોમ્બે ગોલ્ડ કપ અને ગુરુ નાનક ચેમ્પિયનશિપ વગેરે હરીફાઈઓનું દર વર્ષે ભારતમાં આયોજન થાય છે. ૧૯૭૧થી 'હોકી વિશ્વકપ'ની પણ શરૂઆત કરવામાં આવી છે. ૧૯૭૫માં ભારતે આ વિશ્વકપ જીત્યો હતો.
ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ
ભારતે સૌપ્રથમ ૧૯૨૮માં હોલેન્ડમાં ઍમસ્ટર્ડેમમાં આયોજિત ઑલિમ્પિક્સમાં હોકીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો અને ૧૯૫૬માં તે ઑસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં આયોજિત ઑલિમ્પિક સુધી સતત જાળવી રાખ્યો હતો. ત્યારબાદ ૧૯૬૦માં રજતચંદ્રક, ૧૯૬૪માં સુવર્ણચંદ્રક, ૧૯૬૮ અને ૧૯૭૨માં કાંસ્યચંદ્રક તથા ૧૯૮૦માં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
હોકી (આઇસ) : આઇસ-હોકીની રમત બરફની લીસી પણ કઠણ સપાટી ઉપર બનાવેલ મેદાન જેને 'રિન્ક' તરીકે ઓળખવામાં આવે છે તેના પર રમાય છે. મૂળ આ કેનેડિયન રમત છે. ૨૦મી સદીમાં આ રમતનો વિકાસ થયો. ઈ.સ.૧૮૬૦માં ઑન્ટેરીઓના કિંગ્સ્ટન બંદરે બરફ જામેલા વિસ્તારમાં અંગ્રેજો દ્વારા રમાતી રમતમાંથી આઇસ હોકીની રમતનો ઉદભવ થયો એવું માનવામાં આવે છે. દડાને બદલે સૌપ્રથમ ડિસ્ક (પક) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વકક્ષાએ આ રમતનું સંચાલન 'ઇન્ટરનેશનલ આઇસ હોકી ફેડરેશન' દ્વારા થાય છે.
મેજર ધ્યાનચંદના જન્મ દિવસે ઉજવતા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી સરકાર દ્વારા રાજયમાં ત્રણ દિવસ કરવામાં આવશે. આ ત્રિ-દિવસીય રમતોત્સવમાં શાળા- કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો પણ વિવિધ રમતોમાં સહભાગી બને તેવું સુચારૂ આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન શાળા કોલેજોમાં વિવિધ રમતો રમાશે. તો જિલ્લાના કર્મયોગીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ ક્રિકેટ મેચ અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સંકલનઃ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial